Guj CM Shri Vijaybhai Rupani attended Paryusan Mahaparva 2019 prog. at Mumbai

Posted on 31, Aug 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું શ્રીમદ રાજચન્દ્ર મિશન ધરમપુર દ્વારા પર્યુષણ મહાપર્વ અવસરે મુંબઇમાં શાસનરત્ન એવોર્ડથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રીમદ રાજચન્દ્ર મિશન ધરમપુરના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી રાકેશભાઇએ મુખ્યમંત્રીશ્રીને આ શાસનરત્ન એવોર્ડ અર્પણ કર્યો હતો.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયેલ તથા શ્રીમતી અંજલિબહેન રૂપાણી સહિત હજારો મુમુક્ષુઓ મુંબઇમાં વરલી ખાતે આયોજિત આ સમારોહમાં ઉપસ્થિત હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રીમદ રાજચન્દ્ર મિશન દ્વારા ધરમપુરમાં નિર્માણ થયેલા એનિમલ નર્સીગ હોમનું વર્ચ્યુઅલ લોકાર્પણ આ વેળાએ કર્યુ હતું.

તેમણે ગુરૂદેવ શ્રી રાકેશભાઇના પુસ્તક ‘ભગવાન મહાવીરના મંગલમય સિધ્ધાંતો’ના હિન્દી-ગુજરાતી-અંગ્રેજી સંસ્કરણ અને સી.ડી.ના વિમોચન પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ શાસનરત્ન એવોર્ડ નમ્ર ભાવે સ્વીકારતાં કહ્યું કે, ‘‘અહિંસા પરમોધર્મ’’ની ભાવના સાથે રામરાજયનું નિમાર્ણ થઇ રહયું છે, ત્‍યારે શ્રધ્‍ધા સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. શ્રીમદ રાજચંદ્ર પુ. મહાત્‍મા ગાંધીજીના આધ્‍યાત્‍મિક ગુરૂ હતા. અહિંસાની કલ્‍પના શ્રીમદ રાજચંદ્રના બોધમાં રહેલી છે. મહાત્‍મા ગાંધીજીએ અહિંસાના સિધ્‍ધાંતને જીવનમંત્ર બનાવ્‍યો હતો તેના મૂળમાં શ્રીમદ રાજચન્દ્રજીનો પ્રભાવ રહેલો છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, સુક્ષ્મ જીવો માટે કરૂણાએ આપણા સંસ્‍કાર અને સ્‍વભાવ છે.  ભગવાન મહાવીરે પ્રબોધેલા ‘‘અહિંસા પરમોધર્મ’’ના સિધ્‍ધાંતને દુનિયાએ સ્‍વીકાર કરેલો છે. અહિંસા, તપ, સંયમ અને અનેકાંતના સિધ્‍ધાંતનો વિશ્વમાં પ્રકાશ ફેલાવનાર ભગવાન મહાવીરની ત્‍યાગની ભાવનાને ઉજાગર કરવાનો આ પર્યુષણ પર્વ એક અવસર છે.

અબોલ પશુઓના જીવને અભયદાન મળે એ પ્રકારેની વ્‍યવસ્‍થા રાજય સરકારે કરી છે.  દરેક જિલ્લામાં  કરૂણા એમ્‍બ્યુલન્‍સની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે. રાજય સરકારે દરેક જીવોની ચિંતા કરીને કરૂણા અભિયાન શરૂ કર્યું છે. ગુરૂદેવો સંતો-મહંતોના આર્શીવાદથી સુદઢ શાસન વ્‍યવસ્‍થાનું નિર્માણ થયું હોવાનું પણ મુખ્‍યમંત્રીશ્રીએ વિશ્વાસપુવર્ક જણાવ્‍યું હતું.

શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ધરમપુર જેવા આદિવાસી ક્ષેત્રમાં થઇ રહેલા સમાજ સેવાના કાર્યને બિરદાવી, મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજય સરકાર માનવ કલ્‍યાણની સેવા પ્રવૃતિઓમાં સહયોગ કરશે.

ગુરૂદેવ પૂજ્ય રાકેશભાઇએ મુખ્યમંત્રીશ્રીને સુશાસન અને જનકલ્યાણ માટે સદાકાળ સમર્પિત રહી નિષ્કામ ભાવે સેવારત રહેવાના આશીર્વાદ પાઠવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલજીએ આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ વ્યકત કરતાં કહ્યું કે ‘શ્રીમદ્ રાજચન્દ્ર એનિમલ નર્સિંગ હોમ’નો શુભારંભ એ એક અનન્ય અને અદ્દભુત કાર્ય છે. પૂજ્ય ગુરૂદેવશ્રીના આશીર્વાદથી પ્રાણીઓ માટે આ મિશન જે કાર્ય કરી રહ્યું છે તે સરાહનીય છે અને સમાજ હંમેશા તે માટે તેમનું ઋણી રહેશે. જીવદયાના સંસ્કારને સમાજમાં ઊજાગર કરવાનું આ કાર્ય સૌને પ્રેરણા આપનારૂં બનશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે શ્રીમદ્ રાજચન્દ્રજીની પ્રેરણા અને પૂજ્ય ગુરૂદેવશ્રીના માર્ગદર્શનથી વિશ્વભરમાં અનેક સેવાપ્રવૃત્તિઓ કાર્યરત છે અને તેમાંના મહત્તમ અભિયાનો દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યા છે. પ્રાણીઓને કતલખાને જતાં બચાવવા, આશ્રય આપવો, પુનર્વસવાટ કરાવવો, આંતરિયાળ વિસ્તારોમાં કે અકસ્માતના સ્થળે જઇ તબીબી સારવાર આપવી, નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવા જેવી અનેક પ્રાણીસેવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આમ છતાં, દક્ષિણ ગુજરાતમાં પુશપંખીઓની તબીબી સારવાર માટે એવા ચિકિત્સાલયની જરુર વર્તાણી કે જ્યાં કોઇ પણ સમયે તેઓની સારવાર, શસ્ત્રક્રિયા વગેરે થઇ શકે. આથી ‘શ્રીમદ્ રાજચન્દ્ર એનિમલ નર્સિંગ હોમ’ની પરિકલ્પનાએ આકાર લીધો છે.

Source: Information Department, Gujarat