મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્ય રામમંદિરના કાર્યમાં દેશના કરોડો લોકો યથાશક્તિ સમર્પણ કરી પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે, તેમ જણાવી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામનાર આ ભવ્ય મંદિર એ આપણી સંસ્કૃતિ અને સામૂહિક શક્તિનું પ્રતિક બની રહેશે તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠીઓ અને દાતાઓના અભિવાદન કાર્યક્રમમાં વધુમાં ઉદ્દબોધન કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતુ કે, ગુજરાતે પણ રામમંદિર નિર્માણ માટે ઘણો સંઘર્ષ કરી ભોગ આપ્યો છે. ભગવાન શ્રી રામનું ચરિત્ર અનાદી કાળથી લોકો માટે પ્રેરણાદાયી રહ્યું છે, અને આજે પણ ભગવાન રામ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રહયાં છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં સહભાગી થઇ પાંચ લાખ રૂપિયાની રાશીનો ચેક ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાને મંદિર નિર્માણ કાર્ય અર્થે સમર્પણ કર્યો હતો.
તેમણે આ તકે સમગ્ર દેશભરમાં ચાલી રહેલા સમર્પણ નિધિ અભિયાનમાં ગુજરાતના લોકોને મંદિર નિર્માણ કાર્યમાં યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાએ તેમનું મૌન વ્રત હોવાથી રેકોર્ડેડ વીડિયોના માધ્યમથી નિધિ મહા અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઇને સમર્પણ યજ્ઞમાં આહુતિ આપવા પ્રેરક સંદેશ પાઠવ્યો હતો.
ઘોઘાવદર સ્થિત દાસીજીવણની જગ્યાના મહંત શામળદાસજી બાપુએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. આર.એસ.એસ.ના ક્ષેત્ર સંઘચાલકજી જેન્તીભાઇ ભાડેસીયાએ કાર્યક્રમના પ્રારંભે રામ મંદિર નિર્માણ કાર્ય અને અભિયાનની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ સમર્પણ અભિયાન રાજકોટ મહાનગર અંતર્ગત ખાસ નિમંત્રિત શ્રેષ્ઠીઓએ સમર્પણ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ તકે દાતાશ્રીઓને સન્માનીત પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, આર.એસ.એસ. પ્રાંત સંઘચાલકજી મુકેશભાઇ મલકાણ, વી.એચ.પી. સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ હરીભાઇ ડોડીયા, વી.એચ.પી. દક્ષિણ પ્રાંતના અધ્યક્ષ દિનેશભાઇ નાવડીયા, આર.એસ.એસ. પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણી, બીન અનામત આયોગના પૂર્વ ચેરમેનશ્રી હંસરાજભાઇ ગજેરા, વી.એચ.પી. રાજકોટના અધ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, અગ્રણી અને ગુજરાત સ્વાગત સમિતિના અધ્યક્ષ મૌલેશભાઇ ઉપાણી, કાર્યાધ્યક્ષ રામભાઇ મોરડીયા, રાજુભાઈ ધ્રુવ, સાંઇરામ દવે સહિત રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat