Latest News

CM attends prog organized by Laghu Udyog Bharati to guide micro and small scale industries in A’bad

  આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સિદ્ધ કરવા અંગે સંવાદ યોજાયો

  MSME સેકટર ગુજરાતના અર્થતંત્રનું બેકબોનમુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

  -: મુખ્યમંત્રીશ્રી :-

  • શ્રેષ્ઠ માળખાકીય સગવડો, ગુડ ગર્વનન્સ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીસને પરિણામે ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું

  વાઇબ્રન્ટ સમિટના આયોજનથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ શહેર પૂરતો સીમિત રહી જિલ્લાતાલુકા અને ગામડા સુધી પહોંચ્યોઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

  ………..

  લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત મધ્ય વિભાગના સ્નેહમિલન સમારોહમાં રાજ્યના ઉદ્યોગકારોને સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે, જેમાં  MSME સેકટર ગુજરાતના અર્થતંત્રની બેકબોન છે. ભારતના ઊદ્યોગો ખાસ કરીને MSMEs વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલવા સજ્જ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતીઓના લોહીમાં જ વેપાર-વણજ ઊદ્યોગ-કૌશલ્ય વણાયેલા હોવાનું કહીને, રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં લઘુ-મધ્યમ-મોટા કદના એમ હરેક ઊદ્યોગોનું વિશેષ યોગદાન રહેલું છે તેમ જણાવ્યું હતું.

  આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૩થી શરૂ કરાયેલી વાયબ્રન્ટ સમિટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગુજરાતની ઔદ્યોગિક વિકાસ યાત્રા વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

  તેમણે કહ્યું કે, શ્રેષ્ઠ માળખાકીય સગવડો, ગુડ ગર્વનન્સ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીસને પરિણામે ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે, જેમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો સિંહફાળો રહેલો છે.

  તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યના MSME સેકટરમાં ૮ લાખ ઉદ્યોગો લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. કોવિડ-19 મહામારીને કારણે વિશ્વમાં મોટાભાગના દેશોમાં ઊદ્યોગ, વેપાર અને અર્થતંત્રોને વિપરીત અસર પડી છે. કોવિડની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ ગુજરાતમાં નાના ઊદ્યોગ, MSME માટે રાજ્ય સરકારે ક્રાંતિકારી નિર્ણયો લઇ નાના ઊદ્યોગોને જાળવી રાખ્યા છે. MSMEની સ્થાપના માટે જુદી-જુદી મંજૂરીઓ મેળવવામાંથી ૩ વર્ષની મુક્તિ અને પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો અભિગમ અપનાવી સરકાર MSMEને પ્રોત્સાહિત કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

  લઘુ ઉદ્યોગ ભારતીની વિવિધ સેમિનાર અને કાર્યક્રમો દ્વારા નાના એકમો શરૂ કરવા માટે માહિતી અને પ્રોત્સાહન પુરૂ પાડવાની કામગીરીને મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી. લઘુ ઉદ્યોગ ભારતી દેશમાં સંશોધિત થયેલ ટેકનોલોજીને નાના ઉદ્યોગો સાથે જોડવાનું પણ ખુબ મહત્વનું કામ કરી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

  ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું કે, એમ.એસ.એમ.ઈ ની તમામ યોજનાઓ ઉદ્યોગકારો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત સૂત્રના પ્રણેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી મહિનામાં દસમી વાઈબ્રન્ટ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે.

  આ વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા અને દેશ-વિદેશના રોકાણકારો – ઉદ્યોગકારોને રોકાણમાં પડતી તમામ મુશ્કેલીઓ, મૂંઝવણો દૂર કરવા રાજ્ય સરકાર કૃત સંકલ્પ છે.

  પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવા લઘુ ઉદ્યોગ મહત્વનો આધાર હોવાનું આ પ્રસંગે જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે ત્યારે વાઇબ્રન્ટ સમિટના આયોજન થકી રાજ્યમાં રોજગારી અને રોકાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોવાનું તેઓએ ઉમેર્યુ હતું.

  આ સ્નેહ મિલન સમારોહમાં  લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી પ્રકાશચંદ્રજી, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બળદેવભાઈ પ્રજાપતિ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ઘનશ્યામભાઈ ઓઝા તેમજ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્યામસુંદર સલુજા સહિત રાજ્ય અને દેશના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat