રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટનો જ્ઞાન પ્રબોધિની દીક્ષા ગ્રહણ સમારંભ યોજાયો હતો. જેમાં જરૂરિયાતમંદ પરિવારોના ૧૮ તેજસ્વી બાળકોને શિક્ષણની દીક્ષા અપાઇ હતી.
૧૯૯૪ની સાલમાં અકાળે અવસાન પામેલા પુત્ર સ્વ. પુજિતના સંસ્મરણો આ પ્રસંગે વાગોળતાં મુખ્યમંત્રીશ્રી ભાવુક થઇ ગયા હતા. સમૃધ્ધો અને વંચિતો વચ્ચે સમન્વય સાધવાનો શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટનો ઉદાત્ત આશય વર્ણવતાં મુખ્યમંત્રીશ્રીએ સ્વ. પુજિતનું અવસાન સામાજિક ઉત્તરદાયિત્વ માટે નિમિત્ત બન્યું તે બાબતે સંતોષ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ ઉચ્ચ અભ્યાસમાં જોડાતા પ્રત્યેક બાળક થકી પૂર્ણ સંતોષ મળ્યાની નિખાલસ કબૂલાત કરી હતી. ૧૯૯૫થી શરૂ થયેલી પુજિત રૂપાણી ટ્રસ્ટની પ્રવૃત્તિઓ થકી ૨૦૧૭ સુધીમાં નેવું છાત્રો અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરી સમાજની મુખ્ય ધારામાં જોડાયા છે, એ વાતનો મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ ઉલ્લેખ કર્યો હતો.
ટ્રસ્ટના નેજા હેઠળ છેવાડાના બાળકો દીક્ષા મેળવી સમાજનું અંધારૂ ઉલેચવાના કાર્યમાં સહભાગી બની રહયા છે, તે વાતનો સાત્વિક આનંદ મુખ્યમંત્રીશ્રીએ દોહરાવ્યો હતો. વ્યકિતની પ્રગતિથી સમગ્ર સમાજ ઉપર ઉઠશે એવો આશાવાદ પણ તેમણે આ તકે વ્યકત કર્યો હતો.
પ્રત્યેક બાળકમાં રહેલાં પ્રભુના અંશને ઉજાગર કરી પ્રગતિના ઉચ્ચ શિખરો તરફ પ્રેરિત કરવાની શુભેચ્છા મુખ્યમંત્રીશ્રીએ ટ્રસ્ટના બાળકોને પાઠવી હતી.
જાણીતા ફિલ્મી કલાકાર અને સંસદસભ્ય શ્રી પરેશભાઇ રાવલે તેમના લાક્ષાણિક પ્રતિભાવો રજૂ કરતાં હસતા બાળકને ચાર ધામની યાત્રાના પુણ્ય સમાન ગણાવ્યું હતું અને આવા કાર્યક્રમમાં સહભાગી બનાવવા બદલ આયોજકોનો આભાર માન્યો હતો. કચરો વીણતા બાળકોને સમાજની મુખ્ય ધારામાં ભેળવવાના કામને શ્રી રાવલે સમાજોધ્ધારક ગણાવ્યું હતું અને સંસ્થાને આવા પુણ્યશાળી કાર્ય બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
રાષ્ટ્રીય કક્ષાની એડવાન્સ જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ(જેઇઇ)માં પાસ થનાર ટ્રસ્ટના છાત્ર શ્રી બીરેન કારેણાને મુખ્યમંત્રીશ્રી રૂપાણી તથા પરેશ રાવલે લેપટોપ એનાયત કરી સન્માનિત કર્યો હતો. રાજકોટના શિક્ષણક્ષેત્રના અગ્રણીઓશ્રી કૃષ્ણકાંત ધોળકિયા, રશ્મિકાંત મોદી, અપૂર્વ મણિયાર, હર્ષિદાબેન આરદેશણા, રશ્મિબેન બગથરીયા, દર્શિત જાની, નીરેન જાની, વિલાસભાઇ ગોસ્વામી વગેરેનું મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ સ્મૃતિચિન્હ આપી બહુમાન કર્યું હતું.
સાંસદશ્રી પરેશ રાવલના હસ્તે રીમોટ કંટ્રોલથી કાર્યક્રમનો દિપપ્રાગટય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આમંત્રિતોનું શાાલ તથા પુસ્તકથી સન્માન કરાયું હતું. ટ્રસ્ટના સભ્યશ્રી અરવિંદભાઇ બગડાઇએ સ્વાગત પ્રવચનમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. જેની ડોકયુમેન્ટ્રી પણ પ્રસારિત કરવામાં આવી હતી. સંસ્થાના શ્રી અમીનેશ રૂપાણીએ પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થા દ્વારા ચલાવાતા વિવિધ પ્રોજેકટસની વિગતો પુરી પાડી હતી.
અગ્નિની સાક્ષીએ પ્રાર્થના તથા શાંતિ મંત્રના શાસ્ત્રોકત ઉચ્ચારણ સાથે જરૂરિયાતમંદ પરિવારોના ૧૮ બાળકોને શૈક્ષણિક દીક્ષા આપવામાં આવી હતી.
કાર્યક્રમના સમાપન સમયે અતિવૃષ્ટિનો ભોગ બનનારા મૃતકોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું તથા વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મ્યુનિ. ફાઇ. બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, ગૌસેવા આયોગના અધ્યક્ષ ડો. વલ્લભ કથીરિયા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષશ્રી રાજુભાઇ ધ્રુવ, ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયા, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, કલેકટર ડો. વિક્રાંત પાંડે, પોલિસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલૌત, પોલીસ અધિક્ષકશ્રી અંતરિપ સુદ, શહેર ભાજપ અધ્યક્ષશ્રી કમલેશ મીરાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શહેરની ખાનગી તથા સરકારી શાળાના આચાર્યો તથા સંચાલકો, સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.
Source: Information Department, Gujarat