“ગુજરાતની ડબલ એન્જિન સરકાર ડબલ સ્પીડ સાથે કામ કરી રહી છે”
“અમારા માટે, દેશનો વિકાસ એ મજબૂત ઈચ્છાશક્તિ અને પ્રતિબદ્ધતા છે”
“સાંપ્રદાયિકતાનો સાચો અર્થ એ છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોય”
“અમે ઘરને માત્ર માથા પરની એક છત સુધી સીમિત ન રાખતા ગરીબી સામેના યુદ્ધ માટેનો એક મજબૂત આધાર તેમજ ગરીબોના સશક્તીકરણ અને ગૌરવનું સાધન બનાવ્યું છે”
“PMAY હેઠળ બનેલા ઘરો એ માત્ર એક યોજના નથી, ઘણી બધી યોજનાઓનું એક આખું પેકેજ છે”
“આજે, અમે શહેરી આયોજનમાં જીવનની સરળતા અને જીવનની ગુણવત્તા પર સમાન ભાર આપી રહ્યા છીએ”
“હું દેશ માટે કામ કરી શકું એ માટે દેશના ખૂણે ખૂણેથી લખપતિ દીદીઓ મને આશીર્વાદ આપે છે”
“લાઇટ હાઉસ પ્રોજેક્ટથી આવનારા સમયમાં હજી વધુ સસ્તા અને આધુનિક ઘરો લોકોને મળશે”
અમૃત આવાસોત્સવ:મહાત્મા મંદિર
રૂ. ૧,૯૪૬ કરોડના ખર્ચે નિર્મિત ૪૨,૪૪૧ આવાસોમાં નાગરિકોનો ગૃહ પ્રવેશ:
રૂ. ૨,૪૫૨ કરોડના વિવિધ પ્રકલ્પોના વડાપ્રધાનશ્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
—————————
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, પીએમ-આવાસ યોજનાએ આવાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આણ્યું છે તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થયો છે. સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે અમે મજબૂત ઈચ્છાશક્તિ અને પ્રતિબદ્ધતાના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ.
રાષ્ટ્રનિર્માણ એ અમારા માટે નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એટલે જ અમે સેવાના માધ્યમ થકી આ મહાયજ્ઞ આરંભ્યો છે. દેશના વિકાસ માટે અમે કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વિના સતત કાર્યરત રહેવાનો સંકલ્પ કર્યો છે આ બિનસાંપ્રદાયિકતાની સાચી ઓળખ અમે ઉભી કરી છે. ઘર એ આસ્થાનું પ્રતીક છે જ્યાં સપના જોવાય છે અને સાકાર પણ થાય છે, એ જ પરિવારનું ભાવિ પણ નક્કી કરે છે. ગુજરાતે ઘરના ઘરનું સ્વપ્નને દેશમાં પ્રથમ ક્રમે સાકાર કરી દેશના અન્ય રાજ્યોને દિશા આપી છે.
આજે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં ગૃહ પ્રવેશ કરનાર લાભાર્થીઓની સાથે ઘરના ઘરનું સ્વપ્ન પૂરું કરવા ભારે જહેમત અને સમયબદ્ધ કામ પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. સાથો સાથ પાણી, ઔદ્યોગિક વિકાસ, રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓના કામો માટે પણ ગુજરાત સરકારને બિરદાવી હતી.
વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વિકાસ પ્રક્રિયાએ જે પ્રકારે ઝડપ પકડી છે તે જોઇને મને ખુબ આનંદ થયો છે. ગરીબ કલ્યાણ માટે સમર્પિત ગુજરાત સરકારે આ વર્ષે ૩ લાખ કરોડનું બજેટ બનાવ્યું છે. એટલું જ નહિ, ગરીબો અને વંચિતો માટે પણ ગુજરાત સરકારે અનેક નિર્ણયો લીધા છે, જેમાં અંદાજે ૨૫ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે, અને ૨ લાખથી વધુ ગર્ભવતી મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ આવરી લેવાઈ છે. ગુજરાતમાં આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરવા વધુ ૪ મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. સાથો સાથ રાજ્યમાં આધુનિક માળખાકીય સવલતો ઉભી કરવાનું આયોજન કર્યું છે જેના પરિણામે રોજગારીની નવી તકોનું વિપુલ પ્રમાણમાં નિર્માણ થયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર ડબલ ગતિથી વિકાસના કામો કરી રહી છે. અગાઉની સરકારોમાં દેશવાસીઓને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા હતા અને દેશવાસીઓએ પણ આ સુવિધાના અભાવને સ્વીકારી લીધી હતી, પરંતુ આ નિરાશાઓમાંથી દેશ હવે બહાર આવી રહ્યો છે. અમારી સરકાર આ નિરાશા અને સુવિધાઓના અભાવને દૂર કરીને દેશવાસીઓના સ્વપ્ન સાકાર કરી રહી છે. અમારી સરકારની વિવિધ યોજનાઓ તમામ લાભાર્થીઓ સુધી પહોંચી છે. સરકારના આ વલણથી ભ્રષ્ટાચાર અને ભેદભાવ દૂર થયો છે, તેમ તેમણે ઉમેર્યું હતુ.
વડાપ્રધાન શ્રી મોદીએ ઉમેર્યું કે, અમારી સરકાર કોઈપણ જ્ઞાતિ, ધર્મ કે ઓળખાણમાં માનવાવાળી નથી, અમે તો જરૂરિયાતમંદને તેમનો હક મળે એ માટે કોઈપણ ભેદભાવ વગર સર્વને સમાન હક સાથે વિકાસની ભેટ આપીએ છીએ, તમામને સરકારી યોજનાઓમાં હક મળે એ જ નિર્ધાર સાથે અમે કાર્યરત છીએ.
તેમણે ઉમેર્યું કે, ગરીબ પરિવારની પ્રાથમિકતા શું છે? એની સતત ચિંતા કરીએ તો જ ખ્યાલ આવશે તેને શું જરૂરિયાત છે એને ધ્યાને રાખીને અમારી સરકાર આગળ વધી રહી છે એટલે જ તેઓને આ અમારી સરકાર છે એવી અનુભૂતિ થઈ રહી છે. ગરીબ પરિવારોને ઘરના ઘરનું સપનું સાકાર કરવા ગુજરાતે ૪૦ હજારથી વધુ આવાસો પૂર્ણ કર્યા છે. લોકોનો આ વિશ્વાસ અમારા પર વધી રહ્યો છે એટલે જ સમાજ અમારી પડખે છે.
તેમણે ઉમેર્યું કે, ગરીબો, વંચિતોની સેવા માટે ભૂતકાળની સરકારોનું અને અમારી સરકારનું વલણ અલગ છે. ભૂતકાળમાં ગરીબોને ઘર અપાતું તેમાં ભ્રષ્ટાચારને લીધે કોઈ સગવડો નહોતી મળતી અને આજે ઘરના ઘર સાથે વિવિધ યોજનાઓ થકી વીજળી, ગેસ સુવિધા, નળ સે જળ, શૌચાલય, પાકા રસ્તાઓ સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ, કેમ કે ઘર એ પ્રત્યેક વ્યક્તિ માટે આસ્થાનું સ્થળ છે જ્યાં સપના સાકાર થાય છે એ પરિવારનો વર્તમાન અને ભવિષ્ય નક્કી કરતું હોય છે. અમે ઘરને માત્ર માથા પરની એક છત સુધી સીમિત ન રાખતા ગરીબી સામેના યુદ્ધ માટેનો એક મજબૂત આધાર તેમજ ગરીબોના સશક્તીકરણ અને ગૌરવનું સાધન બનાવ્યું છે.
વર્ષ ૨૦૧૪ પછી અમારી સરકારે ગરીબોને ઘરના ઘર આપવા સાથે ગરીબી સામે લડવાનો નિર્ધાર કર્યો છે. પોતાનું ઘર અને તેમાં સુવિધાઓ કેવી હોવી જોઈએ તે દિલ્હી કે ગાંધીનગર નહિ પણ લાભાર્થી જાતે જ નક્કી કરે છે. આ માટેના સંપૂર્ણ નાણા પણ અમે ડી.બી.ટી દ્વારા સીધે સીધા લાભાર્થીના ખાતામાં જ જમા કરાવીએ છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનતા આવાસ એ એક યોજના સુધી સીમિત નથી, પણ તે અનેક યોજનાઓનું પેકેજ છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, પહેલા આવી સુવિધાઓ માટે લાભાર્થીએ સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હતા. આજે અમે ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધિના નિર્ધાર સાથે સામે ચાલીને ગરીબો સુધી પહોંચીને સુવિધાઓ આપીએ છીએ. આજે ગરીબોને ઘર સાથે મફત રાશન અને વિનામૂલ્યે સારવાર સહિતનું સુરક્ષા કવચ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, મહિલા સશક્તીકરણને અમે પ્રાધાન્ય આપીએ છીએ. ભૂતકાળમાં સમાજમાં મહિલાઓના નામે કોઈ મિલકત લેતું ન હતું અમે મહિલાઓને મિલકતના હક આપ્યા છે. છેલ્લા નવ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે આવાસો બનાવ્યા એમાં ૭૦ ટકા ઘર મહિલાઓના નામે નોંધાયા છે, એટલે કે પ્રથમવાર મહિલાઓના નામે મિલકત નોંધાઈ છે. માતા-બહેનોના નામે સરકારી યોજનાઓના લાભો આપીને મહિલાઓને અમે આર્થિક રીતે પગભર બનાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખોની કિંમતના આવાસ બનાવીને કરોડો મહિલાઓને અમે લખપતિ બનાવી છે. હું દેશ માટે કામ કરી શકું એ માટે દેશના ખૂણે ખૂણેથી લખપતિ દીદીઓ મને આશીર્વાદ આપે છે.
ભારતભરમાં આધુનિક ટેકનોલોજીથી સુવિધાયુક્ત આવાસોના નિર્માણ માટે લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ દેશના ૬ શહેરોની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં પણ ૧,૦૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટથી આવનારા સમયમાં હજી વધુ સસ્તા અને આધુનિક ઘરો લોકોને મળશે. રિયલ એસ્ટેટમાં સ્કીમ શરુ થાય તે વખત આવાસની ડીઝાઇન-સુવિધા આપવાની જે વાત કરાઈ હોય છે તે ડીઝાઇન-સુવિધા સ્કીમ પૂરી થાય ત્યારે આવાસમાં આવતી ન હતી. તે માટે ગુજરાતમાં રેરા કાયદાનો અમલ થયો અને ત્યારથી હવે જે નક્કી થઇ હોય તે જ પ્રકારની ડીઝાઇન-સુવિધાયુક્ત મકાન આપવું પડે છે, નહીતર જેલમાં જવું પડે. ગુજરાત સરકારે ૫,૦૦,૦૦૦ પરિવારોને વ્યાજ સહાયરૂપે રૂ. ૧૧,૦૦૦ કરોડની મદદ કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ એટલે કે અમૃતકાળમાં દ્વિસ્તરીય અને ત્રીસ્તરીય શહેરો વિકાસને વધુ ગતિ આપશે. ભારતના ૫૦૦ શહેરોને અમૃત મિશન હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જ્યારે ૧૦૦ શહેરોને સ્માર્ટ સીટી મિશન અંતર્ગત સમાવી લઈને આધુનીક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ શહેરોમાં ક્વોલીટી ઓફ લાઈફ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે, અમે શહેરી આયોજનમાં જીવનની સરળતા અને જીવનની ગુણવત્તા પર સમાન ભાર આપી રહ્યા છીએ. શહેરોને મેટ્રો જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે.
દેશમાં વર્ષ ૨૦૧૪ પહેલા માત્ર ૨૫૦ કિલોમીટરનું જ મેટ્રો રેલ નેટવર્ક હતું તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૯ વર્ષમાં ૬૦૦ કિલોમીટર મેટ્રો રેલ નેટવર્ક ઉભું કરીને ભારતના ૨૦ શહેરોમાં નાગરીકો માટે મેટ્રોની શ્રેષ્ઠ સુવિધા શરુ કરી છે. ગુજરાતમાં પણ અમદાવાદ ખાતે મેટ્રોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેને આગામી સમયમાં ગાંધીનગર લીંક સીટી સાથે જોડવામાં આવશે. આ સુવિધાના પરિણામે શહેરોમાં વધતા ટ્રાફિકમાં ઘટાડો થયો છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન માટે ઈ-બસોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવીને પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે. શહેરોની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ ઉતરોત્તર સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે, જેના પરિણામે ગ્રામીણ જીવન ધોરણ ઊંચું આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, અગાઉ દેશમાં ઉત્પાદન થતા કુલ કચરાના માત્ર ૧૫ ટકાનો નિકાલ થતો હતો, જેથી શહેરોમાં કચરાના ડુંગરો ખડકાતા હતા. જ્યારે અત્યારે અમારી સરકારના યોગ્ય આયોજન થકી ૭૫ ટકા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે, જેથી સ્વચ્છતાની સાથે આરોગ્ય પણ જળવાઈ રહે છે. ગુજરાતે વોટર મેનેજમેન્ટ અને વોટર ગ્રીડ ક્ષેત્રે પણ ઉત્તમ કામગીરી કરી છે. લાખો કિલોમીટરની પાઈપલાઈન દ્વારા ૧૫ હજાર ગામો અને ૨૫૦ જેટલા શહેરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડીને દેશમાં ગુજરાત પાણી ક્ષેત્રે ઉત્તમ મોડલ પ્રસ્થાપિત થયું છે. આ ઉપરાંત ગુજરાતે અમૃત સરોવર નિર્માણમાં પણ નોંધપાત્ર કામગીરી કરીને પાણી સંચય માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે.
રાષ્ટ્રનિર્માણમાં વિકાસની ગતિને સતત આગળ વધારીને વિકાસના નવા-નવા સંકલ્પો સાથે ભારત અને ગુજરાતને વધુને વધુ ગતિવાન-સમૃદ્ધ બનાવવાનો અનુરોધ કરીને વડાપ્રધાનશ્રીએ તમામ લાભાર્થીઓને સપનાના નવીન ઘર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાનશ્રીના હસ્તે આ પ્રસંગે પ્રતીકાત્મકરૂપે ગાંધીનગર, વડોદરા, જૂનાગઢ, સુરત, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની લાભાર્થી બહેનોને નવીન આવાસ-ઘરની ચાવી અર્પણ કરી હતી.
વડાપ્રધાનશ્રીએ આ પ્રસંગે સુરત, ભાવનગર, આનંદ, રાજકોટ અને છોટાઉદેપુરની લાભાર્થી બહેનો સાથે ઈ-સંવાદ યોજીને આવાસો અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
એક સાથે ૪ર હજાર આવાસોમાં લાભાર્થીઓના ગૃહપ્રવેશ ઉપરાંત આવાસોના લોકાર્પણ તથા ખાતમૂર્હતના આ પ્રસંગને આવાસ-અમૃત-મહોત્સવ ગણાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને એક પાણી પૂરવઠા, ભૂગર્ભ ગટર યોજના, માર્ગો-પુલો અને શહેરી વિકાસ સુવિધાઓનાં કામો સહિત એક જ દિવસમાં ૪૧ હજાર આવાસો સાથે કુલ ૪૩૯૮ કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અગાઉ તો ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને પોતાનું મકાન ખરીદવું એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું હતું, પણ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ ગરીબોનું એમ્પાવરમેન્ટ કરી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસના મંત્ર સાથે વિકાસની મુખ્ય ધારામાં તમામ સમાજ વર્ગોને જોડવાનું કામ ઉપાડ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ ગરીબો, વંચિતો અને સામાન્ય માનવી, મધ્યમ વર્ગોને માથે આવાસ છત્ર આપવાના સંકલ્પ સાથે દેશભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા કરોડો લોકોને પોતીકા ઘરનો સધિયારો આપ્યો છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શહેરી વિસ્તારોમાં ૮.૭૫ લાખ મકાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૪ લાખથી વધુ આવાસો પૂરા કર્યા છે. ર૦૧૯ અને ર૦રર એમ બે વર્ષોમાં શહેરી ક્ષેત્રોમાં PMAYની શ્રેષ્ઠ કામગીરી માટે કુલ ૧૩ એવોર્ડ પણ મેળવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશના અમૃતકાળનો આ સમય ફિઝીક્લ એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મહત્વનો છે. ગુજરાતે વડાપ્રધાનશ્રીએ કંડારેલા માર્ગ પર ચાલતા રૂપિયા ૩ લાખ કરોડનું રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વિકાસના પંચ સ્થંભ સાથે આપ્યું છે, જેમાં રાજ્યમાં વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા આવનારા પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન છે.
મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમને દેશના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાત આ અમૃતકાળમાં આગેવાની લેવા સજ્જ છે એની પ્રતીતિ કરાવતો વિકાસ ઉત્સવ ગણાવ્યો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી દેશનો આ અમૃતકાળ રાજ્યના હોલિસ્ટીક ડેવલપમેન્ટનો અમૃતકાળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સ્વાગત પ્રવચન કરતાં ગ્રામિણ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે રૂ. ૧૯૪૬ કરોડના ૪૨,૪૪૧ આવાસોના ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રૂ. ૨૪૫૨ કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી છે, જે રાજ્યની વિકાસની વણથંભી વણઝારમાં વિકાસનું એક નવું સોપાન પૂરવાર થશે.
તેમણે ઉમેર્યું કે, દેશના આ એવા પહેલા વડાપ્રધાન છે કે જેમણે ખેડૂતોની આવક બમણી કરવાનો તેમજ વર્ષ ૨૦૨૪ સુધી પ્રત્યેક ઘર વિહોણાને પાકા મકાન પૂરા પાડવાનો અને પ્રત્યેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના દૂરંદેશી વિઝનથી દેશના ગામડાઓમાં ગોબરધન યોજનાથી ગ્રામજનોની આર્થિક સ્થિતિમાં સુધારા સાથે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટેની જબરદસ્ત ક્રાંતિનો શુભારંભ થઇ ચૂક્યો છે, જે દેશના વિકાસને નવી રાહ ચીંધશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસ મંત્ર “સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ” થકી દેશ વિકાસના ઐતિહાસીક તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. આ વિકાસપથ પર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર વિકાસકૂચને આગળ વધારી રહી છે.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૧,૯૪૬ કરોડના ખર્ચે નિર્મિત ૪૨,૪૪૧ આવાસોમાં નાગરિકોનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, તેમજ રૂ. ૨૪૫૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ શ્રી સી.આર.પાટીલ, મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, સનદી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ સહભાગી થયા હતા.
Source: Information Department, Gujarat