Guj CM Shri Vijaybhai Rupani Inaugurated Dhanvantari Gaumata Hospital at Tetoda, Banaskantha

Posted on 08, Aug 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જીવમાત્રની રક્ષા માટે રાજય સરકારની કટિબધ્ધતા વ્યકત કરી છે. તેમણે રાજયમાં જીવમાત્રની રક્ષા થાય તે માટે કરૂણા અભિયાન-કરૂણા એમ્બ્યુલન્સની સેવા દ્વારા અનેક અબોલ પશુ-પક્ષીઓની રક્ષા-સુરક્ષા કરાઇ છે તે કડીમાં ગૌમાતા હોસ્પિટલ સોનેરી પીંચ્છ સમાન બની રહેશે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના ડીસા તાલુકાના ટેટોડામાં ધન્વંતરી ગૌમાતા હોસ્પિટલનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાય, ગીતા, ગંગા, ગીરધર અને ગાયત્રીની ઉપાસનાનું ગૌરવ કરાયું છે તેથી જ આપણે ત્યાં જીવથી શિવ અને વ્યક્તિથી સમષ્ટિ અને આત્માથી પરમાત્માનો મહિમા ગવાયો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વૃધ્ધોની સેવા કરવી, દિવ્યાંગોની સેવા કરવી, તે જ રીતે પશુ દૂધાળુ હોય કે ન હોય પરંતુ તેની સેવા-સુશ્રુષા કરવી એ આપણી પરંપરા રહી છે.

વ્યક્તિ પોતાના માટે ઘણું કરે છે પરંતુ બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખીના ન્યાયે નિસ્વાર્થ ભાવે પશુઓની સેવા માટે ગૌશાળાના નિર્માણ જેવા ઉપક્રમો યુવા પેઢીને સેવાભાવની પ્રેરણા ચોક્કસ આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે રાજયમાં કરૂણા અભિયાન, પશુઓ માટેની એમ્બ્યુલન્સ તથા પશુઓ માટે પણ આઇ.સી.યુ. અને પ્રિ-ઓપરેશન અને પોસ્ટ ઓપરેશન માટે પશુપાલન વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થાઓની સમજ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ચાલુ વર્ષે ઓછા વરસાદવાળા ૯૧ તાલુકાઓને ઇનપુટ સબસીડી આપી છે. વરસાદની વધુ અછતવાળા ૫૧ તાલુકાઓમાં ૧૪ કરોડ કિલો ઘાસચારાનું વિતરણ કરવા સાથે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં કરોડો રૂપિયાની સબસીડી ઘાસચારા અને પશુઓના નિભાવ-નિર્વાહ માટે આપી છે.

તેમણે કહ્યું કે, રાજય સરકાર ગરીબ, પીડિત, શોષિતને અગ્રીમતા આપી ખેતી-ગામડું સમૃધ્ધ થાય, ખેડૂતની આવક બમણી થાય, પશુપાલકોનું દૂધ ઉત્પાદન વધે તે માટે કટીબધ્ધ છે.

ખેડૂતોની મોલાત સૂકાઇ ન જાય તે માટે સુજલામ-સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના તળાવો નર્મદાના નીરથી ભરવાનો કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે તેની વિગતો આપતાં તેમણે કહ્યું કે પાણીના અભાવે ખેડૂતોનો પરિશ્રમ કોઇકાળે એળે જવા દેવાશે નહીં.

મુખ્યમંત્રીશ્રીએ જીવદયા માટે હોસ્પિટલના નિર્માણ માટે સહયોગ આપનાર જીવદયા પ્રેમીઓ, ગૌશાળાના સંચાલકોને અભિનંદન આપ્‍યા હતાં. તેમણે ગૌશાળા માટે અપાયેલ રૂ. ૧૧ લાખના ચેકનો ગૌશાળા વતી સ્વીકાર કર્યો હતો.

ડીસાના ધારાસભ્ય શ્રી શશીકાંતભાઇ પંડ્યાએ જણાવ્યું કે રાજય સરકારે ૭૦ થી ૮૦ કરોડની ઘાસચારાની સહાય પૂરી પાડી બનાસકાંઠાના પશુધન જીવાડવાની અદ્દભૂત સેવા કરી છે.

આ પ્રસંગે સંસદ સભ્ય શ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી કિર્તીસિંહ વાઘેલા, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કેશાજી ચૌહાણ, પૂર્વમંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી માવજીભાઇ દેસાઇ, મહંત શ્રી રામરતનજી મહારાજ, શ્રી ગોવિંદવલ્લભજી મહારાજ, શ્રી જાનકીદાસજી મહારાજ, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી માનસિંહ વાઘેલા, પદ્મશ્રી ખેડૂતશ્રી ગેનાજી પટેલ, કલેકટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. એ. શાહ સહિત અધિકારી, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Source: Information Department, Gujarat