Guj CM Shri Vijaybhai Rupani attended 7th Convocation of Gujarat Technological University at Ahmedabad

Posted on 12, Jan 2018

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ યુવા છાત્રોને શિક્ષા પદવી સાથે દીક્ષા-સંસ્કારનો સમન્વય સાધીને સમાજ તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રદાન કરવા પ્રેરણા આપી હતી.

તેમણે GTUનો પદવીદાન સમારોહ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ એ જ યોજાયો છે, તેને ઉપયુક્ત ગણાવતાં યુવાનોને નયા ભારતના નિર્માણ માટે કમર કસવાના અવસર તરીકે ઉપાડી લેવા આહવાન કર્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે હવેના સમયમાં માત્ર શિક્ષા જ પર્યાપ્ત નથી. સમાજ દાયિત્વ ભાવનાના સંસ્કાર અને રાષ્ટ્ર-સમાજને ઉપયોગી થવાની ખેવના પ્રત્યેક યુવામાં હોવી જોઇએ. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં પ્રેરક પંક્તિઓ ટાંકતા ઉમેર્યું કે, “નિર્માણ કે પાવન યુગ મેં, હમ ચારિત્ર્ય નિર્માણ ન ભૂલે…”

તેમણે ગરીબી, બેરોજગારી સહિતની સમાજ સમસ્યાઓના સમાધાન માટે યુવાછાત્રોને સાયન્સ-ટેક્નોલોજીનો મહત્તમ વિનિયોગ કરવાની પણ શીખ આપી હતી.

શ્રી વિજયભાઈ રૂપાણીએ યુવા વિદ્યાર્થીઓને મેઇક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવા નવતર અભિયાનોથી પ્રધાનમંત્રીશ્રી ભારતમાતાને જગદગુરુ બનાવવા પ્રતિબદ્ધ છે તેના પાયામાં યુવાશક્તિ જ રહેલી છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

તેમણે નવા ઇનોવેશન્સ નવા આઇડિયાઝથી આ યુવા વિદ્યાર્થીઓ તેમણે ઉર્જિત કરેલી જ્ઞાન સંપદાથી સિદ્ધિની નવી છલાંગ લગાવવાની મળેલી તકથી મા ભારતીનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.

આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશનના વાઇસ ચેરમેન ડો. એમ. પી. પૂનિયાએ GTUના છાત્ર માત્ર GTUના વિદ્યાર્થી જ નહિં, ગાંધીના ગુજરાતના યુવાનો છે તેમ ગૌરવસહ જણાવ્યું હતું.

તેમણે પ્રાધ્યાપકો-અધ્યાપકોને પણ ઓનેસ્ટી-ડેડિકેશન-પેશનથી સેવારત રહી ભારતના ઉત્તમ ભવિષ્યના ઘડવૈયા બનવા અનુરોધ કર્યો હતો.

ડો. પૂનિયાએ વિદ્યાર્થીઓને હવે સમાજમાં પદાર્પણ કરીને વ્યવસાય-અભ્યાસ-શિક્ષણના ત્રિવિધ સંગમથી ટીમવર્ક દ્વારા ભારતમાતાની સેવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

GTUના વાઇસ ચાન્સેલર પ્રો. ડો. નવિન શેઠે યુનિવર્સિટીની વાર્ષિક ગતિવિધિઓનું વિવરણ એન્યુઅલ રિપોર્ટ દ્વારા કર્યું હતું. પ્રારંભમાં રજિસ્ટ્રારશ્રી ડો. પંચાલે સૌનું સ્વાગત કર્યું હતું.

આ અવસરે ડિગ્રી મેળવનારા યુવા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, પરિવારજનો, શિક્ષણવિદો, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તેમજ આમંત્રિતો અને ઉચ્ચ શિક્ષણ અગ્રસચિવ શ્રીમતી અંજુ શર્મા, ઉચ્ચ શિક્ષણ કમિશનર કે. બી. ઉપાધ્યાય વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.