Latest News

A high-level meeting was held in Gandhinagar on a comprehensive review of the situation following heavy rains across the state and the rescue and relief measures taken by the administration

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન અને નિગરાનીમાં સમગ્ર તંત્ર સતત એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જ છે.

    આ સંદર્ભમાં પ્રવક્તા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સહભાગી થયાં હતાં.

    મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે ભારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરીને તેમના જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી.

    અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, પાણીમાં ફસાયેલા લોકોને NDRF અને SDRFની મદદથી બહાર કાઢવા સહિતની વિગતો તેમણે સંબંધિત કલેક્ટરો પાસેથી જાણી હતી.

    આ બેઠકમાં સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

    બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે,અત્યાર સુધીમાં રાજ્યના 8 જિલ્લાઓના 12644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાઓના 822 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

    અસરગ્રસ્ત જિલ્લાઓમાં આશ્રય સ્થાનોમાં જે લોકો આશ્રય લઈ રહ્યા છે તેમના માટે ફૂડ પેકેટ, મેડિકલ ટીમ વગેરેની વ્યવસ્થાઓ પણ સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે તેની પણ વિગતો મંત્રીશ્રી ઋષિકેશ ભાઇ પટેલે મેળવી હતી.

    આ અંગે જે તે જિલ્લાઓ માં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ નો સહયોગ લેવા પણ તેમણે કહ્યું હતું.

    ભારે વરસાદને કારણે રાજ્યમાં હાઇવે તથા પંચાયત માર્ગોને જે અસર પડી છે ત્યાં મરામત કામગીરી ત્વરાએ હાથ ધરી સ્થિતિ પૂર્વવત કરવામાં મંત્રીશ્રીએ સૂચનો કર્યાં હતાં.

    તેમણે કેન્દ્રીય હવામાન વિભાગના ડિરેકટર પાસેથી રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના અને હવામાનની સંભવિત સ્થિતિ ની જાણકારી પણ લીધી હતી.

    પ્રવકતા મંત્રીશ્રીએ અસર ગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો, પીવાના પાણી અને રોડ કનેક્ટિવિટી ને જ્યાં અસર પહોંચી છે તે ઝડપ ભેર પૂર્વવત કરવા બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ સચિવોને સૂચનો કર્યા હતા.

    Source: Information Department, Gujarat