Latest News

Chief Minister and Deputy Chief Minister held a high level meeting Comprehensively reviewed the health status of the state

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં કોરોના વાયરસ સંદર્ભે રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવશ્રી અનિલ મૂકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, સચિવશ્રી અશ્વિનીકુમાર, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે તેમજ પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી વિજય નેહરા, અમદાવાદ કલેકટર શ્રી કે. કે. નિરાલા, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના વાયરસ જેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પેન્ડેમિક જાહેર કરેલ છે તે સંદર્ભમાં ચર્ચા – વિચારણા હાથ ધરવામાં આવી હતી.

    આ બેઠકમાં લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણયોની જાણકારી આપતાં મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ અને આરોગ્ય અગ્ર સચિવશ્રી ડો. જયંતિ રવિ એ જણાવ્યુ કે, રાજ્યમાં શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે. શિક્ષકો પ્રાધ્યાપકો, અધ્યાપકો અને બિન શૈક્ષણિક સ્ટાફને હાજરી આપવાની રહેશે. હાલમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે.

    રાજ્યમાં તમામ સ્વિમિંગ પૂલ અને સિનેમા હોલ તાત્કાલિક અસરથી તા. ૨૯ માર્ચ સુધી બંધ રાખવાના રહેશે. રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો ૫૦૦ રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ અનુરોધ કર્યો છે.

    તેમણે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, આ પેન્ડેમિક વિશ્વના ૧૧૨ દેશોમાં ફેલાયેલા છે ચીન, કોરિયા, ઈરાન, ઇટલી, જર્મની, ફ્રાન્સ અને સ્પેન આ રોગોથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલ છે. ભારતમાં આ રોગના કુલ ૯૩ કેસ અને ૨ મરણ નોંધાયેલ છે. ગુજરાત રાજ્યના રોગનો એક પણ કેસ નોંધાયેલ નથી. તેમણે વધુમાં કહ્યું કે, અત્યાર સુધી આરોગ્યની ટીમ અને જિલ્લાની ટીમ દ્વારા સર્વેલન્સ, રોગ અટકાયતી પગલાની વિવિધ કામગીરી કરવામાં આવેલ છે. દેશના ઘણા રાજ્યોમાં આ વાયરસના પોઝિટિવ કેસો જણાવેલ છે. જેમાં ગુજરાતના પડોશી રાજ્યો જેવા કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી કે જ્યાંથી ગુજરાતમાં અનેક વ્યક્તિઓની અવરજવર રહેતી
    હોય છે,. આ બાબતની વિસ્તૃત ચર્ચા હાથ ધરી આ બેઠકમાં હાજર આરોગ્ય તજજ્ઞો તેમજ ભારત સરકાર અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન વખતની માર્ગદર્શિકાઓના ધ્યાને લઇને આ વાઇરસનો ચેપ ગુજરાતમાં પ્રવેશે નહીં તેની કાળજી લેવી જરૂરી હોઇ તેમજ અન્ય રાજયોમાંથી આવતાં વ્યક્તિઓ દ્વારા રાજ્યમાં આ વાયરસ ફેલાય નહીં તેની વિશેષ કાળજી લેવા જરૂરી સૂચનાઓ પાઠવવામાં
    આવી હતી.

    તેમણે જણાવ્યું કે, આ બેઠકમાં તમામ સરકારી હોસ્પિટલમાં રોગના વાયરસના સંભવિત સંક્રમણને પહોંચી વળવા માટેની તૈયારીની સમીક્ષા કરવામાં આવેલ. જેમાં અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરી જેવી કે, વિદેશથી આવતા વ્યક્તિઓનું સ્ક્રિનિંગ, અસરગ્રસ્ત દેશોમાંથી આવેલ વ્યક્તિઓનું ૨૮ દિવસ સુધી નિરીક્ષણ, લેબોરેટરી પરીક્ષણની સુવિધા ઉભી કરવામાં  આવી છે.

    આરોગ્ય અગ્ર સચિવશ્રીએ ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલ પગલાંની વિગત આપતા કહ્યું કે, તા. ૧૬ માર્ચ, ૨૦૨૦ સોમવાર થી તા. ૨૯ માર્ચ, ૨૦૨૦ સુધી રાજ્યમાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે, શાળા, કોલેજો, ખાનગી ટ્યૂશન ક્લાસીસ, આંગણવાડી વગેરેમાં શૈક્ષણિક કાર્ય મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ બિન શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે અને શિક્ષકો તથા અન્ય કર્મચારીઓએ નિયમિત રીતે આ સમય દરમિયાન હાજર રહી બિન શૈક્ષણિક કામગીરી કરવાની રહેશે. આ બાબતે જે તે વિભાગ તરફથી આદેશ કરવામાં આવશે.

    ધોરણ-૧૦ અને ધોરણ- ૧૨ ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓની કારકિર્દીના હિતને ધ્યાનમાં રાખી યથાવત રીતે ચાલુ રહેશે. કોરોના વાઇરસનો ચેપ સામાન્ય રીતે સંક્રમિત વ્યક્તિના કે વસ્તુના સંપર્કમાં આવવાથી લાગતો હોય છે ત્યારે જ સંક્રમિત વ્યક્તિના જાહેરમાં થૂંકવાના કારણે આ રોગ થવાની શક્યતા રહેલી છે જે ધ્યાને લઇ રાજ્ય સરકારે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરેલ છે. જો કોઇ વ્યક્તી જાહેરમાં થૂંકતા પકડાશે તો રૂા. ૫૦૦/- ના દંડની ભરપાઇ કરવાની રહેશે. આ માટેની કામગીરી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે. તમામ ખાનગી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓને સરકારશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે કે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હોય તે હાલ મોકૂફ રાખવામાં આવે.

    આ બાબત ધ્યાને લઇને રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે જે મુજબ આગામી સમયમાં રાજ્યમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યભરની તમામ હોસ્પિટલોમાં માસ્ક, સી.ઇ.ટી. તેમજ જીવન જરૂરિયાતની દવાઓની પૂરતી વ્યવસ્થા રહે, અછત સર્જાય નહીં તે સુનિશ્ચિત કરવામાં આવેઇ છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે, આઇસોલેશન વોર્ડ જેવી સેવા પ્ણ ઉભી કરવામાં આવી છે.

    રાજ્યની તમામ એસ.ટી. બસો અને જાહેર સ્થળોએ સંક્રમણ ન ફેલાય તે માટે તમામ જગ્યાઓ ઉપર સાફ-સફાઈ અને ચેપ અટકાવવા માટેની ઝુંબેશ કરવામાં આવશે. તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયત વિસ્તારમાં જ્યાં લોકોની અવર-જવર વધારે હોય ત્યાં સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરોક્ત બાબતે અત્યાર સુધી લોકો તરફથી જે સાથ સહકાર મળેલ છે તેના માટે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આભાર માનવામાં આવ્યો છે અને આગામી સમયમાં નીચે મુજબની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે દ્વારા અભિવાદન કરવું, જાહેરમા થુંકવું નહીં, ઉધરસ કે છીંક શર્ટની બાંય, સાડીનો પાલવ અથવા રૂમાલમાં ખાવી અને કફ એટીકેટ જાળવવી.

    રોગપ્રતિકારક શક્તિ ઘટે તેવા સંજોગોમાં આ રોગ ઝડપથી લાભ થાય છે જેને ધ્યાનમાં લઇને નીચે મુજબની કાળજી રાખવી. ભૂખ્યા પેટે બહાર નીકળવું નહીં, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું, નિયમિત યોગ વ્યાયામ કરવો, પૂરતો આરામ લેવો, પૌષ્ટિક આહાર લેવો, સિનિયર સિટીઝને વધારે કાળજી લેવી ખાસ કરીને એવા વ્યક્તિઓ તેમણે અન્ય બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાઈપર ટેન્શન વગેરે હોય તેઓએ શક્ય હોય ત્યાં સુધી હોમ કોરેન્ટાઇન રહેવું, કોઇપણ સંક્રમિત વ્યક્તિઓએ અન્ય લોકોના સંપર્કમાં આવવું નહીં તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    Source: Information Department, Gujarat