Latest News

Chief Minister inaugurates Pramukhswami Adijati Hostel in Dharampur

    @ કોઈ કામ નાનું નથી, જે પણ કામ કરો તે પૂરેપૂરી નિષ્ઠા સાથે કરો: મુખ્યમંત્રીશ્રી

    @ મુખ્યમંત્રીશ્રીએ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના વિવિધ ટ્રેડની મુલાકાત લીધી: વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને પ્રોત્સાહિત કર્યા


    મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાસિક બાયપાસ રોડ પર સ્વામિનારાયણ વિદ્યાપીઠ સંચાલિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના નૂતન આદિજાતિ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

    લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં સારા સંસ્કારની ખૂબ જ જરૂર છે. સંસ્કારનો અભાવ હોય તો ગમે તેટલી સારી જિંદગી હોઈ તો તે બગડી શકે છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈપણ વસ્તુ શીખો પણ તે પહેલા સંસ્કાર સારા હોવા જોઈએ. આજે અનુભવવા પડતો સંઘર્ષ એ ઉજ્જવળ ભાવિનો રાજમાર્ગ બનશે. અહીં આવ્યા બાદ સંસ્કાર સાથે શિક્ષણ મળશે જેનાથી જીવન સુંદર બનશે.

    મુખ્યમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સંકુલમાં શિક્ષણ અને સંસ્કારની સાથે હવેથી અહીં જ રહીને ભણી શકાય તે માટે 300 દીકરા અને 200 દીકરીઓને છાત્રાલયની સુવિધા પણ મળશે. આપણાં યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હાથ કો કામ, હર કામ કો સન્માનનો મંત્ર આપ્યો છે.

    કોઈ કામ નાનું નથી. જે પણ કામ કરો તે નિષ્ઠાથી કરો એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ જીવનની શુભેચ્છાઓ આપી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના વિવિધ ટ્રેડની મુલાકાત પણ લીધી સાથે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

    તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેકસ્વરૂપદાસજીએ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યું હતું.

    Source: Information Department, Gujarat