Guj CM Shri Vijaybhai Rupani attends Closing Ceremony of KHEL MAHAKUMBH 2018 at Bhavnagar

Posted on 05, Jan 2019

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેલકૂદ ક્ષેત્રના લોકો અને ખેલાડીઓ ’ મૈં નહીં, હમ ’ના ટીમ સ્પીરીટથી ખેલ ભાવનાને આગળ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આપણે ખેલ માટેનો ઇતિહાસ મહાભારત કાળથી ધરાવીએ છીએ. ખેલ મહાકુંભમાં માધ્યમથી ખેલકૂદ પ્રત્યેની ચેતના ગુજરાતમાં જન જનમાં જાગી છે.

ભાવનગર ખાતે યોજાયેલ ખેલ મહાકૂંભ-૨૦૧૮ના સમાપન સમારંભમાં તેમણે જણાવ્યું કે, ખેલ મહાકુંભ થી ’ નો વન ’ થી ’ વીન-વીન ’ સુધીની સ્થિતિ ગુજરાતે મેળવી છે.

મુખ્યમંત્રીએ રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચે નવનિર્મત સ્પોર્ટસ સંકુલ અને મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ કર્યુ હતું તેમણે ભાવનગરના રમત ગમત ક્ષેત્રમાં નામાંકિત ખેલાડીઓ કિરીટભાઇ ઓઝા, અશોક પટેલ, પથિક મહેતા, હરપાલસિંહ વાઘેલાને આ અવસરે યાદ કરી ખેલકૂદમાં તેમણે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું કે, મહાભારત કાળમાં કૃષ્ણ ભગવાન ગેંદી દડાની રમત રમતા હતા. તે આઉટડોર રમત હતી. તો ઘરમાં રમાતી ચોપાટની રમત ઇન્ડોર રમત હતી. આમ પુરાતનકાળ પણ આપણા ત્યાં ઇન્ડોર અને આઉટડોર રમત રમાતી જ હતી.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં દરેક પ્રકારના વિકાસની સાથે ખેલકૂદમાં પણ વિકાસ થાય તે માટે સરકાર કૃતનિશ્વયી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષઃ૨૦૧૦માં શરૂ કરાવેલ ખેલ મહાકૂંભને લીધે સરીતા ગાયકવાડ, હરમીત દેસાઇ, અંકિતા રૈના જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગુજરાતને પ્રાપ્ત થયા છે તેમ તેમણે વધુમાં ઉભેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી કહ્યું કે,  ’ રમશે ગુજરાત-જીતશે ગુજરાત ’ દ્વારા ખેલમાં ભાગ લેનારા સૌ ખેલાડીઓ એક રીતે જીત્યા જ છે. જીત કે હારને પચાવવાનો સ્પીરીટ જ અગત્યનો છે.

મુખ્યમંત્રીએ ખેલપ્રતિભા પુરસ્કારથી સન્માનીત ખેલાડીઓ, શક્તિતદૂત ખેલાડીઓ તથા રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળા/ખેલાડીઓનું ચેક તથા પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તૈયાર કરાયેલ વિશેષાંક ’’ખેલ દર્પણ ગુજરાત’’ નું વિમોચન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ મેદાન ફરતે ખુલ્લી જીપમાં ફરી ઉપસ્થિત ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પોરબંદર વિરૂધ્ધ ભાવનગર વચ્ચેની સિનિયર સિટીઝન વચ્ચેની મહિલા રસ્સાખેંચને મુખ્યમંત્રીશ્રીએ ટોસ ઉછાળી શુભારંભ કર્યો હતો.

ભાવનગરના ધારાસભ્ય અને સિનિયર બાસ્કેટબોલ નેશનલ ચેમ્પયનશીપનાં ઓર્ગેનાઇઝીંગ ચેરમેનશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૩૦ રાજ્યોના ૯૩૦ જેટલા ખેલાડીઓ બાસ્કેટબોલ ચેમ્પયનશીપમાં ભાગ લઇ રહ્યા છે. તે રીતે સમગ્ર દેશ દુધમાં સાકર ભળી જાય તે રીતે રમતમાં ઓતપ્રોત બની ગયા છે. ગુજરાતમાં અને ખાસ કરીને ભાવનગરમાં બાસ્કેટબોલની રાષ્ટ્રીય કક્ષાની રમત યોજાઇ રહી છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.

રાજ્યકક્ષાના રમત ગમત મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેલકુદનું વાતાવરણ જન્મે તે માટે ચાલુ વર્ષે ૯૫૨ ઇવેન્ટમાં ૩૫ લાખ લોકોએ ભાગ લીધો છે. વિવિધ રમતમાં વિજેતા ખેલાડીઓને રૂ. ૪૦ કરોડની ઇનામી રાશી ચાલુ વર્ષે આપવામાં આવી છે.

દિવ્યાંગ ખેલાડીઓએ પણ આ ખેલમહાકુંભમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટેની વ્યવસ્થાઓ ગુજરાતે ઉભી કરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

ખેલ મહાકુંભના સમાપન-૨૦૧૮ના પ્રસંગે કલાકારોએ રંગારગ સાસ્કૃતિક પ્રસ્તુતિ કરી  હતી. ખેલાડીઓએ તેમની ખેલ કલાનું નિદર્શન કર્યુ હતું જેને ઉપસ્થિતોએ હર્ષનાદથી વધાવી લીધું હતું

શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, એક જ જગ્યાએ અનેક ખેલાડીઓ ભેગા થઇ પોતાની ખેલ પ્રતિભા બતાવે છે તે માટે ખેલના આ મહોત્સવને ખેલ મહાકુંભ તરીકે ઓળખવામાં આવે છે.

એકાગ્રતા, ટીમ વર્ક વગેરે જેવા ગુણોનું સર્જન ખેલ ભાવનાથી આવે છે. હારને પચાવવી તથા ફરીથી ઉઠવાની હિમત આવા ખેલ મહાકૂંભ જેવા કાર્યક્રમથી આવતી હોય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

ભારત સરકારના ખેલ મંત્રાલયના સચિવશ્રી રાહુલ ભટ્ટનાગરે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાતમાં ખેલ મહાકુંભની ચર્ચા છે. તેમણે અપેક્ષા વ્યક્ત કરી કે, ગુજરાત આગામી સમયમાં ખેલ ક્ષેત્રે અગ્રણી રાજ્ય બની રહેશે.

જાણીતા હોકી ખેલાડી ધનરાજ પિલ્લાઇએ જણાવ્યું કે, હું છેલ્લા ૫ વર્ષથી ગુજરાતમાં હોકી ખેલાડીઓને તૈયાર કરવાનું કાર્ય કરી રહ્યો છું. પ્રતિબધ્ઘતાથી ખેલ રમવામાં આવે તો તેમાં સિધ્ધિ ચોક્કસ મેળવી શકાય છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

રમત ગમત વિભાગના સચિવશ્રી પી. પી. પટેલે જણાવ્યું હતું કે, લોકોમાં ખેલકુદ પ્રત્યે અભિરૂચી વધારી, તંદુરસ્તી વધારવા સાથે તંદુરસ્ત ગુજરાતના નિર્માણ કરતા માટે ખેલ મહાકુંભનુ આયોજન ગુજરાતમાં વર્ષ ૨૦૧૬થી કરવામાં આવે છે. ૪૨ લાખ ખેલાડીઓએ આ ખેલ માટે નોંધણી કરાવી હતી. જેમાથી ૩૮ લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવશ્રી ડી. ડી. કાપડિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

આ પ્રસંગે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ગુજરાતના શ્રી શક્તિસિંહ, ભાવનગરના મેયરશ્રી મનહરભાઇ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, મુખ્ય સચિવશ્રી ર્ડા. જે. એન. સિંઘ, કલેક્ટરશ્રી હર્ષદ પટેલ, કમિશ્નરશ્રી એમ. એ. ગાંધી, વ્યાયામ શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Source: Information Department, Gujarat