Guj CM Shri Vijaybhai Rupani attends State level celebration of World Tribal Day at Dahod

Posted on 09, Aug 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાઓના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે આદિવાસી વિસ્તારમાં સૈનિક શાળાઓ શરૂ કરવાનું આયોજન રાજ્ય સરકારનું હોવાનું પણ જણાવ્યું છે.

વિશ્વ આદિવાસી દિનની દાહોદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી બનેલા મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિના નાગરિકોને આરોગ્ય, અદ્યતન શિક્ષણ, પાણી, રસ્તા સહિતની ભૌતિક સુવિધાઓ અને વિકાસ કામો માટે રાજ્ય સરકારે બજેટમાં આદિજાતિ વિકાસ કામો માટે રૂ. ર૪૮૧ કરોડ ફાળવ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજના તહત રાજ્યના આદિવાસી સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રૂ. ૯૦ હજાર કરોડ આદિવાસી સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવ્યા છે.

આદિવાસી નરબંકાઓનું પુણ્ય સ્મરણ કરતા શ્રી રૂપાણીએ કહ્યું કે, બીરસા મુંડાએ અંગ્રેજોને ધૂળ ચાટતા કરી દીધા હતા. ગુજરાતમાં માનગઢ ખાતે શ્રી ગોવિંદ ગુરુએ અંગ્રેજો સામે લડાઇ કરતી હતી અને આ જંગમાં ૧૫૦૦ આદિવાસીઓ શહીદ થયા હતા. આવા અનેક શૂરવીરોએ ભારત ભોમકાનું રક્ષણ કર્યું છે. આદિવાસી સમાજ હંમેશા દેશની પડખે ઉભો રહ્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે વન્ય સંપદા અને વન્ય પ્રાણીઓનું આદિવાસી રક્ષણ કરે છે. વન પ્રત્યેના આદિવાસી સમાજના સમર્પણના પરિણામે જ આપણે કુદરતી વનની અણમોલ ભેટનું સંરક્ષણ કરી શક્યા છીએ તેમ ઉમેર્યુ હતું. જંગલ વિસ્તારના જમીનના અધિકારો આદિવાસીઓને આપવામાં આવ્યા છે, તેમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગૌણ વનપેદાશ, ખનીજના અધિકારો આદિવાસી સમાજને રાજ્ય સરકાર દ્વારા પેસા એક્ટ હેઠળ આપવામાં આવ્યા છે. વર્ષોથી પેસા એક્ટના અમલની વાતો થતી હતી, પણ આ સરકારે તેનો તુરંત જ અમલ કર્યો છે. હવે, આદિવાસી સમાજ પણ સૌનો સાથ અને સૌના વિકાસ મંત્રને ફળીભૂત કરવા લાગી ગયો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આદિવાસી સમાજના આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના ઉપરાંત ગંભીર બિમારીગ્રસ્ત આદિજાતિના લોકોને આદિવાસી પેટા યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે. શિક્ષણ માટે મોડેલ શાળા, એકલવ્ય શાળા, છાત્રાલયો શરૂ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે આદિજાતિ વિસ્તારના બાળકોના પોષણ માટે ૧૧ લાખ આદિજાતિ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે પણ રૂ. ૧૪૩ કરોડની જોગવાઇ કરી છે.

નાના ગામોમાં પણ વીજળી પહોંચાડવામાં આવી છે. વનના અંતરિયાળ વિસ્તારના ગામો સુધી જવાના રસ્તા પાકા બનાવવામાં આવ્યા છે. આમ, ટ્રાયબલ બેલ્ટનો સર્વાંગી વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે તેમ કહી મુખ્યમંત્રીશ્રીએ આ તકે રાજ્યના તમામ આદિવાસીઓને વિશ્વ આદિવાસી દિનની શુભકામનાઓ પાઠવી હતી.

વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે, રાજ્ય સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ સરકારે આદિવાસીઓની વિશેષ દરકાર લીધી છે. આદિવાસી પટ્ટાના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ૪૦૦૦ કરતા વધુ ગામોમાં વસતા આદિવાસીઓએ વિકાસના ફળ ચાખ્યા છે.

તેમણે કહ્યું કે, પેસા એક્ટના કારણે ૧૩ લાખ એકર કરતા વધુ જમીન આદિવાસી સમાજને મળી છે. આ જ સરકાર આવો ત્વરિત નિર્ણય કરી શકે. તેમણે કાશ્મીરને કેન્દ્રીય પ્રદેશ જાહેર કરવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક સંબોધનો તથા આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી મનોજ અગ્રવાલે સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી જ્યારે સભા ગૃહમાં પ્રવેશ્યા ત્યારે તેમણે આદિવાસી દેવીદેવતાઓને વંદન કર્યા હતા. બાદમાં આદિવાસી સમાજ દ્વારા કંદોરો, ભોરિયું, બંડી, તીરકામઠું આપી તથા પરંપરાગત પાઘડી પહેરાવી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સ્માર્ટ સિટી મિશન હેઠળ દાહોદ નગરમાં પાણી અને ગટર માટેના રૂ. ૨૮૨.૬૬ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ પણ કર્યું હતું. સાથે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં સફળતા પ્રાપ્ત કરનાર આદિવાસી સમાજના કુ. સરિતા ગાયકવાડ સહિતના આઠ ખેલાડીઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ નિશાન ઇ-એકલવ્ય મોબાઇલ એપ્લિકેશન અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત યોજનાઓને લગતી પુસ્તિકાનું લોન્ચિંગ પણ કર્યું હતું

વિશ્વ આદિવાસી દિનની આ ઉજવણીમાં મુખ્ય સચિવ શ્રી જે. એન. સિંહ, ધારાસભ્ય સર્વ શ્રી વજેસિંહ પણદા, શ્રી ચંદ્રિકાબેન બારિયા, શ્રી રમેશભાઇ કટારા, શ્રી ભાવેશભાઇ કટારા, શ્રી શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારઘી, નગરપાલિકા પ્રમુખ શ્રી અભિષેકભાઇ મેડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઇ અમલિયાર, આદિજાતિ વિકાસ કમિશનર શ્રી જે. રંજીથકુમાર, કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિત આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

Source: Information Department, Gujarat