Latest News

Guj CM performs ritual of holy-offerings and tree-plantation at the newly-built Atal Sarovar in Rajkot

  રાજકોટના સપૂત અને રાજયના લોક લાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગત મે મહિનામાં લોક સહયોગથી રાજયમાં વિશાળમાત્રામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરાયું હતું તેજ રીતે ગુજરાતને ગ્રીન બનાવવા ઓગષ્ટ માસમાં પ્રજાજનોના વ્યાપક સહયોગ મેળવીને વૃક્ષારોપણનો ધનિષ્ઠ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. તળાવોના કાંઠા સહિત વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાશે. ચાલુ વર્ષે ગુજરાતમાં દસ કરોડ વૃક્ષોનું વાવેતર કરવાની નેમ છે.

  આજે આપણે વિજળીમાં સરપ્લસ છીએ. પાણીમાં આપણે સરપ્લસ થવા માંગીએ છીએ. પાણી માટે રાજય સરકારે પાંચ વર્ષનું આયોજન કરેલ છે. પાણીના દુષ્કાળને ભુતકાળ બનાવવા માટે તે દિશામાં આગળ વધી રહયા છીએ. પાણીના હયાત સ્ત્રોનો વિકાસ અને નવા સ્ત્રોતોનો વિકાસ કરાશે. રાજયમાં જોડીયા, દહેજ, કચ્છ સહિતના સાત જેટલાં સ્થળોએ દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટ સ્થાપવામાં આવી રહયા છે.

  મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે., આપણે સુજલામ સુફલામ જળ અભિયાન દરમિયાન સરકારની સાથે લોકોના પુરૂષાર્થ દ્વારા ૧૮ હજાર જેટલાં જળ સંગ્રહોના કામો થયા છે. અને ૧૩ હજાર લાખ ધન મીટર માટીનું ખોદકામ કરીને પાણીની સંગ્રહશકિત વધારવામાં આવી છે.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે મહાનગરપાલિકા રાજકોટ અને વન વિભાગના સંયુકત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં રેસકોર્ષ – ર ખાતે વૃક્ષારોપણ અને અટલ સરોવરના નવા નીરની પૂજનવિધિ કર્યા બાદ આયોજીત સમારોહમાં ઉદબધોન કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએવધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનો વિવિધ ક્ષેત્રે વિકાસ કરવા સરકારી આગળ વધી રહી છે. બુલેટ ટ્રેઇનનું કામ, ધોળાવીરા તથા કચ્છનું સફેદ રણ આકર્ષણ કેન્દ્ર બને સાપુતારાનો હિલ સ્ટેશનનો વિકાસ કરવા, જંગલોનો વિકાસ કરવા, તથા વન્ય પ્રાણીઓને સંરક્ષણ , રાજયના યાત્રાધામોનો વિકાસ સહિતના વિવિધ વિકાસના પ્રોજેકટોમાં સરકાર આગળ વધી રહી છે

  મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજકોટને આધુનિક વલ્ડ કલાસ સીટી અને હેપીનેસ ઇન્ડેક્ષ પ્રકારનું બનાવવા રાજય સરકાર અને મહાનગરપાલિકા આગળ વધી રહેલ છે. અટલ સરોવરનો રૂ. ૪૦ કરોડના ખર્ચે શહેરનું નઝરાણું અને તે રીતે વિકાસ કરાશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, રેસકોર્ષ – ર ખાતે શહેરનું પર્યાવરણ સુધરે તેવા ઉદેશથી અંદાજે ૧૪ જાતના વૃક્ષોનું વાવેતર બે હરોળ વચ્ચે ૭.૫ મીટરના અંતર અને બે વૃક્ષ વચ્ચે ૪ મીટરનું અંતર રાખી આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમનો શુભારંભ કરાયેલ છે. આ જગ્યાની ચારે તરફ અંદાજે ૧૧૧૧ વૃક્ષોનું વાવેતર કરાશે. અને બાદમાં અન્ય ભાગોમાં વિવિધ હરીયાળી ઉભી કરાશે.

  રાજકોટ નગરપાલિકા દ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત રેસકોર્ષ – ર માં આવેલ તળાવ અટલ સરોવર આધુનિક રાજકોટ બનાવવા આંતર રાષ્ટ્રીય એરપોર્ટ, નવું આધુનિક બસ સ્ટેશન, મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં મહાત્મા ગાંધીજીના વિચારોના પ્રસાર માટે મ્યુઝીયમ, રાજકોટ નજીક ખીરસરામાં નવી જી.આઇ.ડી.સી. , જામનગર રોડ ઉપર કન્ટેનર ડીપો વગેરે બનાવી રહયા છે.

  તેમણે આ તકે રાજકોટ શહેરને ગ્રીન સીટી બનાવવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહયોગ આપવા શહેરીજનોને અપીલ કરી હતી.

  આજે મુખ્યમંત્રીશ્રી સાથે વૃક્ષારોપણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ જોડાઇ હતી.

  મેયર શ્રીમતિ બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરને રેસકોર્ષ – ર અને અટલ સરોવરનું નઝરાણું આપ્યુ છે. આ રેસકોર્ષમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. અટલ સરોવરનું રૂ. ૪૦ કરોડના ખર્ચે વિકાસ કરાશે. તેમણે રાજકોટ શહેરના વિકાસ માટે મહાનગરપાલિકા કટીબધ્ધ હોવાનું જણાવીને વિવિધ હાથ ધરાનાર પ્રવૃતિઓનો ખ્યાલ આપ્યો હતો.

  પ્રારંભમાં સ્વાગત પ્રવચન સ્થાયી સમિતિના ચેરમેન શ્રી ઉદયભાઇ કાનગડે કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજકોટ અને રાજયને વિવિધ વિકાસના અપાયેલ પ્રકલ્પોની વિસ્તૃત માહિતી આપી હતી.

  મ્યુનિ. કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીએ રેસકોર્ષ – ર માં હાથ ધરાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમ અને અટલ સરોવરના વિકાસની વિગતો આપીને રાજકોટ શહેરમાં ૫૦ હજાર વૃક્ષોનું વાવેતર કરાશે તેમ જણાવ્યું હતું.

  આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો સર્વ શ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, શ્રી લાખાભાઇ સાગઠીયા, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, શ્રી નિતીનભાઇ ભારદ્રાજ , ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપા પ્રમુખ શ્રી કમલેશભાઇ મિરાણી, પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, નાયબ મેયર શ્રી અશ્વિનભાઇ, પૂર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, શ્રી જયોતિન્દ્રભાઇ મહેતા, શ્રી નલિનભાઇ વસા, કલેકટરશ્રી રાહુલ ગુપ્તા , પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, શહેર ભાજપાના હોદેદારો, શ્રી નેહલ શુકલ, શ્રી મેહુલભાઇ રૂપાણી, શ્રી મહેશભાઇ ચૌહાણ, શ્રી ડી.વી.મહેતા, શ્રી અજયભાઇ, શ્રી રાજુભાઇ ધ્રૃવ, શાશક પક્ષના નેતા શ્રી દલસુખભાઇ, મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેન, કોર્પોરેટરો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ, વિદ્યાર્થીઓ, અને મોટી સંખ્યામાં નાગરિક ભાઇ – બહેનો ઉપસ્થિત રહયા હતા.

  Source: Information Department, Gujarat