Guj CM Shri Vijaybhai Rupani at Closing Ceremony of Ahmedabad Shopping Festival

Posted on 29, Jan 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની અભૂતપૂર્વ સફળતાએ અમદાવાદ શહેરની આન, બાન અને શાન વધારી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કરોડો ના વેપારને કારણે દૂબઇ શોપિંગ ફેસ્ટિવલની જેમ દુનિયાના નકશા પર પોતાની છાપ છોડી છે.

અમદાવાદ ઐતિહાસિક નગરી અને આધુનિક વિક્સતુ નગર છે, વેપાર-ઉદ્યોગને આ શોપિંગ ફેસ્ટિવલથી વધુ વેગ મળ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, અમદાવાદમાં એક જ જગ્યાએ ગુણવત્તાયુક્ત બધી જ ચીજવસ્તુઓ, ખાણીપીણી અને મનોરંજન ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થાથી ગુજરાતની નામના વધી છે.

મુખ્યમંત્રીશ્રીએ શોપિંગ ફેસ્ટિવલની સફળતા જોઇ વાઇબ્રન્ટ સમિટની સાથે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પણ દર બે વર્ષે યોજવાની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે, એપ દ્વારા ૨ લાખથી વધુનું રજિસ્ટ્રેશન અને ૧૫ હજાર દુકાનદારોનાં સાથ અને વેપારી સંગઠનોના સહકારથી શોપિંગ ફેસ્ટિવલ સફળ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શોપિંગ ફેસ્ટિવલની સાથે સાથે ગુજરાતની નાટકોનું મંચન, મનોરંજનના કાર્યક્રમોએ પણ  લોકોને શોપિંગ ફેસ્ટીવલમાં આકર્ષિત કર્યા હતા. શોપ

અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલે જણાવ્યું કે, શોપિંગ ફેસ્ટિવલનો હેતુ વેપારીઓને પ્રોત્સાહન, ગ્રાહકોને ખરીદીનો નવો અનુભવ થાય તથા લોકોને મનોરંજન મળે તેવો હતો.

અમદાવાદના વેપારીઓ જાગૃત છે, જે વિકાસની પરિભાષા સારી રીતે જાણે છે. તેથી જ ઓપ્ટિકલ્સ, પેથોલોજી સાથે ખાણી-પીણી અને મનોરંજનને એક સાથે એક સ્થળ પર લાવવાનો શોપિંગ ફેસ્ટિવલ અનોખો પ્રયાસ હતો.

આ પૂર્ણાહૂતિ પ્રસંગે બમ્પર ઇનામો અને ડિસ્કાઉન્ટ કૂપન વેપારીઓને ઇનામોથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતા.

આ અવસરે બોલીવુડના જાણીતાં ગાયક અમિત ત્રિવેદીનાં ‘ઇન્દ્રધનુષ’ કાર્યક્રમની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડે. મેયર શ્રી દિનેશભાઇ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલભાઇ ભટ્ટ, શહેરી વિકાસના અગ્ર સચિવ શ્રી મુકેશ પુરી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા, કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ અને અમદાવાદના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Source: Information Department, Gujarat