Guj CM Inaugurated 21st ISTE National Annual Students Convention at LD Engg. Collage Ahmedabad

Posted on 29, Jan 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ યુવાશકિતના ટેકનીકલ ઇનોવેશન્સને સ્ટાર્ટઅપથી નવું બળ આપી ર૦ર૦ સુધીમાં રાજ્યમાં ર૦૦૦થી વધુ નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી તૈયાર કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોના ટેકનીકલ જ્ઞાન, વિચાર, ક્ષમતા અને રિસર્ચને નવી દિશા આપવા સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ ઇનોવેશન ચેલેન્જીસના નવા અભિગમો અપનાવ્યા છે.

ગુજરાતે આ અભિગમને આગળ ધપાવતાં રાજ્યમાં રૂ. ર૦૦ કરોડની જોગવાઇ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડીને યુવાનોના સપના સાકાર કરવાની દિશા આપી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા યોજીત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કન્વેન્શનમાં દેશભરના રાજ્યોના ૧૦ હજારથી વધુ યુવા છાત્રો ૭૦ થી વધુ વિવિધ સ્પર્ધાઓમાં પોતાના ટેકનીકલ-વૈજ્ઞાનિક જ્ઞાન કૌશલ્યની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવાના છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘એમ્પાવરીંગ ઇન્ડીયા થ્રુ ઇનોવેશન્સ’ની થીમ સાથે યોજાઇ રહેલું આ કન્વેન્શન યુવા પેઢીના નવા ઇનોવેશન્સ -રિસર્ચથી ‘શેપિંગ એ ન્યુ ઇન્ડીયા’ની સંકલ્પના સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

તેમણે આ હોનહાર યુવાશકિતને ભવિષ્યના ભારતના નિર્માતાઓ તરીકે નવાજતાં કહ્યું કે વડાપ્રધાનશ્રીએ યુવાનોને સ્કીલ + વીલ + ઝિલ = વિન નો મંત્ર આપીને યુવાનો માટે આધુનિક જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતીજો ખોલી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઇઝરાયેલના સહયોગથી સ્ટાર્ટઅપને વેગ આપવા સાથે  નોલેજ બેઇઝડ ઇકોસિસ્ટમના વિકાસ માટે સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ-ડેવલપમેન્ટને વેગ આપવા ઇનોવેશન ફંડ અંતર્ગત રૂ. પ૦ કરોડનું ફંડ રચવાના નિર્ણયની છણાવટ કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, ઇઝરાયેલ વ્યકિત દીઠ સ્ટાર્ટઅપ રેવન્યુમાં આખા વિશ્વમાં ટોપ પર છે ત્યારે ગુજરાતમાં ઇઝરાયેલના સહયોગથી આઇ-ક્રિયેટ અને સ્ટાર્ટઅપ ઇનોવેસન્શ  માટે આ સરકાર યુવાનોના કૌશલ્યને નિખારવા પ્રતિબધ્ધ છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરની વાયબ્રન્ટ સમિટમાં પણ MSME અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે સેમિનાર અને કન્વેન્શન્સ યોજીને મેન્યુફેકચરીંગ હબ-ઓટોહબ ગુજરાતને યુવાનોના નવા રિસર્ચ-ઇનોવેશન્સથી હરેક ક્ષેત્રે અગ્રેસર બનાવવા આગળ વધ્યા છીયે તેની પણ ભુમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સેકટરમાં જે પોટેન્શયલ છે તે સંદર્ભમાં રાજ્યની યુવાશકિતના આ ક્ષેત્રોમાં રિસર્ચ –ઇનોવેશન્સને વેગ આપવા સરકાર પ્રતિબધ્ધ છે એમ પણ ઉમેર્યુ હતું.

તેમણે ગુજરાતના ૩ યુવા ઇજનેરોના પ્રોજેકટ આર્મી ટેકનોલોજી સેમિનારમાં પસંદ પામ્યા છે તેને ગૌરવપૂર્ણ ગણાવ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં ઇજનેરી કોલેજો, IIT, સેપ્ટ, બાયોટેક યુનિવર્સિટી, મરિન યુનિવર્સિટી, રેલ્વે યુનિવર્સિટીના આયામો દ્વારા ગુજરાતની યુવાશકિત રાષ્ટ્રનિર્માણમાં પણ યોગદાન આપે તેવી સજ્જ બનાવવી છે.

તેમણે આ તકે યુવાશકિતને આહવાન કર્યુ કે, નવા વિચારો, નવા સંશોધનો ઇનોવેશન્સ   મૂર્તિમંત કરવા યુવાનો આગળ આવે આ સરકાર તેમને પૂરતું પ્રોત્સાહન અને સહયોગ આપશે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે એલ. ડી. કોલેજના પ્રાંગણમાં વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કરેલા વિવિધ શોધ-સંશોધનો રસપૂર્વક નિહાળી વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરી હતી.

ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન, ન્યુ દિલ્હીના ચેરમેન પ્રો. પ્રતાપસિંહ દેસાઇએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી ૯ હજારથી વધુ રજીસ્ટ્રેશન થાય છે તે પ્રશંસનીય છે.

ISTEએ રાષ્ટ્રીય ક્ષેત્રે ટેકનોલોજીકલ એજ્યુકેશન સાથે સંકળાયેલી સ્વાયત સંસ્થા છે. સમગ્ર દેશમાંથી ૪૭૭૦ જેટલી એન્જીનીયરીંગ કોલેજો સંસ્થાઓ તેની સભ્ય છે અને પ્રતિવર્ષ લાખો યુવાનોનું એનરોલમેન્ટ થાય છે.

સંસ્થાએ ટેકનોલોજીકલ ઇનોવેશન્સને પ્રાધાન્ય આપ્યું છે. કલાસમાં શીખીને વિશ્વ સમાન પર્ફોમ કરવાનો આ સમય છે. નવા વિચારોને મૂર્તિમંત કરવા વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પડાય છે. વિચારો, સંશોધન, જ્ઞાન અને સર્જનાત્મકતાનો સમન્વય કરવા તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત ટેકનોલોજીકલ  યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નવીન શેઠે જણાવ્યું હતું કે, ગુજરાત એ સમગ્ર દેશ માટેનું ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. વર્ષ ર૦૧૯ પહેલા ઇનોવેશન્સ માટે મહત્વ ન હતું આપતું પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ઇનોવેશન્સ’ને આગવું મહત્વ આપ્યું છે. તેના પગલે દેશની મહત્તમ સંસ્થાઓ-ક્ષેત્રોમાં ‘ઇનોવેશન્સ’ને મહત્વ અપાય છે. જી.ટી.યુ. દ્વારા ૧૩ર જેટલા સ્ટાર્ટઅપ્સને સપોર્ટ અપાયું છે. ‘સખત મહેનત કરવા તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગના આચાર્ય શ્રી ડૉ. જી.પી. વડોદરીયાએ જણાવ્યું હતું કે, ‘એમ્પાવરીંગ ઇન્ડિયા થ્રુ ઇનોવેશન’ની થીમ સાથે આ બે દિવસીય સેમિનાર યોજાયો છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ વગેરે રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે. એટલું જ નહી તેમના ઇનોવેશન્સ રજૂ કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓના ટેકનોલોજીકલ ઇનોવેશન્સને સમયની માંગ ગણાવ્યા હતા.

આ પ્રસંગે ટેકનીકલ એજ્યુકેશનના કમિશનર શ્રીમતી અવંતિકા સિંઘ, ISTE ગુજરાતના ચેરમેન પ્રો. કલ્પેશ ભાવસાર, પ્રોફેસરો વિશાળ સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat