Gujarat CM launches ‘Top FM’ radio channel of Sambhav Media in Ahmedabad

Posted on 05, Aug 2018

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રેડિયો એ આજના જમાનામાં ન માત્ર મનોરંજનનું સાધન રહ્યો છે પરંતુ લોકજીવનને ધબકતું રાખવા માટે ઉપયોગી બને.

સમભાવ મીડિયા જૂથના નવા પ્રકલ્પ ‘ટોપ એફ.એમ.’ રેડિયોનું મુખ્ય મંત્રીશ્રીએ આજે લોન્ચીંગ કરાવતાં જણાવ્યું કે, રેડિયો ૧૨૫ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. આ માધ્યમ મનોરંજન સાથે સમાચાર આપવાની ભૂમિકા પણ બજાવે તે આજની નીતાંત આવશ્યકતા છે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રેડિયો સાથે વિશ્વનાં ૯૫ ટકા લોકો સંકળાયેલા છે તેથી રેડિયોનો પહેલેથી દબદબો રહ્યો છે.

તેમણે જણાવ્યું કે, સને ૧૯૩૯માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં રેડિયો સ્ટેશનનો પ્રારંભ કરાવ્યો હતો. સને ૧૯૪૧માં સુભાષચંદ્ર બોઝે ‘રેડિયો જર્મની’ પર ‘તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા’ નો લલકાર કર્યો હતો. તે જ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રેડિયો જનસમાજમાં વધુ પોપ્યુલર કરવાનું કાર્ય કર્યું છે.

તેમણે રેડિયો વિશે નૂકતેચીની કરતાં જણાવ્યું કે, ટીવી આવવાથી રેડિયોનું ચલણ ઓછું થઇ જશે પરંતુ આજે આર.જે. દ્વારા નવા-નવા વિચારો સાથે મનોરંજન સાથે માહિતી પીરસાવાથી રેડિયોનું માધ્યમ વધુ લોકભોગ્ય બન્યું છે.

મુખ્ય મંત્રીશ્રીએ રેડિયો સીોન, અમીન સાયાની, ગીતમાલાની જૂની યાદો વાગોળી સમભાવ મીડિયા દ્વારા કરાયેલ ‘ટોપ એફ.એમ.’ના સૂત્ર ‘જબ સૂનો – ટોપ સૂનો’ ની માફક સફળ થઇ શ્રેષ્ઠતા હાંસલ કરે તે માટેની શુભેચ્છા પાઠવી હતી. 

મુખ્ય મંત્રીશ્રીએ આ અવસરે રેડિયો જોકી સાથે મિશન વિદ્યા, પ્રિય ગીત, જન્મદિવસની ઉજવણી વગેરે અંગેના પ્રશ્નોનાં વ્યક્તિગત કક્ષાએ પોતાની અનુભૂતિ વહેંચી હતી.

સમભાવ મીડિયા ગૃપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિરણ વડોદરિયાએ જણાવ્યું કે, અમારી પાસે દર્શકો, વાંચકો અને શ્રોતાઓ રૂપે ૩૬૦ ડિગ્રી મીડિયા બનશે.

ટોપ એફએમ.થી ગુજરાતના ૨૦ ટકા વિસ્તારને ગુજરાતના ૨૦ ટકા વિસ્તારને કવર કરવામાં આવશે. ગુજરાતમાં ૮ અને જમ્મુ કાશ્મીરમાં ૮ રેડિયો સ્ટેશન મળી કુલ – ૧૩ રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવશે.

સમભાવ મીડિયાના વિકાસની રૂપરેખા દર્શાવતી દ્દશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ આ અવસરે રજૂ કરવામાં આવી હતી.

નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ભાજપા અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા, ધારાસભ્યશ્રીઓ તથા મીડિયા જગતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.