Guj CM inaugurated 7th edition of iPHEX, International Pharmaceutical & Healthcare Exhibition 2019

Posted on 10, Jun 2019

Sorry, this entry is only available in English. For the sake of viewer convenience, the content is shown below in the alternative language. You may click the link to switch the active language.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દવા ઉત્પાદકોને આવનારા બે દાયકાના ભાવિને ધ્યાને રાખી લોકોને વાજબી ભાવે દવા અને આરોગ્ય રક્ષા પ્રદાન કરવા આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી નવી થતી જતી બિમારી-રોગ સામેના રક્ષણાત્મક ઉપચાર ઉપાય તરીકે સસ્તી અને સચોટ દવા પૂરી પાડવાનું જનસેવા દાયિત્વ દવા ઊદ્યોગે નિભાવવાનું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ એન્ડ હેલ્થકેર એકઝીબિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એકઝીબિશનમાં ૧ર૦ દેશો, ૩૭૦ એકઝીબિટર્સ અને ૭૦૦થી વધુ દેશ-વિદેશના વ્યવસાયકારો ભાગ લેવાના છે.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સહયોગથી ફાર્માસ્યુટીકલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા તા. ૧૦ થી ૧ર જૂન-ર૦૧૬ દરમ્યાન આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ફાર્માસ્યુટીકલ – દવા ઊદ્યોગ ક્ષેત્રને માત્ર વ્યવસાય તરીકે ન જોતાં જનસેવા માટે ઇશ્વરે આપેલી તક તરીકે લેવાનો સૌને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, સામાન્ય માનવીને ગંભીર કે અન્ય બિમારીઓમાં સસ્તા દરે સરળતાથી દવાઓ મળી રહે તે આપણો સંકલ્પ હોવો જોઇએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી જનઔષધિ યોજનામાં ગરીબ માનવીને પણ સસ્તી અને શ્રેષ્ઠ દવા મળે તેવી જે નેમ રાખી છે તેમાં દવા ઊદ્યોગકારો નિષ્ઠાથી સહભાગી બને તેવું પ્રેરક આહવાન તેમણે કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વિશ્વમાં ગુણવત્તા-શ્રેષ્ઠતાના માનદંડો પર ગુજરાતનો ફાર્માસ્યુટીકલ ઊદ્યોગ ખરો ઉતર્યો છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્યનો દવા ઉત્પાદન- હિસ્સો દેશના  ઉત્પાદનના ૩૦ ટકા છે તે વધારીને ૪પ ટકાએ પહોચાડવાનું સરકારનું આયોજન છે.

તેમણે ગુજરાતમાં કેન્દ્ર સરકારના સહયોગથી મેડીકલ ડીવાઇસીસ પાર્ક શરૂ કરવાની દિશામાં પણ સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં NIPER, PERD સેન્ટર જેવી સંસ્થાઓ ફાર્મા કંપનીઓએ કુશળ મેનપાવર પ્રદાન કરી રહી છે તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ દવા ઊદ્યોગ સહિતના ઊદ્યોગ-વેપારના સર્વગ્રાહી ક્ષેત્રે ગુજરાતે વિકાસની દશેદિશાએ હરણફાળ ભરી છે. તેનો નિર્દેશ આપતાં એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ ગુજરાતનો જે વિકાસ રાહ કંડાર્યો છે. તેને આપણે આગળ ધપાવી રહ્યા છીયે. હવે દેશમાં લોકોની આશા-અપેક્ષા અને વિશ્વાસ નવી સરકારમાં શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વૈશ્વિક વિકાસના રહ્યા છે તેને પાર પાડવામાં ગુજરાત પણ અગ્રેસર રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે ૧૦ હજાર કરોડના MOU કરવામાં આવ્યા છે અને તેના પરિણામે વ્યાપક રોજગાર અવસર મળશે. તેમ ઉમેર્યુ હતું.

તેમણે આ પ્રદર્શનીને સફળતાની શુભેચ્છાઓ પાઠવતાં દેશ-વિદેશના એકઝીબિટર્સનું ગુજરાતની ધરતી પર સ્વાગત કર્યુ હતું.

આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પી. કે. પરમારે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, બે દશકાથી દેશમાં થતી દવાઓના કુલ ઉત્પાદનનું ત્રીજા ભાગથી વધુનું ઉત્પાદન ગુજરાત કરે છે. રાજ્યમાં ૩પ૦૦થી વધુ દવાઓ ઉત્પાદન એકમો છે અને ૬૦૦ ઉપરાંત તો WHO માન્યતા પ્રાપ્ત છે.

ગુજરાતે દેશમાં પ્રથમ ૧૯૦૭માં એલેમ્બીક ફાર્મા સ્થાપીને દવા ઊદ્યોગના ભારતમાં શ્રીગણેશ કર્યા હતા તેમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું. રાજ્યનો દવાઓની નિકાસનો ગ્રોથ ગયા વર્ષે ડબલ ડિઝીટ ૧૧ ટકાને પાર કરી ગયો છે તેમજ ફાર્મા સેકટર અંદાજે ૧ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ફાર્મેકસીસના ડાયરેકટર જનરલ રાજીવ ઉદય ભાસ્કરે આ પ્રદર્શનીનો હેતુ અને આયોજનની ભૂમિકા આપી સૌને આવકાર્યા હતા. ગુજરાતમાં આ પ્રદર્શની યોજીને ફાર્માસ્યુટીકલ સેકટરને એક નવી દિશા મળી છે એનો આનંદ તેમણે દર્શાવ્યો હતો.

આઇફેકસ-ર૦૧૯ના ચેરમેન શ્રી વિજયભાઇ શાહે સૌનો આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પ્રદર્શનીમાં વિવિધ ફાર્મા પ્રોડકટસના સ્ટોલ્સની પણ મૂલાકાત લીધી હતી.

Source: Information Department, Gujarat