મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મુલાકાત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ શ્રી ડૉ. રામશંકર કથેરિયાએ ગાંધીનગરમાં લીધી હતી.
શ્રી કથેરિયા અનુસૂચિત જાતિઓના વિકાસ માટેની યોજનાઓ સહિતની બાબતોની રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક માટે ગાંધીનગર આવેલા છે.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠક દરમિયાન તેમણે ગુજરાતમાં અનુસૂચિત જાતિઓના સર્વગ્રાહી વિકાસ માટે બજેટમાં થયેલી ઉત્તરોત્તર વધુ ફાળવણીની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી કથેરિયાને ગુજરાતમાં છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા અનુસૂચિત જાતિના પરિવારોના સંતાનોને શહેરોમાં અભ્યાસ-આવાસની સુવિધા પૂરી પાડતી સમરસ હોસ્ટેલની સંપૂર્ણ સફળતાથી વાકેફ કર્યા હતા.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષશ્રીએ આ સમરસ હોસ્ટેલ સુવિધાઓ અંગે માહિતી મેળવવામાં ઊંડો રસ દાખવ્યો હતો અને અન્ય રાજ્યો માટે આ યોજના માર્ગદર્શક બની રહેશે તેમ પણ ઉમેર્યુ હતું.
ગુજરાતમાં અનુસૂચિત જાતિના પરિવારો-કુટુંબોના સર્વાંગી ઉત્કર્ષની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા.
આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, સામાજિક ન્યાય અધિકારીતાના અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલ તેમજ સંયુકત સચિવ શ્રી ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા
Source: Information Department, Gujarat