Guj CM Shri Vijay Bhai Rupani distributes Tablets students at Token Rate at Ahmedabad

Posted on 11, Aug 2017

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના યુવાધનને વર્લ્ડ કલાસ યુથ બનાવવાનો નિર્ધાર વ્યકત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અમારે યુવાનોને ન્યૂ એઇજ વોટર નહિ, ન્યૂ એઇજ પાવર બનાવવા છે.

આ સંદર્ભમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ર૧મી સદીના જ્ઞાન-વિજ્ઞાનના યુગમાં ગુજરાતની યુવાશકિત વિશ્વની બરોબરી કરી શકે તે માટે શિક્ષણમાં આધુનિક ઉપકરણોના વિનિયોગનો નવતર અભિગમ આ સરકારે અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં રાજ્ય સરકારની યુવા શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ યોજના તહેત કોલેજ-ઇજનેરી પોલિટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર છાત્રોને રૂ. ૧૦૦૦ની ટોકન કિંમતે ટેબ્લેટ વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતીમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ નમો ઇ-ટેબ- ન્યુ એવન્યુઝ ઓફ મોર્ડન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટનું વિદ્યાર્થીઓને વિતરણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોને તેમના હાથમાં વિશ્વના પ્રવાહોની જ્ઞાન-સંપદા આપવાની તક આ સરકારે આ ટેબ્લેટ યોજનાથી સાકાર કરી છે.

ગુજરાતમાં આ વર્ષ માર્ચ-એપ્રિલ-ર૦૧૭માં ધોરણ-૧ર અને ૧૦ની પરિક્ષાઓમાં ઉર્તિણ થઇ કોલેજ-પોલિટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા સાડા ત્રણ લાખ યુવાછાત્રોને માત્ર-૧૦૦૦ રૂપિયાની ટોકન કિંમતે આ ટેબ્લેટ આપવા માટે સરકારે બજેટમાં ર૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, અમે ચૂંટણીઓ આવે એટલે ખોટા વાયદા-વાતો કરનારા લોકો નથી. અમે તો રાજ્યની યુવાશકિતને-ડેમોગ્રાફીક ડીવીડન્ડને અવસર-તક આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડીયાના સપનાને સાકાર કરવા પ્રતિબધ્ધ છીયે.

આ ટેબ્લેટનો શિક્ષણ સુવિધામાં ઉપયોગ કરીને રાજ્યનો યુવાન વિશ્વ વિદ્યાર્થી બનશે અને પુસ્તકો, જર્નલ, નોટબૂક, રેફરન્સ સાહિત્ય બધું તેની હથેળીમાં આ ટેબ્લેટ મૂકી દેશે તેવું ભાર વિનાનું ભણતર અને ન્યૂ ઇન્ડીયા-ડિઝીટલ ઇન્ડીયા બનશે તે નિર્વિવાદ છે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના યુવાનોને રૂ. ૧૦૦૦ની ટોકન કિંમમતે જે ટેબ્લેટ આપી રહ્યા છે તેની ૩૦ કરોડ જેટલી ટોકન એમાઉન્ટ પણ યુવા વિદ્યાર્થીઓના જ હિતમાં સરકાર ઉપયોગ કરશે.

આ રકમમાંથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ વાઇ-ફાઇ કરાશે, ડિઝીટલ કલાસરૂમનું નિર્માણ થશે, ઇ-લાયબ્રેરીની સુવિધાઓ સુદ્રઢ. કરવા તથા ઇ-લેકચર્સના આયોજન કરીને વિદ્યાર્થી વર્ગોને શ્રેષ્ઠત્તમ જ્ઞાન-કૌશલ્ય આપવાની નેમ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યુ કે, આજના વૈશ્વિક સ્પર્ધાના યુગમાં ગુજરાતનો યુવાન બે ડગલાં આગળ ચાલે તેવી નેમ સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ, મરિન, રક્ષાશકિત, ઓર્ગેનિક, લો, પેટ્રોલિયમ જેવી વિશ્વકક્ષાની યુનિવર્સિટીઓ શરૂ કરી છે.

‘‘અમે હવે પ્રધાનમંત્રીશ્રીના સ્કીલ ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયાના આધાર ઉપર રાજ્યના હોનહાર યુવાનોના ઇનોવેટીવ વિચારોને મૂર્તિમંત કરવા સંકલ્પ કર્યો છે. આ ટેબ્લેટ તે દિશામાં એક મહત્વપૂર્ણ કદમ બનશે.’’ તેમ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

તેમણે રાજ્યના યુવાનોને જોબ સિકર નહિ, જોબ ગીવર બનાવવાની પહેલરૂપ ભૂમિકાની પણ છણાવટ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ યુવા વિદ્યાર્થીઓને આહવાન કર્યુ કે, સરકારે વિશ્વનો જ્ઞાન ભંડાર તેમની હથેળીમાં મૂકયો છે ત્યારે યુવાશકિત ગાંધી, સરદાર, નર્મદ અને નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતને દિવ્ય-ભવ્ય બનાવી ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવામાં સંવાહક બને.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સતત આયોજન થતું રહે છે. પરંતુ નવા ગુજરાત, નવી પેઢી ગુજરાતને આગળ લઇ જવાની છે ત્યારે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પૈકી નમો ઇ-ટેબલેટનું આયોજન પણ તેનો એક ભાગ છે.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસનો એક મોટો ભાગ યુવા વર્ગ-વિદ્યાર્થીઓ છે ત્યારે આ યુવા વર્ગને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે ચાલુ વર્ષે બજેટમાં રૂા. ૨૫૦૦૦  કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હબ બનાવવાના સંકલ્પને તેમણે દોહરાવ્યો હતો.

ગુજરાતનાં વિદ્યાર્થીઓ આ ટેબલેટથી દુનિયાના ઉચ્ચ શિક્ષણ અને નવા નવા સંશોધનોથી વાકેફ થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, દેશમાં પરિવર્તન યુવાનો જ લાવી શકશે અને આ અભિયાન સ્કીલ ઇન્ડિયાના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીએ યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે ત્યારે મેઇક-ઇન ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયાના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા યુવાનોને તેમણે આહવાન કર્યું હતું.

શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે, બદલાવ યુવાનો દ્વારા આવતો હોય છે. પહેલાં પેનની જરૂર હતી પરંતુ આજે ટેકનોલોજીના યુગમાં કદમથી કદમ મિલાવવા ટેબલેટ જરૂરી છે. નવી પેઢીને કંઇક નવું કરવાની તમન્ના અને જોશ છે અને તેને સાકાર કરવા માટે આ ટેબલેટ ઉપયોગી બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘે પ્રાસંગિક વકતવ્યમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી આવ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ ક્ષેત્રે સ્ટાર્ટ અપ ઇનોવેશન સાથે ઉચ્ચ શિક્ષણ માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે.

વિદ્યાર્થીઓને આપવામાં આવતા ઇ-ટેબલેટ કોમ્પ્યુટર અને ટેબલેટ ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી કંપની પાાસેથી ખરીદવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી બની રહેશે. શરૂઆતના તબક્કે ગુજરાતના ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓને આ ટેબલેટનો લાભ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ટેકનીકલ અને ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ શ્રી અંજુ શર્માએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,  ૩ માસના ટૂંકાગાળામાં આ યોજના અમલી બનાવી છે.

આ પ્રસંગે આભારવિધિ ટેકનીકલ શિક્ષણ નિયામક શ્રી કે.કે. નિરાલાએ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ર્ડા. હિમાંશુ પંડ્યાએ મુખ્યમંત્રીશ્રી રાહત નિધિમાં રૂા. ૧૦ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

આ અવસરે નમો ઇ-ટેબલેટના ફીચર્સ સમજાવતી ટૂંકી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.                   ઇ-ટેબલેટના બ્રોશરનું વિમોચન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.

નમો ઇ-ટેબલેટ વિતરણ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લભભાઇ કાકડિયા, ટેકનીકલ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર,  સંસદીય સચિવ શ્રી વિભાવરીબેન દવે, ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી કે.વી. ઉપાધ્યાય, અમદાવાદ કલેક્ટર શ્રીમતી અવંતિકાસિંઘ, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, આચાર્યશ્રીઓ, ઇ-ટેબલેટ મેળવનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.