Latest News

મુખ્યમંત્રીશ્રી દ્વારા સૂચિત સોસાયટીના મિલકત ધારકોને દાવા મંજૂરી હુકમો – પ્રોપર્ટી કાર્ડ અને વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને સનદ વિતરણ

  Sorry, this entry is only available in English.

  રાજકોટ, ૨૧, જાન્યુઆરી :રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે યોજાયેલા વિવિધ વિકાસકામોના શ્રેણીબધ્ધ કાર્યક્રમો અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજ ખાતે લાભાર્થીઓને તેમને મળવાપાત્ર યોજનાના લાભો હાથોહાથ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને વિકાસ માટે જરૂરી સ્થિરતા રાજ્ય સરકારે પૂરી પાડી છે, અને ભવિષ્યમાં પણ આ માટેના આયોજનબધ્ધ પગલાં લેવામાં આવશે. આ બાબતના સમર્થનમાં તેમણે રાજ્ય સરકારે લીધેલા વિવિધ પગલાંઓની વિગતો ટાંકી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની લોકકલ્યાણલક્ષી નીતિનો પડઘો પાડતાં જણાવ્યું હતું કે રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકો હંમેશા રાજ્યના વિકાસલક્ષી આયોજનમાં કેન્દ્ર સ્થાને રહ્યા છે. નાના માણસોને મોટા બનાવવા માટે કાર્યરત રાજ્યની સરકારે તેમને જરૂરીયાતો સમજીને તેને અનુરૂપ યોજના બનાવી છે તથા અમલ પણ કર્યો છે.

  મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ જણાવ્યું હતું કે સૂચિત સોસાયટીના મિલકતધારકોને તેમની મિલકતના દસ્તાવેજો કાયમી કરીને તેમની અસુરક્ષિતતા દૂર કરી છે અને તેમને ખરા અર્થમાં તેમની મિલ્કતના માલિક બનાવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યું હતું કે દર વર્ષે ઓછામાં ઓછા સાત લાખ મકાનો રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવશે, અને આ તમામ મકાનોમાં નળ, વીજળી, ગેસ, લિફ્ટ, આંગણવાડી, આરોગ્ય વગેરેની તમામ સુવિધાઓ રાજયસરકાર દ્વારા અગ્રિમ ધોરણે પુરી પાડવામાં આવશે. રાજ્યના નાગરિકો માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની સવિસ્તાર વિગતો મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રવચનમાં વણી લીધી હતી. ગરીબોને તક આપવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા પણ મુખ્યમંત્રીશ્રીએ દોહરાવી હતી અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાના લાભો પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી. આજના કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભ મેળવનાર લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા

  આ તકે પાણી અને પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજ્ય સરકારની લોકો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, વિચરતુ જીવન વ્યતિત કરતા લોકોને હવે સ્થિરતા મળશે, આજે તેમના પરિવારની ચિંતા રાજ્ય સરકારે કરી છે. વર્ષોથી ભટકતા લોકોને સ્થાયી થવાનો અને ઘરનું ઘર મેળવવાનો મોકો મળ્યો છે.

  અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ છેવાડાના ગરીબ પરિવારો માટે અનેક સંવેદનાસભર નિર્ણયો કર્યા છે. દરેક માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા સરકાર આગળ વધી છે. આજે સૂચિત સોસાયટી હોય કે વિચરતી- વિમુક્ત જાતિના લાભાર્થી હોય, દરેકને પોતાનું ઘર, પોતાના ઘરની માલિકી મળી છે.

  આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લાની સૂચિત સોસાયટીના મિલકતધારકોને દાવા મંજૂરી હુકમો -પ્રોપર્ટી કાર્ડ વિતરણ અને વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને ફાળવેલ પ્લોટોના સનદ વિતરણ કર્યા હતા. જ્યારે ડીઝીટલ માધ્યમથી જેટકો સબ સ્ટેશનો, ગોંડલ – જસદણ નગરપાલિકા તથા ઉપલેટા આઇટીઆઇના કુલ મળી રૂપિયા ૮૯.૬૨ કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કર્યું હતુ.

  શ્રી કડવીબાઈ વિરાણી વિદ્યાલયની છાત્રાઓએ રજૂ કરેલા પ્રાર્થનાગીત બાદ કલેકટરશ્રી રેમ્યા મોહને સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપી હતી. ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિચિન્હ એનાયત કરાયા હતા. વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાના લાભ મેળવનાર લાભાર્થીઓએ તેમની સાફલ્યગાથા સ્ટેજ પરથી વર્ણવી હતી.

  આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને જયેશભાઈ રાદડિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખ ભંડેરી, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા, અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણી તથા કમલેશભાઈ મીરાણી, ડિવિઝનલ રેલવે મેનેજર પ્રતીક ગોસ્વામી, જેટકોના ચીફ એન્જિનિયર શ્રી કે. આર. સોલંકી, નગરપાલિકા નિયામકશ્રી સ્તુતિ ચારણ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.પી. પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ તથા શ્રી સિદ્ધાર્થ ગઢવી, લાભાર્થીઓ, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat