Hon. PM Shri Narendra Bhai Modi dedicates various development work at Bharuch

Posted on 08, Oct 2017

ભરૂચ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે વિશાળ સમિયાણમાં જનસેલાબની વચ્‍ચે વડાપ્રધાનશ્રીએ મા નર્મદાને વંદન કરી, મા નર્મદા વગર ગુજરાતની કલ્‍પના નહી કરી શકીએ, નર્મદા ગુજરાતનું જીવન છે, ચેતના છે, ગુજરાતના જનજનમાં આત્‍મવિશ્વાસ જગાડયો છે. ગુજરાતના પુરુષાર્થના કારણે સરદાર ડેમ પુર્ણ થયો છે. લાખો કિસાનોની જમીન નર્મદા મૈયાના નીર થકી નવપલ્લવિત થશે અને ગુજરાત વિકાસનો પર્યાય બનશે તેવું દ્‌ઢવિશ્વાસ સાથે જણાવ્‍યું હતું.

ભાડભુત બેરેજ યોજના ભરૂચ જિલ્લા માટે ઐતિહાસિક નિર્ણય બદલ રાજય સરકારને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અભિનંદન પાઠવ્‍યા હતા. વડાપ્રધાનશ્રીએ જણાવ્‍યું હતું કે, નર્મદા તટના ખેડૂતોની બરબાદ થતી જમીનને પુર્નજીવિત કરવી છે. નદી-સમુદ્ર તટના મિલન સ્‍થળે એક ચેનલ બનાવીને વૈજ્ઞાનિક ઢબે અદભુત કાર્ય થઇ રહયું છે. હિન્‍દુસ્‍તાનના બીજા રાજયોને આ યોજનાથી અભ્‍યાસનો લાભ મળશે. દક્ષિણ ગુજરાતના હજીરા અને દહેજ બંદરને જોડશે. જેના કારણે ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોન દ્વારા વિકાસના નવા ઘ્‍વાર ખુલશે. નર્મદાના તટ વિસ્‍તારના ગામોમાં પાણીના તળ ઊંચા આવશે, પર્યાવરણનું પણ જતન થશે. આ પવિત્ર કાર્ય છે. ગુજરાતની વિકાસયાત્રામાં ગતિ આપવા સહભાગી રાજય સરકાર અને જનતાને તેમણે અભિનંદન આપ્‍યા હતા

વડાપ્રધાનીશ્રીએ માછીમારો માટે ભારત સરકારે બનાવેલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમુદ્રમાં વિપુલ માત્રામાં માછલીઓનો ભંડાર પડેલો છે. રૂા.એક થી બે કરોડની બોટ ખરીદવા ઓછા વ્‍યાજે લોન આપશે, જેના થકી રોજગારી ઉપાર્જનમાં વધારો થશે એમ વડાપ્રધાને જણાવ્‍યું હતું.

જીએનએફસીના નીમ કોટિન યુરિયા પ્રોજેકટ પ્‍લાન્‍ટ, ઓર્ગેનિક પેસ્‍ટીસાઇડ, નીમ ઓઇલ અને નવા ડાઇ કેલ્‍શીયમ ફોસ્‍ટેડ પ્‍લાન્‍ટનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કિસાનો માટે ઉપકારક બનશે, એમ જણાવી વડાપ્રધાને ઉમેર્યું હતું કે, કિસાનોની કઠિનાઇઓને સરકારે સમજીને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. યુરિયામાં ભારત સરકાર હજ્‍જારો-કરોડો રૂપિયાની સબસીડી આપે છે. હવે ખેડૂતોને ચીઠ્ઠી નથી લખવી પડતી કે, લાઠીચાર્જ સહન કરવો પડતો નથી. હજજારો ખેડૂતો સુધી યુરિયા પહોંચતું ન હતું. કેમિકલ્‍સ ફેકટરીઓમાં જતું હતું. દેશનો ખજાનો લુંટાતો હતો. યુરિયાના નીમ કોટિંગ થકી કેમિકલ્‍સ ફેકટરીઓમાં જવાનું બંધ થયું.  નીમ કોટિંગના કારણે લીમડાના ઝાડની મહત્તા વધી છે. નીમ કોટિંગના કારણે ભરૂચ વિસ્‍તારની મહિલાઓ રૂા.૪૦ કરોડની આવક મેળવે છે.

જીએનએફસીનો પશુ આહારનો પ્‍લાન્‍ટ પશુઓના વિકાસ માટે આધારશીલા બનશે તેવું વડાપ્રધાનશ્રીએ જણાવ્‍યું હતું. હિન્‍દુસ્‍તાનમાં ગુજરાત એવું રાજય છે, જે પશુપાલન ક્ષેત્રે આગવું પ્રતિનિધિત્‍વ કરે છે, જેને નવું બળ મળશે અને ગુજરાતના ખેડૂતોની આમદની વધતા આજીવિકામાં બદલાવનો અવસર મળશે તેમ, વડાપ્રધાનશ્રીએ જણાવ્‍યું હતું.

પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય શતાબ્‍દિ વર્ષ ઉજવણીનો મહત્‍વના નિર્ણયનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું કે, રેલ વિભાગે અંત્‍યોદય એક્ષ્પેસ રેલ સેવાઓ શરૂ કરી છે. ઉધના- જયનગર (બિહાર) અનરીઝર્વ ટ્રેન  મજદુરી માટે આવતા ગરીબ પરિવારો માટે તહેવારોના સમયમાં સીધા માદરે વતન પહોંચાડશે. લોકોની મુશ્‍કેલીઓ નિવારવા  લાંબા અંતરની રેલ સેવા શરૂ કરવામાં આવી છે. પ્રથમ અંત્‍યોદય ટ્રેન મુંબઇ-ગોરખપુર શરૂ  કરવામાં આવી હતી. વડોદરા-બનારસ (મહામાર એકસપ્રેસ) ઉતર ભારતના લોકોની રેલ સુવિધામાં વધારો થયો છે. આ વિસ્‍તારના લોકો પણ કાશી-ગંગાના દર્શન કરી શકશે.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભરૂચ ખાતે જણાવ્‍યું હતું કે, વિકાસ – ગુજરાત અને મોદી એ હવે એકબીજાના પર્યાયી બની ગયા છે. વિકાસ એ આપણું લક્ષ્ય છે અને નરેન્‍દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિનો નવો અધ્‍યાય રચ્‍યો છે.