Latest News

CM Attends Shrimad Bhagwat Gyan Ygna at Una-Delwada

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી:

  • રાજસત્તા પર ધર્મસત્તાનો પ્રભાવ આવશ્યક ધર્મને ઉવેખીને કોઇ કાર્ય શક્ય નથી
  • ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા એ અમારી પ્રાથમિક્તા છે

ઉના-દેલવાડા પાસે ગુપ્તપ્રયાગની પાવનભૂમિ પર શ્રીમદ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ખાસ ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ધર્મ એટલે કોઇ સંપ્રદાયની વાત નથી. ધર્મ એટલે નીતી અને સત્યનાં પથ પર ચાલવું અને આ સરકાર સમૃદ્રસ્ટીથી સંતોનાં આશીર્વાદથી કાર્ય કરવા પ્રતિબધ્ધ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજસત્તા પર ધર્મસત્તાનો પ્રભાવ આવશ્યક છે, તેમ જણાવી કહ્યું કે, ધર્મને ઉવેખીને કોઇ કાર્ય શક્ય નથી.

તીર્થધામ ગુપ્તપ્રયાગ ખાતે દાતાઓનાં દાનથી રૂ. ૯૫ લાખનાં ખર્ચે નવનિર્મિત વૃધ્ધાશ્રમની મુખ્યમંત્રીશ્રીએ તક્તી અનાવરણ કરી અને  ભારત સાધુ સમાજનાં પ્રમુખશ્રી મહંત ગોપાલનંદ બાપુએ રૂ. ૯૦ લાખનાં ખર્ચે અતિથિગૃહ અને રૂ. ૫૦ લાખનાં ખર્ચે ગૈા-શાળાનું સતાધારા જગ્યાનાં લઘુ મહંતશ્રી વિજયદાસ બાપુએ તકતી અનાવરણ કરી ઉદઘાટન કર્યું હતું.

જે રાજ્ય અને શાશનકર્તામાં દયા, કરૂણા, અનુકંપા હશે તે રાજ્ય કે, શાશનકર્તા સાચી દિશામાં રાજ્યનો વિકાસ સાધી શકશે તે બાબતે અમો જાગૃત છીએ તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, અમે નિસ્વાર્થ ભાવથી પર્સનલ એજન્ડા વગર ગુજરાતની સાડા છ કરોડની જનતાથી સેવામાં સમર્પીત છીએ.

રાજ્ય સરકાર ગામડા-ખેડૂતોની સમૃધ્ધિ માટે પ્રતિબધ્ધ છે. ગામડા થકી શહેરોનો અને શહેરો થકી રાજ્યનો વિકાસ થાય છે. આથી જ મગફળી ટેકાનાં ભાવે ખરીદવાનો નિર્ણય લીધો છે. ખેતી માટે વીજ મોટર ચલાવવા વિજ લોડ ડિવાઇડ કરી બીજુ કનેકશન ચાલું કરવાનો પણ નિર્ણય કર્યો હતો. તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પારદર્શીતા સાથે ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા અમારી પ્રાથમિકતા છે અને આથી જ લોકોનાં નાના કામ જેમ કે, રાશનકાર્ડ, આવક જાતિનાં દાખલા, મા કાર્ડ કઢાવવા પડતી હાડમારીથી મુક્તિ આપવા “સેવા સેતું” નો અભિગમ અપનાવી ૧૦ લાખ ૧૮ હજાર જેટલા આવા પ્રશ્નો લોકોનાં હલ કર્યા છે અને આવનારા દિવસોમાં “સેવા સેતું” કાર્યક્રમ અવિરત ચાલુ રાખી તમામ ગામોને આવરી લેવાશે. તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

૧૦૦ દિવસમાં ૧૨૫ પ્રજાલક્ષી નિર્ણયો કરી ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા અપનાવી જે ટેબલે પૈસા લેવાતા હોય તેવા ટેબલો દુર કર્યા છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તે તમામ છીંડા પુરીને સાચા અર્થમાં લોકોની સેવા કરવી છે. દેશમાં નોટબંધી અને ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરી ભ્રષ્ટાચાર નેસ્તનાબુદ કરવો છે.

મા નર્મદા થકી સૈારાષ્ટ્રમાં પીવાનાં પાણીનો પ્રશ્ન ભુતકાળ બન્યો છે, તેની વિભાવના કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આવનારા દિવસોમાં સૈાની યોજના થકી ૧૧૫ સૈારાષ્ટ્રનાં ડેમ ભરાશે કારણ આાપણી સંસ્કૃતિ કૃષિ અને ઋુષીની છે અને સૈારાષ્ટ્રનાં ખેડૂતોને પાણી અને વિજળી મળે તો ઘરતીમાંથી ધન નિપજાવવાની તાકાત ધરાવે છે. અને ખેડૂતોની આ તાકાતને અમો  રાજ્યનાં વિકાસમાં ઉપયોગ કરીશું.

બ્રહ્માનંદ વિદ્યાધામ ચાંપરડાનાં મહંતશ્રી મુક્તાનંદ બાપુએ તેમનાં મનનીય પ્રવચનમાં રાજ્ય સરકારની વિઝન, ડિસીઝન, ટીમવર્ક અને ટાઇમ ટેબલની વિભાવનાં સમજાવી વિકસીત રાજ્ય રાષ્ટ્રનાં પાયામાં જીવનલક્ષી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે શ્રી આચાર્ય મહામંડલેશ્વર શ્રીરામકૃષ્ણાનંદજી મહારાજે આર્શીર્પચન આપ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે આપાગીગા ઓટલાનાં મહંતશ્રી નરેન્દ્રબાપુએ સંસ્થા પરીચય આપવા સાથે સૈાનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી અને તેમનાં ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ કથા સ્થળે વ્યાસપીઠનું પુજન કરી આર્શીવાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જશાભાઇ બારડ, સંસદીય સચિવશ્રી જેઠાભાઇ સોલંકી, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મણીબેન રાઠોડ, ઉના નગરપાલિકા પ્રમુખશ્રી કે.સી.રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરીભાઇ ઠકરાર, શ્રી કીરીટ પટેલ, દેલવાડાનાં સરપંચ વિજયભાઇ બાંભણીયા, પૂર્વ ધારાસભ્યશ્રી રાજશીભાઇ જોટવા, કનુભાઇ ભાલાળા, અગ્રણી ભાવેશભાઇ ઉપાધ્યાય, હરીભાઇ સોલંકી, શ્રી શેરનાથ બાપુ, તનસુખગીરી બાપુ, સહિત સંતો મહંતો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.                                           

Source: Information Department, Gujarat