GUJARAT CHIEF MINISTER SHRI VIJAYBHAI RUPANI INAUGURATES GARIB KALYAN MELA AT BHUJ

Posted on 04, Jan 2019

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયભરમાં યોજાઇ રહેલા અગિયારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાઓને ગરીબોની તકલીફોના નિવારણ  માટે રાજય સરકારે લીધેલાં સંવેદનશીલ નિર્ણય ગણાવ્યા હતા, અને આ મેળાઓમાં મળેલી સાધન-સહાય થકી  લાભાર્થીઓને તેમના જીવન વધુ ઉન્નત અને ઉજ્જવળ બનાવવા અનુરોધ કર્યો હતો.

ભુજના ટાઉનહોલ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતાં મુખ્યમંત્રીશ્રીએ એવો એકરાર કર્યો હતો કે, રાજયભરમાં યોજાનારા અગિયારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજય સરકારે જરૂરિયાતમંદ દરિદ્ર નારાયણની આંગળી ઝાલીને તેમના હક્કની રકમ હાથો-હાથ સોંપી છે, ત્યારે  રાજયના નાગરિકોનું જીવન-ધોરણ  સુધરે તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગરીબ કલ્યાણ મેળા અંગેની રાજયસરકારની નીતિની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સહાય મેળવવામાં ‘‘ખોટો લઇ ન જાય અને સાચો રહી ન જાય’’ તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેના ભાગરૂપે યોગ્ય નાગરિકોને તેમના હુન્નરને અનુરૂપ સાધન-સહાય આપી શકાયા છે.

અછતગ્રસ્ત કચ્છ જિલ્લા માટે રૂ. ૨૪૭ કરોડની કૃષિ ઇનપુટ સબસિડી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આપવાની જાહેરાત ભુજ ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં કરી હતી, તથા જીવ માત્રની ચિંતા અર્થે રાજયસરકારે સેવેલી ચિંતાની લાગણી પ્રગટ કરી હતી. રાજયસરકારે લોકકલ્યાણ માટે લીધેલા અન્ય પગલાંઓની સવિસ્તર માહિતી પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ તેમના વકતવ્યમાં અસરકારક રીતે વણી લીધી હતી.

રાજયભરમાં પ્રવર્તતી અછતની પરિસ્થિતિ સંદર્ભે રાજયસરકારે  ઓગષ્ટ માસથી જ અછતની સમીક્ષા સંબંધી કામગીરી આરંભી દીધી હતી, એ બાબતનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના પશુઓ  માટે લીધેલ અન્ય કલ્યાણકારી બાબતો તેમના પ્રવચનમાં ટાંકી હતી. બંદરો પરથી થતી જીવંત પશુ-પંખીઓની નિકાસ પર રાજયસરકારે લગાવેલા પ્રતિબંધના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ઉલ્લેખને ભુજની જીવદયાપ્રેમી જનતાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. પ્રજાલક્ષી કામગીરી પારદર્શી બનાવવા રાજયસરકારે કરેલી તમામ ઓનલાઇન કાર્યવાહીને પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિતો સમક્ષ સગૌરવ રજૂ કરી હતી.

સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિઓના કલ્યાણ વિભાગના રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આપેલી ઇન્પુટ સબસિડી, રૂ. પાંચ કરોડના ખર્ચે થયેલ શીખ સમાજના ખાતમુહૂર્ત, રાજયના ત્રીજા સંભવિત ડીસેલીનેશન પ્લાન્ટ માટે કોટેશ્વરની કરેલ પસંદગી વગેરે બાબતો માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા સમગ્ર સરકાર પ્રત્યે સમગ્ર કચ્છ જિલ્લાના નાગરિકો વતી આભારની લાગણી પ્રદર્શિત કરી હતી.  અને કચ્છના નાગરિકોને આજના  ગરીબ કલ્યાણ મેળામાં મળેલ સાધન-સહાયનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી મૂલ્ય-નિષ્ઠ જીવન જીવવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અંજારની સરહદ ડેરીને પશુઓ માટેના ખાણદાણ બનાવવાનું એકમ નિર્માણ કરવા માટે રૂ. પાંચ કરોડની રકમનો ચેક ડેરીના અધિકારીઓને એનાયત કર્યો હતો અને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સહાયનું પ્રતીક વિતરણ કર્યું હતું. અન્ય સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે ૨૮૧૬ લાભાર્થીઓને અંદાજે રૂ. સવા કરોડની રકમની સાધન-સહાયનું વિતરણ કરાયું હતું

 

આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો સર્વશ્રી નીમાબેન આચાર્ય, શ્રી માલતીબેન મહેશ્વરી અને શ્રી વીરેન્દ્રસિંહજી જાડેજા,  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, નગરપાલિકા પ્રમુખશ્રી લતાબેન સોલંકી, જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષી, અગ્રસચિવો, સચિવશ્રીઓ, કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓના નાગરિકો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

Source: Information Department, Gujarat