Guj CM attends satsang programme of Mata Amritanandamayi at Ahmedabad

Posted on 10, Mar 2018

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે, કે છેલ્લા એક દસકામાં ગુજરાતમાં માળખાકીય વિકાસ સાથે વ્યક્તિગત જીવનમાં સંસ્કારો ઉધ્વગામી બને તેવું વાતાવરણ સર્જાયુ છે.

તેમણે કહ્યું કે, આજના રાગ-દ્વેસના વાતાવરણમાં પ્રેમ-સ્નેહ એ જ સર્વ સમસ્યાઓનું સમાધાન છે.

અમદાવાદમાં આયોજિત માતા અમૃતાનંદમયી સેવા સમિતિ દ્વારા યોજાયેલા સત્સંગ – ધ્યાન કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, દયા-અનુકંપા એ ઇશ્વરનું સ્વરૂપ છે અને અમ્મા ગરીબ-તવંગર, નાના-મોટાના ભેદભાવ વગર નિઃસ્વાર્થ ભાવે પોતાના આલિંગનથી પીડિતોના દુઃખને હળવું કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યાં પ્રેમ હોય છે ત્યાં અનેક સમસ્યાઓનું સમાધાન સહજ રીતે થઇ જતું હોય છે. અમ્માના આ પ્રેમ વિશ્વના અનેક લોકોને તેમની તરફ આકર્ષિત કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, માતા અમૃતાનંદમયી મઠ દ્વારા અનેક સેવાકાર્યો તથા યુનિવર્સિટીઓની સ્થાપના દ્વારા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે. તેમણે મહિલાઓના સ્વાશ્રયી જૂથોને મદદ કરવા સાથે મહિલાઓના સશક્તિકરણનું પણ અનોખુ કાર્ય કર્યું છે.

માતા અમૃતાનંદમયી મઠ દ્વારા ચલાવતા શુધ્ધ પીવાના પાણીનું એક યુનિટ કે જે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બોરવાઇ ખાતે શરૂ થનાર છે તેના વિસ્તરણનું પ્રમાણપત્ર સરપંચશ્રીને આપ્‍યું હતું. તેમણે અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોના સ્વાશ્રયી જૂથોની મહિલાઓને સાડી તથા ચેકનું વિતરણ પણ કર્યું હતું.

માતા અમૃતાનંદમયી માતાજીએ આ પ્રસંગે ઉપસ્થિતોને પોતાના આશિર્વચન આપ્યા હતા તથા આલિંગનરૂપી સ્નેહથી સૌને ભાવવિભોર કર્યા હતા.

આ અવસરે ધારાસ્ભ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સ્વામી આધ્યાત્માનંદજી, સ્વામી અવ્યતાનંદ સરસ્વતી મહારાજ, મુ્ખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ, શ્રી કે.કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રી પુનમચંદ પરમાર, અમૃતભાઇ કડીવાલા તથા ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્‍થિત રહ્યાં હતા.