Latest News

Chief Minister Shri Bhupendra Patel inaugurates Dr. Subhash Ayurvedic and General Hospital in Junagadh

    પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જવાહરભાઇ ચાવડાએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

    હોસ્પિટલમાં કાર્યરત વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી

    …….

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં ડૉ.સુભાષ આયુર્વેદ અને જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું.

    જૂનાગઢમાં ડો.સુભાષ એકેડેમી નજીક ખામધ્રોળ રોડ પાસે નવા કેમ્પસમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જ્યાં મુખ્યમંત્રીશ્રીએ તકતી અનાવરણ કરી દર્દીઓની આરોગ્ય સેવાઓ  અર્થે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ પૂર્વ મંત્રી અને માણાવદર વિસ્તારના ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડાએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેઓએ હોસ્પિટલમાં સુવિધા તેમજ નિશુલ્ક સારવાર અંગે ઉપલબ્ધ કરાવેલી વિવિધ વ્યવસ્થાઓ અંગે મુખ્યમંત્રીશ્રીને માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વિભાગો નું નિરીક્ષણ કર્યું હતું.

    હોસ્પિટલમાં કાયચિકિત્સા (જનરલ વિભાગ), શલ્ય તંત્ર (સર્જરી વિભાગ), બાળરોગ વિભાગ, સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગ, પંચકર્મ વિભાગ, શાલકયતંત્ર (ઈ.એન.ટી. વિભાગ, સ્વસ્થવૃત અને યોગા વિભાગ, ફીઝીયોથેરાપી વિભાગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

    દર્દિઓ માટે ૧૦૦ બેડની દાખલ થવાની સુવિધા ઉપરાંત અત્યાધુનિક ઓપરેશન થીયેટર તથા સ્ત્રી પ્રસુતિ વિભાગ, સ્ત્રી અને પુરુષ માટે અલગ-અલગ દાખલ વિભાગ અને પંચકર્મ વિભાગ પણ છે. ઈમરજન્સી સારવાર તથા એમ્બ્યુલન્સ, લેબોરેટરી અને બાળકો માટે સુવર્ણપ્રાશાનની સુવિધા છે.

    ડૉ. સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલમાં ઉપરોક્ત તમામ પ્રકારના નિદાન તથા સારવાર અને દવા નિશુલ્ક આપવામાં આવે છે. આયુર્વેદ હોસ્પિટલ અત્યાધુનિક સાધનસામગ્રીથી સુસજ્જ છે. જેમાં, પંચકર્મના બધા જ કર્મો માટેના આધુનિક સાધનો ઉપલબ્ધ છે. બધા જ વિભાગમાં નિષ્ણાંત ડૉક્ટર (એમ.ડી.) સેવા આપે છે.

    આ હોસ્પિટલના અદ્યતન બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, રાજ્ય મંત્રીશ્રી દેવાભાઈ માલમ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણી જોડાયા હતા.

    Source: Information Department, Gujarat