Guj CM attends CNBC Bajar’s program of felicitating leaders who contributed greatly in various fields

Posted on 24, Nov 2018

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના સર્વાંગી વિકાસમાં ઇન્ફાસ્ટ્રક્ચરનું યોગદાન બહુ મોટું છે. એ અર્થમાં વિકાસના પાયામાં માળખાકીય સુવિધાઓ પણ એટલી જ જરૂરી છે. ગુજરાતમાં દેશનું શ્રેષ્ઠ ઇન્ફાસ્ટ્રક્ચર છે.

મુખ્ય મંત્રીએ આજે અમદાવાદ ખાતે સી.એન.બી.સી. બજાર દ્વારા વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારા શ્રેષ્ઠીઓને એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૩થી વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું છે તેના પગલે ગુજરાત બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે.

મુખ્ય મંત્રીશ્રીએ ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની મહત્તા વર્ણવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સમતોલ વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતે માત્ર રોડ, રસ્તા, નગર વિકાસ જ નહીં પરંતુ તમામ ક્ષેત્રોમાં ઇન્ફાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્ષ ૧૯૯૫માં ૩૫ લાખ હેક્ટર વિસ્તાર સિચિંત  હતો, જે વધીને ૭૨ લાખ હેક્ટર થયો છે. તે જ રીતે વર્ષ ૧૯૯૫માં માત્ર ૨૬ ટકા ઘરોમાં નળ કનેકશન હતા, આજે ૭૮ ટકા ઘરોમાં નળ કનેકશન આપી ઘરે- ઘરે પાણી પહોંચાડ્યું છે. આજે રાજ્યમાં દરેક ઘરને ૨૪ કલાક વીજળી મળે છે. સાથે- સાથે રાજ્યમાં અનેક ફ્લાય ઓવર, એલીવેટેડ કોરિડોરનું નિર્માણ ચાલી રહ્યું છે. આમ, તમામ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ વધારાઇ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરીકરણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે આજે રાજ્યની ૪૫ ટકા વસતી શહેરોમાં વસે છે, ત્યારે શહેરીકરણ અને પર્યાવરણના સંભવિત પડકારોને નજર સમક્ષ રાખી રાજ્ય સરકારે સર્વગ્રાહી પગલા લીધા છે. રાજ્ય સરકારે આત્મા ગામડાનો અને સુવિધા શહેરોની એ પ્રમાણે સમન્વય સાધીને વિકાસ સાધ્યો છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ બુલેટ ટ્રેન-દિ્લહી મુંબઈ ઈન્ડ્સ્ટ્રીયલ કોરીડોર અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.

શહેરોમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માસ ટ્રાન્સપોર્ટેશનને પણ પ્રાધાન્ય આપ્યું છે. સાથે હવાઇ-દરિયાઇ ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રે પણ સુનિશ્ચિત કામગીરી કરાઇ છે. આગામી સમયમાં ધોલેરા એરપોર્ટથી કાર્ગોનું હેન્ડલીંગ કરાશે, જે હાલમાં મુંદ્રા-કંડલાથી દરિયાઇ કાર્ગોનું વહન કરવામાં આવી રહ્યું છે.

સી.એન.બી.સી. બજારના એવોર્ડ સમારંભનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે આર્થિક માપદંડો દ્વારા વિકાસની સ્પર્ધા થાય છે, ત્યારે  ગુજરાતે વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદના સાંસદ અને એવોર્ડ વિજેતા શ્રી પરેશ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતે મને ઘણું આપ્યું છે. મારી કારકિર્દી ઘડતરમાં ગુજરાતી થિયેટરનો મહ્ત્વનો ફાળો રહ્યો છે. હિન્દી ફિલ્મ ક્ષેત્રે યોગદાન બદલ સી.એન.બી.સી. દ્વારા અપાયેલા એવોર્ડ બદલ તેમણે ઋણ સ્વીકાર કર્યો.

સી.એન.બી.સી.ના મેનેજીંગ એડીટર શ્રી આલોક જોષીએ જણાવ્યું હતું કે, સી.એન.બી.સી. બજાર એ ગુજરાતની અગ્રીમ બિઝનેશ ચેનલ છે. સી.એન.બી.સી. બજારે ‘બિઝનેશની માતૃભાષા’ની ટેગલાઇન સાથે કાર્યરત છે. ગુજરાતી બિઝનેશ ચેનલે ગુજરાતના માર્કેટમાં નંબર વન છે. ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઓનું સન્માનની પરંપરા ઉભી કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોન્ટ્રીબ્યુશન ઇન રીયલ એસ્ટેટ ક્ષેત્રે સેવી ઇન્ફાસ્ટ્રક્ચરના શ્રી જક્ષય શાહ, બિઝનેશ લીડર ઓફ ધ યર વીનીકોસ્મેટીક્સના શ્રી દર્શન પટેલ, કોન્ટ્રીબ્યુશન ટુ બી.એસ.ઇ. સેગ્મેન્ટ ક્ષેત્રે ટ્રેડબુલ્સ ગૃપના શ્રી દિનેશ ઠક્કર, બિઝનેશ ઓલ રાઉન્ડર ધ યર ક્ષેત્રે રાજહંસ ગૃપના શ્રી જયેશ દેસાઇ, કોન્ટ્રીબ્યુશન ટુ એજ્યુકેશન માટે નિર્માણ યુનિવર્સિટીના શ્રી કરસનભાઇ પટેલ, બિગ બ્રાન્ડ ફ્રોમ સ્મોલ ટાઉન ક્ષેત્રે શ્રેષ્ઠ બ્રધર્સના શ્રી મોહિત શેઠ, સોશ્યલ ચેઇન્જ એજન્ટ ઓફ ધ યરમાં શ્રી શતાયુ, ન્યુ લોન્ચ ઓફ ધ યરમાં શ્રી રેસીક્વીક, કોન્ટ્રીબ્યુશન ઇન ગુજરાતી એન્ટરટેન્ટમેન્ટ ક્ષેત્રે કલાકાર શ્રી સિદ્ધાર્થ રાંદેરીયા, કોન્ટ્રીબ્યુશન ઇન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકાર શ્રી પરેશ રાવલને,  કોન્ટ્રીબ્યુશન હેલ્થ કેર ક્ષેત્રે ડૉ. તેજશ પટેલ, કોન્ટ્રીબ્યુશન વેલફેર ક્ષેત્રે વાસ્મોના ડૉ. જે. પી. ગુપ્તા, નોટફોર પ્રોફીટ ઓર્ગેનાઇઝેશન અમુલના આર.એસ.સોઢી તથા રાઇઝીંગ હેલ્થકેર એન્ટરપ્રિન્યોર ક્ષેત્રે બાયોકિન્ડલ લાઇફ સાયન્સના
શ્રી આશિષ દેસાઇને એવોર્ડ જાહેર કર્યા હતા.

Source: Information Department, Gujarat