Latest News

Chief Minister attends the salutation & inspirational program of Sardar Patel Education Institute

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું જ્ઞાન તુલાથી સન્માન કરાયું

  શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર પ્રતિભાવંત વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયાં

  : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ :

  • વૈશ્વિક સ્પર્ધામાં આપણા વિદ્યાર્થીઓ ટકી શકે તે માટે પ્રાથમિક સ્તરથી વૈશ્વિક ભાષા શીખવવાની નેમ
  • સરદાર પટેલ જેવી સારી સંસ્થા જ સારા વિદ્યાર્થીઓ આપી શકે છે
  • વિદ્યાર્થીઓને નવી શોધ- સંશોધન દ્વારા દેશ સેવા કરવાં યુવાનોને આહવાન

  ———————— 

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે સાંજે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, કાળીયાબીડના અભિવાદન અને પ્રેરણા પર્વમાં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વૈશ્વિક સ્પર્ધામાં આપણા વિદ્યાર્થીઓ ટકી શકે તે માટે પ્રાથમિક સ્તરથી જ વૈશ્વિક ભાષા શીખવવાની નેમ વ્યક્ત કરી છે.

  તેમણે જણાવ્યું કે, આ માટે રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિ દ્વારા આપણા વિદ્યાર્થીઓ ક્યાંય પાછા ન પડે તેવા પ્રતિભાવંત બનાવવા છે.

  તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આજે પોતાના બાળકોને વિદેશમાં ભણાવવાનું વાલીઓને ઘેલું લાગેલું છે. પરંતુ વિદેશમાં વિદેશી ભાષાથી આપણા વિદ્યાર્થીઓ પાછા પડે છે. આવું ન બને તે માટે પ્રાથમિક સ્તરેથી જ તેવી ભાષાની સજ્જતા વધારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વૈશ્વિક સ્તરનું શિક્ષણ દેશમાં જ મળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્કીલ યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે. વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં હવે અભ્યાસ કરવા આવી રહ્યાં છે.

  મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સહજપણે સંવાદ કરી પોતાના બાળપણના શિક્ષણની વાતો સાથે આજે થયેલા પરિવર્તનની સમજ આપી હતી.

  તેમણે એક સમયે શિક્ષણમાં વિદ્યાર્થીનીઓનું પ્રમાણ ઓછું હતું. પરંતુ શાળા પ્રવેશોત્સવ,  કન્યા કેળવણી જેવાં અભિયાનથી હવે વિદ્યાર્થીઓ જેટલી જ સંખ્યા વિદ્યાર્થીનીઓની થઈ છે એનો હરખ વ્યક્ત કર્યો હતો.

  તેમણે સારી રીતે ચાલતી સંસ્થા જ સારા વિદ્યાર્થી પેદા કરી શકે તેમ જણાવી સરદાર પટેલ સંસ્થા આવી સંસ્થા છે કે, તેના વિદ્યાર્થીઓ વિદેશમાં પોતાનું ગૌરવ બનાવી રહ્યાં છે.

  તેમના વિદ્યાર્થીઓને નવી શોધ- સંશોધન દ્વારા દેશ સેવા કરવાં આહવાન કરી સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવાનો આગળ આવે અને દેશની પ્રગતિમાં સહભાગી બને તેવું આહવાન કર્યું હતું.

  તેમણે થોરીયામાંથી હિમોગ્લોબીન વધારવાનું જ્યુસ તેમજ એક પાણીની ચકલીમાંથી ટીપે-ટીપે પાણી વેડફાય તો વાર્ષિક ૩૬,૦૦૦લીટર પાણી વેડફાય તેના ઉદાહરણો આપી પાણીનો કરકસરથી ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતા કેળવવા અનુરોધ કર્યો હતો.

  પાણી અને તેના જેવી અન્ય નાની નાની બચતો દેશને આગળ લઈ જતી હોય છે તેમ જણાવી દેશના નાગરિકનું એક નાનું પગલું બહુ આગળ લઈ જશે તેમ ઉમેર્યું હતું

  આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું જ્ઞાન તુલાથી અદકેરું સન્માન કરાયું હતું.

  શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, કોઈપણ સંસ્થામાં વિદ્યાર્થીઓ પ્રાણ હોય છે. વિધાર્થીઓથી શાળાનું આંગણું ચેતનવંતુ બનતું હોય છે.

  જે સંસ્થા કોઈ વિચાર સાથે સમાજને ફાયફો થાય તેવું કાર્ય કરે તેવા કાર્યક્રમોમાં પોતે હાજર રહેશે તેવી મારી નેમ છે તેમ જણાવી તેમણે કહ્યું કે, સરદાર પટેલ આવી સંસ્થા છે તેથી હું અહી પધાર્યો છું.

  આ સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે ભણે છે. જે સમારસતાનું દ્યોતક છે.આવા સંસ્કારો જ માં ભારતીને વિશ્વસ્તરે લઈ જશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

  શિક્ષણમંત્રીશ્રીએ પોતાની જ્ઞાનતુલા કરેલ પુસ્તકો સંસ્થાને અર્પણ કર્યાં હતાં.

  સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટનાં પ્રમુખશ્રી ગોવિંદભાઇ કાકડિયાએ જણાવ્યું કે, આ સંસ્થા આટલા વર્ષોમાં વટવૃક્ષ બની છે. આ સંસ્થાને આગળ વધારવા માટે આ સંસ્થાના વિદ્યાર્થીઓનું ખૂબ મોટું યોગદાન છે.

  આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓ આગળ વધે તેવી તેમણે શીખ આપી હતી.

  તેમણે  એક – એક વિદ્યાર્થીઓ દીવડા બનીને  ભારતનું નામ રોશન કરે તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી.

  શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર પ્રતિભાવંત વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરાયાં હતાં. તેમજ  વિદ્યાર્થીઓનું સ્કોલરશીપના ચેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

  આ તકે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, સાંસદશ્રી વિનોદ ચાવડા, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, પૂર્વ મંત્રીશ્રી વિભાવરીબેન દવે,  જિલ્લા ભા.જ.પા. પ્રમુખશ્રી રાજીવ પંડ્યા, સંસ્થાના વાઇસ ચેરમેનશ્રી રમેશભાઈ મેંદપરા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી વલ્લભભાઇ લાખાણી, સેક્રેટરીશ્રી ડો.જે.પી.મૈયાણી તથા અન્ય ટ્રસ્ટીગણ સહિતનાં પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો, સંતો તથા શાળાના શિક્ષકો-બાળકો  ઉપસ્થિત રહ્યાં હતાં.

  Source: Information Department, Gujarat