રૂા. ૭૦૦ કરોડના ખર્ચે સરખેજ – ગાંધીનગર રોડ સીક્સલેન અને રૂા. ૨૫૦૦ કરોડના ખર્ચે અમદાવાદ – રાજકોટ હાઇવે સિકસ લેન બનશે – નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પાછલા દોઢ દાયકામાં ગુજરાતમાં સર્વગ્રાહી વિકાસના અનેકવિધ કામો પારદર્શિતા-ત્વરિતતાથી આ સરકારે કર્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રામાણિક શાસનમાં વિકાસ કામો-જનહિત કામો માટે નાણાં વપરાયા છે. વ્યય કે ભ્રષ્ટાચાર થયા નથી જ. પ્રજાના પૈસા પ્રજા માટે જ વપરાય, છેવાડાના માનવીના કલ્યાણ માટે વપરાય અને વચેટિયા મૂક્ત શાસન થાય તેવું ઇમાનદારીનું શાસન અમે આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બોપલ એસ.પી. રિંગ રોડ પર રૂા. ૮૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૧.૪ કિ.મી. લાંબા ફ્લાય ઓવર બ્રિજનું પ્રજાર્પણ કર્યું હતું.
તેમણે બોપલ પોલીસ મથકના નવિનીકરણ પામેલા ભવનનું પણ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું.
આ ફ્લાય ઓવરને શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર – વકીલ સાહેબ ફલાય ઓવર બ્રિજ નામાધિધાન કરવામાં આવ્યું છે. શ્રી વકીલ સાહેબના જન્મશતાબ્દી વર્ષે આ ભેટ અમદાવાદ નગરજનોને આપવા માટે તેમણે ઔડા અને પાલિકા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે, સરકારે રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના શહેરો સાથે સ્પર્ધા કરી શકે તેવા સ્માર્ટ બનાવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ગામડાંઓને પણ શહેરી સુવિધા આપવા રૂર્બન કોન્સેપ્ટની સફળતાની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત એક માત્ર રાજ્ય છે જ્યાં ૧૭૦ નગરપાલિકાઓમાં સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની સુવિધાઓ વ્યાપકપણે વિસ્તારીને સર્વગ્રાહી વિકાસ સાધ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ શહેરોના સમ્યક વિકાસ માટે રાજ્ય સરકારે કોમન જી.ડી.સી.આર. જાહેર કરીને સમાન નિયમો, પારદર્શીતાનો અહેસાસ કરાવ્યો છે તેની છણાવટ કરી હતી.
તેમણે ફાયનલ થયેલી ટી.પી. સ્કીમમમાં બાંધકામ પરવાનગીની સરળતા કરી આપી છે અને ક્યાંય કોઇ પૈસો ખોટો આપ્યા વિના બાંધકામ થાય તેવો હેતુ સુનિશ્ચિત કર્યો છે તેમ જણાવ્યું છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, અમે જ્યાં માનવી ત્યાં સુવિધા અને સંશાધનો પર પ્રથમ હક્ક ગરીબો-વંચિતોનોનો એવા ભાવ સાથે શાસન દાયિત્વ નિભાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વિકાસ કામોની આલોચના કરતા તત્વોને આડે હાથ લેતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અગાઉની સરકારમાં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સ્વયં કહેતા કે કેન્દ્રમાંથી રાજ્યને ૧ રૂપિયો ફાળવીએ પણ તે ગરીબના હાથમાં પહોચતા ૧પ પૈસા થઇ જાય છે. ‘‘અમે એવી પ્રમાણિક-પારદર્શી અને ભ્રષ્ટાચારમુકત કાર્યશૈલી અપનાવી છે કે દિલ્હીની કેન્દ્ર સરકારમાંથી હવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ ૧ રૂપિયો મોકલે અને અહિં ૧.રપ રૂપિયાના વિકાસકામો થાય છે’’ એમ શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં જે આધુનિક વિકાસ થઇ રહ્યો છે તેના મૂળમાં રાજ્યના વૈશ્વિક વિકાસ માટેની શ્રી નરેન્દ્રભાઇની દીર્ઘદ્દષ્ટિ રહેલી છે.
તેમણે અમદાવાદ મહાનગરને વધુ સુવિધાસભર બનાવવામાં ઔડા-મહાપાલિકાને રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરશે તેમ પણ ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જીવંતપર્યંત રાષ્ટ્ર સેવા કરનાર રાષ્ટ્ર સેવક લક્ષ્મણરાવ ઇનામદાર – વકીલ સાહેબ સાથે બોપલ ફ્લાય ઓવરનું નામ જોડવા માટે ઔડા તેમજ વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાજ્યના તમામ શહેરોના વિકાસ માટે સવિશેષ અનુદાન આપવામાં આવે છે તે અંતર્ગત બોપલના આ ફ્લાય ઓવર માટે ૬૫ કરોડ આપવામાં આવ્યા છે. તેમજ અમદાવાદ શહેરને પ્રજાલક્ષી કામો એવા પાણી, રસ્તા, ગટર, આરોગ્ય જેવા કામો માટે રૂા. પ૦૦ કરોડથી વધુ રકમ અનુદાનિત કરાઇ છે.
નાયબ મુખ્ય મંત્રીશ્રી એ જણાવ્યું કે, રાજ્યના માર્ગ – મકાન વિભાગની વિનંતીથી કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રીશ્રીએ સરખેજ થી ગાંધીનગરના અતિ વ્યસ્ત ટ્રાફિકના નિવારણ માટે સીક્સ લેન રોડ તેમજ ફ્લાય ઓવર માટે રૂા. ૭૦૦ કરોડ મંજૂર કર્યા છે. આ જ રીતે અમદાવાદથી રાજકોટના રસ્તા સિકસ લેનથી રૂા. ૨૫૦૦ કરોડના ખર્ચે ટૂંક સમયમાં જોડાશે. જેનો લાભ સૌરાષ્ટ્ર સહિત સૌને મળશે.
પૂર્વ મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં શહેરી વિસ્તારોને વધુ જનસુવિધા લક્ષી બનાાવવા પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્દષ્ટીનું પરિણામ છે. જનસુખાકારીની સુવિધાઓની સાથે તેને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણાં સૌની છે. પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા સૌને અપિલ કરી હતી.
ઔડાના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ઔડાએ અમદાવાદ શહેરી વિસ્તારની આસપાસ અનેક વિકાસના કામો કર્યા છે. ૧૮૫૬ ચો.કિમી.ના વિસ્તારમાં વિકાસ સાથે ૩૪ ટી.પી. સ્કીમો, એફોર્ડેબલ હાઉસ, ૩૩ કિમી.ના રસ્તાઓ, બગીચાઓ સહિત અનેક પ્રજાલક્ષી કાર્યો કર્યા છે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી, વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લ્ભભાઇ કાકડિયા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, સંસદીય સચિવ શ્રી બાબુભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ, કલેક્ટર શ્રીમતી આવંતિકાસિંઘ, મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર, ઔડાના સી.ઇ.ઓ. શ્રી એ.બી. ગોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat