Latest News

સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજનાના વધુ ત્રણ કિસાન હિતકારી પગલાંનો વીડિયો કોન્ફરન્સથી શુભારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી

  Sorry, this entry is only available in English.

  • આ યોજનાને માત્ર વાતો જ છે તેવું કહેનારા વિરોધીઓને યોજનાનો સફળ અમલ કરી જડબાતોડ જવાબ આપી દિધો છે
  • ખેડૂતોના દેવા નાબૂદીની વાતો કરી મગરના આંસુ સારનારા લોકો સમજી લે અમે તો ખેડૂતને દેવું કરવું જ ના પડે તેવો સક્ષમ બનાવ્યો છે
  • નર્મદાના વર્ષો સુધી દરિયામાં વેડફાઈ ગયેલા પાણીને ડેમના દરવાજા મુકવાની મંજૂરી ૧૭ જ દિવસમાં આપીને નરેન્દ્રભાઈ મોદી સરકારે ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં સિંચાઇ માટે પહોંચાડી બારમાસી ખેતીની સગવડ આપી છે
  • ખેડૂતો નિશ્ચિંત થઈને ખેતી કરે, સરકાર હરેક વિપદામાં તેમની ચિંતા કરી પડખે ઊભી છે
  • ચાર વર્ષમાં ૧૫ હજાર કરોડની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી ખેડૂતની મહેનતના યોગ્ય દામ આપ્યા
  • આ વર્ષે પણ ટેકાના ભાવે ખરીદી ખેડૂતના છેલ્લાંમાં છેલ્લા દાણા સુધી કરીશું
  • સાત પગલાં ખેડૂત કલ્યાણનામાં વધુ ત્રણ કિસાન હિતકારી પગલાંનો શુભારંભ
  • રાજ્યમાં છુટક શાકભાજી ફળફળાદી વેચનારા ૭૦ હજાર નાના વેપારીઓને ફળ-શાકભાજી બગાડ અટકાવવા ૧૦ કરોડના ખર્ચે વિનામૂલ્યે છત્રી અપાશે
  • ૨૨ હજાર નાના સિમાંત ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ કિટ રાજ્ય સરકાર આપશે.
  • ખેતર ફરતે કંટાળી વાડથી ઊભા પાકને રોઝ-ભૂંડથી રક્ષણ

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતની આ સરકારે જે કહેવું તે કરવું નો ધ્યેયમંત્ર રાખીને ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રાજ્યના બજેટમાં જાહેર થયેલી યોજનાઓનો ત્વરીત અમલ કરી વિરોધીઓના મ્હોં બંધ કરી દીધા છે.

  આ સંદર્ભમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે આ સરકાર ખેડૂત, ગરીબ, વંચિત, પીડિત અને ગામડાના કલ્યાણને વરેલી છે.

  આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના જાહેર કરી હતી અને કોરોનાના સંક્રમણ કાળમાં પણ તેનો અમલ કરીને ખેડૂતોના અને જનતા જનાર્દનના વિકાસ કામો અટકવા દીધા નથી.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આ યોજના જ્યારે રાજ્ય સરકારે જાહેર કરી ત્યારે તેને માત્ર વાતો જ છે એવું કહેનારા  અને ખેડૂતના નામે મગરના આંસુ સારનારા તત્વોને માત્ર એક જ મહિનામાં કૃષિ વિભાગે આ ખેડૂત કલ્યાણના સાતેય પગલાંનો લાભ કિસાનોને આપીને સચોટ જવાબ આપી દીધો છે.

  મુખ્યમંત્રીશ્રીએ આ સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અન્વયે વધુ ત્રણ પગલાંમાં શાકભાજી ફળફળાદીનો વેપાર કરનારા નાના વેચાણકારોને પોતાના માલનો બગાડ અટકાવવા વિનામૂલ્યે છત્રી વિતરણ,નાના સિમાંત ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ તેમજ ખેડૂતોના ખેતર ફરતે કાંટાળી વાડ યોજનાઓનો વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો.

  તેમણે પ્રતિક રૂપે પાંચ લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ અર્પણ કર્યા હતા.

  નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા મથકોએ આ શુભારંભ અવસરે જોડાયા હતા.

  મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો થાય, યોગ્ય બજાર ભાવ મળે એટલું જ નહીં સિંચાઇ અને વિજળીની વ્યાપક સવલતથી ખેડૂત સાચા અર્થમાં જગતનો તાત બને ખેતીવાડીથી સમૃદ્ધિની દિશામાં વળે તે માટેના સર્વગ્રાહી આયોજન આ સરકારે કરેલા છે.

  તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં કોંગ્રેસીઓના શાસનમાં ખેડૂત બાપડો-બિચારો, દેવાદાર હતો. વીજળી માટે અટવાતો ને લંગડી વીજળી મળતી, ખેતરમાં ટ્રાન્સફોર્મર બળી જતા અને મોટર પણ બળી જતી એવી અવદશામાં વર્ષો સુધી ખેડૂતોને રાખનારાઓ હવે ખેડૂતોની દેવા નાબૂદીની વાતો કરીને ખેડૂતના નામે રાજકારણ કરે છે.

  શ્રી વિજયભાઈ રૂપાણીએ સાફ શબ્દોમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની અને આ રાજ્યની સરકારોએ ખેડૂતોને દેવું જ ન કરવું પડે તેવો  સક્ષમ બનાવ્યો છે.

  જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ કલાક વીજળી આપી છે અને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં નર્મદાના પાણી પહોંચાડી બારમાસી ખેતી કરતો કર્યો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

  શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે અગાઉ યુપીએ સરકારે સાત-સાત વર્ષ  સુધી નર્મદા ડેમના દરવાજા ચડાવવાની મંજૂરી અટકાવી રાખીને ગુજરાતના વિકાસને  રુંધ્યો હતો.નર્મદાનું લાખો કયુસેક પાણી દરિયામાં વહી જતું.

  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કેન્દ્રમાં શાસન સંભાળતા ૧૭ જ દિવસમાં એ દરવાજા મૂકવાની પરવાનગી આપીને ગુજરાતની કૃષિ ક્રાંતિ સહિત તો સર્વાંગી વિકાસના દ્વાર ખોલી આપ્યાં છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભૂતકાળમાં ટેકાના ભાવે એક દાણો પણ કોંગ્રેસી સરકારો ખરીદતી નહોતી.

  આપણે ચાર વર્ષમાં ૧૫ હજાર કરોડથી વધુ અનાજ ટેકાના ભાવે ખરીદ ને ખેડૂતની મહેનતના યોગ્ય દામ આપ્યા છે.

  તેમણે એમ પણ ઉમેર્યું કે, આ વર્ષે પણ ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થાઓ કરી લીધી છે અને ખેડૂતના છેલ્લામાં છેલ્લા દાણા સુધી સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાની છે.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે વાવાઝોડું, માવઠું, દુષ્કાળ કે કોઈપણ વિપદામાં સરકાર ખેડૂતોની ચિંતા કરી તેની પડખે ઊભી રહેવા પ્રતિબધ્ધ છે.

  ખેડૂતો નિશ્ચિંત થઈને ખેતી કરે અને મૂલ્યવર્ધક ખેતીથી સમૃદ્ધિના શિખરો સર કરે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના કિસાનને તેના ઉત્પાદનોના સંગ્રહ માટે ગોડાઉન બનાવવા અને પોતાનો માલ બજાર સુધી પહોંચાડવા ૩૦ હજાર રૂપિયા ગોડાઉન સહાય, ૭૫ હજાર રૂપિયા વાહન સહાય આપી છે.

  સાત પગલાના અન્ય બે પગલાંમાં આપણે ગાય આધારિત ખેતી માટે એક ગાય દીઠ દર મહિને ૯૦૦ રૂપિયા સહાય અને જીવામૃતથી પ્રાકૃતિક ખેતી માટે સહાય આપી છે.

  હવે આ વધુ ત્રણ પગલાંમાં નાના વેપારી જે છુટક શાકભાજી- ફળફળાદી વેચીને કમાણી કરે છે તેમના આવા શાક-ફળ બગડી ન જાય, તડકો-વરસાદ ન નડે તે માટે વિનામૂલ્યે છત્રી આપવાના છીએ.

  નાના સિમાંત ખેડૂતોને પણ ઓછી મહેનતે વધુ પાક મળે તે માટે સ્માર્ટ હેન્ડ ટુલ કીટમા અદ્યતન સાધનો આપવાના છીએ તેમ જ ખેતરમાં ઉભા પાકને ભૂંડ રોઝડાના ત્રાસથી બચાવવા કાંટાળી તારની વાડનો પણ લાભ આપવાના છીએ તેમ શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું.

  રાજ્યમાં આવા ૭૦,૦૦૦ જેટલા છૂટક વેચાણકારોને કુલ ૧૦ કરોડના ખર્ચે છત્રી આપવાની યોજના છે તે સાથે ૨૦ હજાર જેટલા સીમાંત ખેડૂત અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટુલ કીટનો લાભ રૂપિયા ૨૨ કરોડની જોગવાઇથી આપવામાં આવશે.

  કાંટાળી તારની વાડ યોજનામાં પણ રાજ્ય સરકારે સબસીડી રૂપિયા ૧૫૦ થી વધારીને ૨૦૦ કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે વિધાનસભામાં ૩૭૦૦ કરોડ રૂપિયાનું જે ખેડૂત નુકસાન સહાય પેકેજ જાહેર કર્યું તેની તથા એપીએમસી એક્ટમાં સુધારો કરી હવે ખેડૂતોને પોતાના ઉત્પાદન વેચાણની સાચી આઝાદી આપી છે તેની પણ વિસ્તૃત સમજ આપી હતી.

  તેમણે ‘હર હાથ કો કામ કર ખેત કો પાની’નો મંત્ર સાકાર કરી ખેતી સમૃદ્ધિથી ગ્રામ સમૃદ્ધિ અને ગ્રામથી શહેર – શહેર થી સમગ્ર રાજ્યની સમૃદ્ધિની નેમ પણ વ્યક્ત કરી હતી.

  કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે આ આખીયે યોજનાના મૂળમાં ખેડૂતો અને ખેતી પ્રત્યેની મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતા પડેલી છે તેમ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું.

  કૃષિ સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, ખેતી નિયામક શ્રી ભરત મોદી, ગુજરાત એગ્રોના એમ.ડી. શ્રી રંધાવા સહિત કૃષિના વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગર ખાતેથી આ વિડીયો કોન્ફરન્સ લોન્ચિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

   

  Source: Information Department, Gujarat