Guj CM inaugurates newly-built building of The Surat Co-operative Bank

Posted on 13, Apr 2018

સહકારનો મતલબ છેવાડાના પીડિતશોષિત અને ગરીબ માનવીનો ઉત્કર્ષ અને અંત્યોદયની ભાવના: શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ છેવાડાના ગરીબ માનવીના કલ્યાણમાં સહકારી બેન્કો-સંસ્થાઓનું આગવું પ્રદાન રહ્યું છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

તેમણે આ સંદર્ભમાં એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર પણ પીડિત, શોષિત, વંચિત અને ગ્રામીણ તથા છેવાડાના માનવીના સર્વગ્રાહી ઉત્થાન માટે પ્રતિબધ્ધ છે.

રાજ્યના સહકારી માળખાને પણ આ હેતુસર સુગ્રથિત કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતમાં રૂા. ૩૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ધી સૂરત ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના નવનિર્મિત ભવનનું ઉદઘાટન કર્યુ હતું.

આ ભવન ગ્રીન ટેકનોલોજીથી સજ્જ છે અને સૌરઊર્જા, જળ સંરક્ષણ જેવા ઉપાયોનો અહિં વિનિયોગ થયો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સહકારી વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસર છે. છેવાડાના ગરીબ માનવીના કલ્યાણમાં સહકારીઓ સંસ્થાઓનું આગવું પ્રદાન રહ્યું છે, જે સૂરતની ધી સૂરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લિ. સંસ્થાએ સાચા અર્થમાં સાર્થક કર્યું છે.

સહકારનો મતલબ છેવાડાના પીડિત, શોષિત અને ગરીબ માનવીનો ઉત્કર્ષ થાય ત્યારે સરકાર અંત્યોદયની ભાવનાથી સહકારી માળખાને સુદ્રઢ અને સક્ષમ બનાવવાની દિશામાં કાર્યરત છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, ગરીબોના જીવનધોરણને સુધારવા સહકારી બેંકો અને સંસ્થાઓ સક્રિય બને તે જરૂરી છે.

મુખ્યમંત્રીશ્રીએ સહકારી બેન્કોએ કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રે કરેલા ધિરાણ સહાયની પ્રસંશા કરી હતી.

ખેડૂતોના હિતને ધ્યાને લઇ સરકારે ખેડૂતોની રૂ. પાંચ હજાર કરોડની અલગ-અલગ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી છે. આગામી પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાની કરવાની દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતના ખેડૂતને પૂરતા પ્રમાણમાં વિજળી અને પાણી મળે તો દૂનિયાની ભૂખ ભાંગવાની તેનામાં તાકાત છે તેમ જણાવી આ દિશામાં સરકાર નક્કર પગલા લઇ આગળ વધી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

‘પાણી એ પારસમણી છે’ ત્યારે તેનો વેડફાટ ન થાય તે માટે લોકજાગૃતિ લાવવા આગામી મેં માસમાં સમગ્ર રાજ્યમાં પાણી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પાણીના સંગ્રહની કેપેસીટી વધારવા લોક સહકારની ભાવના કેળવાય તે માટે પાણી બચાવવા માટે વ્યાપક  અભિયાન હાથ ધરાનાર છે. આ અભિયાનમાં જોડાવા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની જનતાને આહ્વાન કર્યું હતું.

તેમણે ટપક સિંચાઈ પધ્ધતિ, સૌર ઉર્જા સંચાલિત કૃષિ પદ્ધતિ અપનાવી ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન મેળવવા અનુરોધ કર્યો હતો.

શ્રી રૂપાણીએ વિજળી, પાણીને આધાર બનાવી સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અપીલ પણ કરી હતી.

આ વેળાએ ધી સૂરત ડિસ્ટ્રિકટ બેંકના અદ્યતન ભવનનું નિર્માણ કરી આદિજાતિ વિસ્તારો અને ગામડાંઓ સુધી બેન્કિંગ સુવિધાઓ પહોચાડવા બદલ બેંકના ચેરમેન શ્રી નરેશ પટેલ અને વાઈસ ચેરમેન શ્રી સંદીપ દેસાઈ સહિત બેન્કના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઈ-બેન્કિંગ, નેટ કનેક્ટીવીટીથી સજ્જ મોબાઈલ બેન્કિંગ સુવિધાનું લોન્ચિંગ કર્યું હતું. બેન્કના પ્રાંગણમાં બેન્કના સ્થાપક શ્રી પ્રમોદભાઈ દેસાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

બેંકના ચેરમેન શ્રી નરેશ પટેલે સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું કે, અઠવાગેટ ખાતે રૂા.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત ભવન પર્યાવરણ જાળવણી અને સૌર ઉર્જાનું સુયોગ્ય સંમિશ્રણ છે. સોલાર પેનલ મૂકવામાં આવી હોવાથી ૩૦ ટકા વિજ બચત થશે. સૂરત  તેમજ તાપી જિલ્લાના ગરીબ અને આદિવાસી ખેડૂતોને રાહતદરે લોન પુરી પાડતી ડિસ્ટ્રિકટ બેંકની સ્થાપના ૧૯૦૯માં થઈ હતી. છેલ્લા આઠ વર્ષથી ગુજરાતમાં સૌપ્રથમવાર સંપૂર્ણ કોમ્પ્યુરાઈઝડ સાથેનું બેંકનું પોતાનું ડેટા સેન્ટર કાર્યરત છે. ઉત્તરોત્તર પ્રગતિ કરીને આ સહકારી બેંક ૧૦૯ વર્ષનો સમયગાળો પસાર કરીને આજે ૮,૨૫,૦૦૦ ગ્રાહકો સાથે સહકારી ક્ષેત્રમાં સફળતાના અનેરા સોપાનો સર કર્યા છે.

કાર્યક્રમની શરૂઆતમાં ધી સૂરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક તથા સુમુલ ડેરી પરિવારના પદાધિકારીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું.