Latest News

Citizens should not leave their homes unnecessarily and strictly abide by the restrictions imposed by the government: CM

મુખ્યમંત્રીશ્રી:

  • ૨૯ શહેરોમાં નિયંત્રણો રાજ્યના શહેરો – નાના નગરોમાં ભીડ ઘટાડવા અને સંક્રમણની ચેઇન તોડવા માટે લાગાવ્યા
  • ગામના વડીલો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ અને જવાબદાર આગેવાનો સાથે મળી સ્વેચ્છિક નિયંત્રણો લાદવાની સાથે આવશ્યક પગલાં લે તે જરૂરી
  • સૌએ સાથે મળી સરકારે મુકેલા નિયંત્રણો પ્રમાણે વ્યવસ્થાઓ બનાવવાની છે
  • રાજ્યમાં બે લાખથી વધુ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કોરોના સામેની લડાઈમાં કાર્યરત
  • ૧ એપ્રિલથી ૨૬ એપ્રિલ સુધીમાં રાજ્યમાં ૯૨ હજાર લોકો સાજા પણ થયા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની રિકવરી પણ વધી રહી છે

…………………………….

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતાને નિવેદન કરતા કહ્યું છે કે, નાગરિકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને સરકારે લાદેલા નિયંત્રણોનું ચુસ્તપણે પાલન કરે. હવે આપણી પાસે કોરોના સામે વેક્સિનનું અમોઘ શસ્ત્ર છે ત્યારે લોકો ઝડપથી વેક્સિન મેળવે.

મુખ્ય મંત્રીશ્રીએ ફેસબુકના માધ્યમથી સંબોધન કરતાં કહ્યું કે, સરકારે ૨૦ શહેરોનો કોરોના કર્ફ્યુ અન્ય ૯ શહેરોમાં પણ લાદ્યો છે. આમ કુલ ૨૯ શહેરોમાં રાત્રે ૮થી ૬ બધું બંધ રહેશે. આ સાથે આ ૨૯ શહેરોમાં દિવસના ૬ થી ૮ દરમિયાન પણ અમુક નિયંત્રણો લાદવામાં આવ્યા છે જેમાં ઓપન માર્કેટ, મોલ, દુકાન, કોમ્પલેક્ષ, હોલ, ઓડિટોરિયમ, જીમ, વોટરપાર્ક, બગીચા અને બ્યુટી પાર્લર બંધ કર્યા છે.

રાજ્ય સરકારે દૂધ, શાકભાજી, કરિયાણાની દુકાન અને મેડિકલ સ્ટોર જેવી આવશ્યક સેવાઓ,  ઉદ્યોગો અને કંસ્ટ્રક્શન સાઇટ ચાલુ રાખવાનિ મંજુરી આપી છે. ઉપરાંત ઓફિસમાં ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરવાની છૂટ આપી છે જેથી રોજ કમાઇ રોજ ખાનારને તકલીફ ન થાય. સરકારે આ નિયંત્રણો રાજ્યના શહેરો – નાના નગરોમાં ભીડ ઘટાડવા અને સંક્રમણની ચેઇન તોડવા માટે લાગાવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે હવે ગુજરાતનાં ગામડાઓમાં પણ સંક્રમણનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગામના વડીલો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ અને જવાબદાર આગેવાનો સાથે મળી સ્વેચ્છિક નિયંત્રણો લાદવાની સાથે આવશ્યક પગલાં લે તે જરૂરી છે. આખા ગામનું ટેસ્ટિંગ થાય, સંક્રમીત દર્દીને અલગ-આઇસોલેટ કરી કોરોના ચેઇન તોડવામાં આવે તે જરૂરી છે.

તેમણે કહ્યું કે કોરોનાથી સંક્રમિત વ્યક્તિને ઘણા કિસ્સામાં આઠ-દસ દિવસ બાદ સંક્રમણનો ખ્યાલ આવે છે ત્યારે શારીરિક તકલીફ ખૂબ વધી જાય છે અને સીધું હોસ્પિટલ તરફ દોડવું પડે છે. આવી વ્યક્તિ ત્યાં સુધીમાં અન્ય ઘણાને સંક્રમિત કરી ચુકે છે. સૌએ સાથે મળી સરકારે મુકેલા નિયંત્રણો પ્રમાણે વ્યવસ્થાઓ બનાવવાની છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, સરકાર પ્રજાજનોની સાથે છે. સરકાર પુરા જોમથી વ્યવસ્થા ઊભી કરવા મથી રહી છે. સૌ સાથે મળી એકજૂથ થઈ આ લડાઈ લડીએ સાથે જ એસ.એમ.એસ. (સોશિયલ ડિસ્ટંન્સિગ, માસ્ક અને સેનિટાઇઝેશન)નો નિયમ અને સરકારી નિયંત્રણોનું ચુસ્તપણે પાલન કરીએ તે પણ એટલું જ જરૂરી છે.

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મહામારીને કારણે લોકોએ પોતાના સ્વજન-સ્નેહી ગુમાવ્યા હોવાનો તથા તબીબ અને પેરામેડિકલ સ્ટાફના લોકોએ પણ જીવ ગુમાવ્યા હોવાનો ઉલ્લેખ કરી તેઓના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા પરિસ્થિતિ જુદી હતી. સૌને લાગ્યું કે હવે કોરોના સામેની લડાઈ જીતી જઇશું. પરંતુ સંક્રમણ ફરી ફેલાયું અને ૧૪ હજાર જેટલા કેસ આવવા લાગ્યા. આજે ગુજરાત સરકાર, તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને સેવાભાવી સંસ્થાઓ સૌ કોઈ સાથે મળી દિવસ-રાત કામ કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, ૧૫મી માર્ચે રાજ્યમાં ૪૧ હજાર બેડ હતા જે એક મહિનામાં વધારીને સરકારે ૯૪ હજાર કર્યા. ૧૬ હજાર ઓક્સિજન બેડમાંથી ૫૨ હજાર બેડ કર્યા. એક મહિનામાં ઓક્સિજનનો વપરાશ ૧૫૦ મેટ્રિક ટનથી વધી ૦૧ હજાર મેટ્રિક ટન પર પહોંચ્યો છે. સરકારે છેલા એક મહિનામાં પાંચ લાખ જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન લોકોને ઉપલબ્ધ કરાવ્યા. આજે રાજ્યમાં બે લાખથી વધુ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કોરોના સામેની લડાઈમાં કાર્યરત છે. સરકાર દરેક વ્યવસ્થાઓને વધારી સુદ્રઢ કરી કોરોના સામેનો સંગ્રામ ચાલુ રાખ્યો છે. ક્યારેક ક્યાંક અગવડતા આવી છતાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન, દવા, ઇન્જેક્શન અને બેડ પુરા પાડવામાં સરકારે દિવસ-રાત પ્રયત્ન ચાલુ રાખ્યા છે.

મુખ્ય મંત્રીશ્રીએ ભાર્પૂર્વક કહ્યું કે, કોરોનાથી રાજ્યમાં હાલ મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે પરંતુ ગુજરાતીઓએ ગભરાવાની જરૂર નથી. આપણે સૌએ સાથે મળી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી આપત્તિને મહાત કરવી છે.

તેમણે ઉમેર્યુ કે, હાલ ગુજરાત સરકારે તમામ વિભાગના અધિકારી-કર્મચારીઓને એકમાત્ર કોવિડ સંલગ્ન કામમાં લગાવ્યા છે. તેઓને જરૂરી પાવર આપ્યા છે. કોરોના સામેનું આ યુદ્ધ છે ત્યારે તેમાં જે કરવું પડે તેની છૂટ પણ અપાઇ છે. ૧ એપ્રિલથી ૨૬ એપ્રિલ સુધીમાં રાજ્યમાં બે લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે પરંતુ બીજી હકીકત એ પણ છે કે ૯૨ હજાર લોકો સાજા પણ થયા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની રિકવરી પણ વધી રહી છે.

Source: Information Department, Gujarat