Latest News

Guj CM attends foundation stone laying ceremony of Kiran Medical College at Surat

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

  • રાજ્ય સરકાર માટે સેવા એ જ સંસ્કૃતિ‘: રાજ્યની જનતાની સુખાકારી અમારા માટે સર્વોપરિ 
  • રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં રૂ.૧૨૨૪૦ કરોડની ફાળવણી માત્ર હેલ્થ સેક્ટર માટે કરી છે
  • રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ સાકાર કરવાની દિશામાં સરકારે મક્કમ ડગ માંડ્યા છે
  • રાજ્યમાં માતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુથી લઈ વયોવૃદ્ધ નાગરિકો સુધીના તમાં વ્યક્તિઓને અનેકવિધ આરોગ્ય યોજનાઓનો લાભ મળી રહ્યો છે

———

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ

  • ગુજરાતના સેવાભાવી દાતાઓએ સંવેદના અને માનવતાનો ગુણ કેળવ્યો છે
  • કમાવું અને સમાજના હિતાર્થે દાન કરવુંએ સુરતના શ્રેષ્ઠીઓની તાસીર રહી છે
  • ૯ થી ૧૪ વર્ષની કિશોરીઓને સર્વાઈકલ કેન્સર પ્રતિરોધક વેકસીન મૂકાવવાની અપીલ

———

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા

  • દેશમાં મેડિકલ કોલેજોની સ્થાપના માટે નિયમોને ફ્લેક્સીબલ બનાવ્યાં છે
  • ટેલિમેડિસીન-ટેલિક કન્સલ્ટેશનની નવી સુવિધાઓ સરકાર ઊભી કરી રહી છે
  • e-સંજીવની એપના માધ્યમથી ગામડાના દર્દીને પણ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે   

———

સુરત:રવિવાર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ખાતે સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા રૂ.૩૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતના વરિયાવ સ્થિત ડી.ડી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત ભૂમિપૂજન સમારોહને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના સામાજિક, આર્થિક વિકાસમાં આરોગ્યની મહત્વની ભૂમિકા છે, આ વિભાવનાને અનુસરીને રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં રૂ.૧૨૨૪૦ કરોડની ફાળવણી માત્ર હેલ્થ સેક્ટર માટે કરી છે.  કોરોના મહામારીએ માનવીને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે, ત્યારે રાજ્ય સરકારે કોરોના સામે લડવા મજબૂત આરોગ્ય માળખું ઉભું કરીને બહાદૂરી પૂર્વક મુકાબલો કર્યો હોવાનું ગૌરવભેર તેમણે જણાવ્યું હતું.

રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ સાકાર કરવાની દિશામાં સરકારે મક્કમ ડગ માંડયા હોવાનું જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં કુલ ૮ મેડિકલ કોલેજો કાર્યરત કરવામાં આવશે. તબીબી સેવાઓના વિસ્તાર સાથે આરોગ્ય શિક્ષણને પ્રાધાન્ય આપવામાં સરકારે વિશેષ લક્ષ્ય સેવ્યું છે. દર્દીઓની સારવારમાં કટોકટીના સમયે ગ્રીન કોરિડોર, એર એમ્બ્યુલન્સ સેવા જેવા નવા આયામોથી ‘જનસેવા એ જ સંસ્કૃતિ’નો મંત્ર રાજ્ય સરકારે ચરિતાર્થ કર્યો હોવાનું તેમણે કહ્યું હતું.

રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર માટે જનતાની સુખાકારી સર્વોપરિ છે. માતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુથી લઈ વયોવૃદ્ધ નાગરિકો અને ગરીબમાં ગરીબ વ્યક્તિઓને અનેકવિધ આરોગ્ય યોજનાઓનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકાર માટે જનતાની સુખાકારી સર્વોપરિ છે.

આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કરતી કિરણ હોસ્પિટલે વધુ એક આવકારદાયક પગલું ભર્યું છે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટની આમજનતા માટે અવિરત આરોગ્યસેવાની સરાહના કરી હતી. કિરણ મેડિકલ કોલેજના નવા સોપાનથી રાજ્યને કુશળ આરોગ્ય સેનાની પ્રાપ્ત થશે. સાથોસાથ તેમણે કિરણ હોસ્પિટલમાં જે રીતે વિશ્વ કક્ષાની તબીબી સારવાર આપવામાં આવી રહી છે તે જ રીતે કિરણ મેડિકલ કોલેજ પણ ઉત્તમ અને ગુણવાન તબીબોની સમાજને ભેટ ધરશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો અને મુખ્ય દાતા લખાણી પરિવાર અને અન્ય દાતાશ્રીઓને સમાજસેવાના સ્તુત્ય કદમ બદલ શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સેવાભાવી દાતાઓએ સંવેદના અને માનવતાનો ગુણ કેળવ્યો છે, જેનું ઉત્તમ ઉદાહરણ કિરણ મેડિકલ કોલેજ છે. ‘કમાવું અને સમાજના હિતાર્થે દાન કરવું એ સુરતના શ્રેષ્ઠીઓની તાસીર રહી છે  તેમણે આવનારી પેઢીઓ માટે પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, અન્ન સંરક્ષણને જીવનનો ભાગ બનાવવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, કોરોના કાળમાં આજ સુધી ૧૮૨ કરોડથી વધુ કોવિડ વેક્સીનના ડોઝ આપવાની યશસ્વી સિદ્ધિ મેળવી છે. તેમણે સર્વાઈકલ કેન્સર ન થાય તે માટે ૯ થી ૧૪ વર્ષની કિશોરીઓને આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં બહાર પાડનાર સર્વાઈકલ કેન્સર પ્રતિરોધક વેકસીન મૂકાવવાની અપીલ કરી હતી. તેમણે મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓને કોલેજમાં મેડિકલ રિસર્ચ માટે પણ અલાયદો વિભાગ બનાવવાનું પણ પ્રેરક સૂચન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં મેડિકલ કોલેજોની સ્થાપના માટે નિયમોને ફ્લેક્સીબલ બનાવ્યાં છે. ટેલિમેડિસીન-ટેલિ કન્સલ્ટેશનની નવી સુવિધાઓ તેમજ e-સંજીવની એપના માધ્યમથી ગામડાના દર્દીને પણ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, જે વ્યકિત- સમાજ સમય અને પરિસ્થિતિ અનુસાર બદલાય છે તે સફળતા પામતો હોય છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય એ સેવાનુ માધ્યમ છે. વર્ષ ૨૦૧૪માં દેશમાં ૩૮૭ મેડિકલ કોલેજો હતી જે વધીને ૫૯૬ થઈ છે તેવી જ રીતે MBBSની ૫૨૦૦૦ સીટો હતી, જે વધારીને ૯૨૦૦૦ કરવામાં આવી છે. સામાન્ય પરિવારના દિકરા-દીકરીઓ પણ દેશના પ્રાઈવેટ ક્ષેત્રમાં વ્યાજબી અને પોષણક્ષમ આરોગ્ય શિક્ષણ મેળવી શકે તે માટે મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી રહી છે જેના કારણે દેશને નવા અને ગુણવત્તાસભર ડોકટરો મળી રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. આયુષ્યમાન યોજનાથકી ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને રૂ. ૫ લાખનુ સુરક્ષા કવચ મળ્યું હોવાનું જણાવતા મંત્રીશ્રી માંડવિયાએ ગ્રામ્ય અને તાલુકાસ્તરે સુદ્રઢ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને વિગતો તેમણે આપી હતી.

માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ પ્રસંગોચિત્ત સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતમાં આરોગ્ય સેવાઓ વિસ્તારવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન રહ્યું છે.  અગાઉ રાજ્યની જનતાને સારી અને ઉચ્ચ સારવાર મેળવવા રાજ્ય બહારના મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું, આજે સ્થિતિ પલટાઈ હોવાનું જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે આજે રાજ્યમાં અત્યાધુનિક હોસ્પિટલો, મેડિકલ કોલેજો નિર્માણ પામી છે, રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરાઈ છે જેના થકી ઓછા સમયમાં વિકટ સ્થિતિમાં રહેલા દર્દીને ઝડપભેર સારવાર મળી રહી છે એમ ઉમેર્યું હતું.

પ્રાસંગિક ઉદબોધન કરતા સંગઠન પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજોનું નિર્માણ થાય તેવી રાજ્ય સરકારની નેમ છે, જેના થકી રાજ્યના કુશળ અને પ્રતિભાવાન યુવાનોને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની તક મળશે. નવસારી, ગોધરા અને રાજપીપળા સહિત રાજ્યમાં કુલ પાંચ મેડિકલ કોલજો આ વર્ષે જ પ્રારંભ થાય તેવું નક્કર આયોજન થઈ રહ્યું હોવાનું શ્રી પાટિલે ઉમેર્યું હતું.

પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતાં જણાવ્યું હતું કે, કિરણ હોસ્પિટલ, ખજોદ ડ્રિમ સિટી ખજોદ, સુરત ડાયમંડ બુર્સની જમીન ફાળવવામાં રાજ્ય સરકારે ઉમદા સહયોગ સાથે ત્વરિત વહીવટી નિર્ણયો કરીને પ્રજાભિમુખ અભિગમની પ્રતીતિ કરાવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કિરણ હોસ્પિટલમાં ૬૧૭૨૦ દર્દીઓની આયુષમાન ભારત સહિતની સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ સારવાર આપવામાં આવી છે. આગામી સમયમાં દેશની દસ આગવી હોસ્પિટલમાં કિરણ હોસ્પિટલ આગવું સ્થાન પ્રાપ્ત કરે એવા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

કિરણ હોસ્પિટલમાં ૪૦ વિભાગોમાં એક હજાર ડોકટરો દ્વારા સારવાર કરવામાં આવી રહી હોવાનું જણાવતા કહ્યું કે, કિરણ હોસ્પિટલમાં કુલ ૧૬ લાખ દર્દીઓ સારવાર મેળવી ચૂક્યા છે. આજે ૭૦૦ કરોડથી વધી મેડિકલ કોલેજના પ્રોજેક્ટ સાથે ૧૦૦૦ કરોડ સુધી પહોંચશે. સમગ્ર દેશમાં પ્રથમ વાર કિરણ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે રૂ.૬૦ કરોડના ખર્ચે અત્યાધુનિક રેડિયેશન મશીન આવી રહ્યું હોવાનું શ્રી સવાણીએ  જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સ્વસ્થ સમાજના નિર્માણ હેતુ સાથે કાર્યરત સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલ દ્વારા આઉટર રિંગરોડ થી ૨ કિ.મી.ના અંતરે ઓલપાડ તાલુકાના વડોદ ગામ ખાતે અતિ આધુનિક સુવિધા તેમજ મોડર્ન ટેક્નોલોજીથી સુસજ્જ ૬૫૦૦૦ વારના વિશાળ કેમ્પસમાં ૧૫૦ સીટો સાથેની મેડિકલ કોલેજ સાકાર થશે. જ્યાં એમબીબીએસ, પીજી સહિત અન્ય મેડિકલ કોર્ષ સાથે ૧૦૦૦ ડોકટરો માટેની જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેમ્પસનું ભૂમિદાન કિરણ જેમ્સના માલિકશ્રી વલ્લભભાઈ લખાણી પરિવાર તરફથી મળ્યું છે.

આ પ્રસંગે કિરણ જેમ્સના માલિકશ્રી વલ્લભભાઈ લખાણી, લખાણી પરિવારના માવજીભાઈ, લાભુભાઈ, બાબુભાઈ અને પરિવારજનોનું મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રી સહિત મહાનુભાવોએ પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી આ પરિવારની દાનભાવનાને બિરદાવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનુભાઈ મોરડિયા,  કૃષિ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, પોલીસ અધીક્ષક ઉષા રાડા, સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટના ચેરમેન અને ઉદ્યોગપતિશ્રી ગોવિંદભાઈ ધોળકીયા, વાઈસ ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા તથા ધારાસભ્યશ્રીઓ, પાટીદાર સમાજ અગ્રણીઓ નામાંકિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat