Latest News

Guj CM celebrates Diwali with the Armed Forces Jawans and the police at Kutch Dhordo

  જવાનોની વીરતાને સલામ, સેવા સમર્પણ અને નિષ્ઠાને પ્રણામ

  પ્રજાજનોની સુખ-શાંતિ સમૃદ્ધિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદના સંત્રીઓ સાથે ઉમંગભેર દિપોત્સવી પર્વ મનાવ્યો

  ત્રિરંગા કાર્યક્રમ આપણા અને સૈન્યના પરિવારો વચ્ચે આત્મીયતા કેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

  હર્ષોલ્લાસ અને ઉમંગભેર સહપરિવાર જવાનો ઝૂમ્યા

  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને ગૃહ વિભાગના સંયુકત ઉપક્રમે આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ કચ્છ ધોરડો ખાતે આજ રોજ ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સરહદના સંત્રીઓ અને સશસ્ત્રદળોના જવાનો તેમજ પોલીસ જવાનો સાથે દિવાળીપર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી.

  રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરહદના સંત્રીઓને સલામ આપવા સૌને સુરક્ષા પૂરી પાડતા જવાનોને બિરદાવવા અને પોત્સાહિત કરવા દિવાળીપર્વ તેમની સાથે ઉજવવાની પરંપરા પ્રારંભ કરી છે જેને આજે પણ રાજ્યમાં યથાવતરૂપે મનાવાય છે.

  જેની ઉજવણીના ભાગરૂપે આજરોજ રાજ્યની પશ્ચિમ સરહદે કચ્છ-ધોરડો ખાતે મુખ્યમંત્રીશ્રીએ તેમની ટીમ ગુજરાત સાથે દિવાળીપર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

  કચ્છના ધોરડો ખાતે દિપોત્સવીના પાવન પર્વની ઉજવણી પ્રસંગે જવાનો અને કચ્છની ખમીરવંતી પ્રજા વચ્ચે આવવાનો આનંદ છે એમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ જવાનોને બિરદાવતા વધુમાં જણાવ્યુ હતું કે, સારામાં સારી સેવા બોર્ડર પર જવાનો કરી રહ્યા છે. પ્રજાજનો જે સુરક્ષા, સુખ અને શાંતિનો અનુભવ કરે છે તેમાં તેમની નિષ્ઠા પણ મહત્વની છે એ શિખવા અમે પ્રયત્નશીલ રહીશું. જેથી અમે પણ એવી જ નિષ્ઠાથી અમારા શાસન દરમ્યાન પ્રજાના સુખ શાંતિ સમૃદ્ધિ વધારી શકીએ. છેવાડાના માનવી સુઘી સરકારની દરેક યોજના પહોંચાડીને પ્રજાની સેવા કરવા અમે તત્પર છીએ.

  માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે કુટુંબ ભાવનાથી કામ કરવાની પ્રેરણા આપી છે. ત્યારે વારે-તહેવારે કુટુંબની યાદ આવે એવા દિવાળીના અવસરે અમે અહીં છીએ. આજે બોર્ડર પરના આ કુટુંબને મળવાનો અવસર છે. દિવાળીનો પ્રસંગ આપણે સૌ સાથે મળીને ઉજવીએ તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

  કચ્છ રણોત્સવ બાદ અહીંના પ્રજાજનો માટે અનેક અવસરો ઉભા થયા છે. પ્રવાસન હબ તરીકે કચ્છનો ખૂબ વિકાસ થયો છે.

  આ તકે મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યની રજૂઆતને અનુલક્ષીને પાણીની સમસ્યાને નિવારવા તેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્ન કરાશે એમ પણ જણાવ્યું હતું.

  જવાનોને ઉદ્દેશીને મુખ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર જવાનોની પડખે છે અને તેમને પડતી મુશ્કેલીઓ નિવારવા તમામ પ્રયત્ન કરશે.

  મુખ્યમંત્રીશ્રીએ આ તકે સૌને દિપાવલી તેમજ નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

  આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી સૈન્યના જવાનોને દિપાવલીની શુભેચ્છાઓ પાઠવાતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દરેક પર્વ તહેવાર બોર્ડર પર સૈન્ય સાથે મનાવે છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સાથે આજે અહીં કચ્છ બોર્ડર પર આ કાર્યક્રમ યોજાયો છે, તે ફકત સૈનિકોને શુભકામનાઓ પાઠવવા માટે નથી, પરંતુ આપણા પરિવાર અને સૈન્યના જવાનોના પરિવારો વચ્ચે આત્મીયતા કેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે.

  ભારતની સુરક્ષા માટે સદાય તહેનાત એવા સૈનિકો તેમજ તેમના પરિવારોને વંદન કરતા તેમણે લોકો સુરક્ષિત અને નિશ્ચિંત બનીને જીવન જીવી શકે છે તે માટે સૈન્યનો અભિનંદન સહ આભાર વ્યકત કર્યો હતો.

  કોરોના કાળમાં તેમજ અન્ય આપત્તિકાળમાં શ્રેષ્ડ કામગીરી કરનારા પોલીસ વિભાગના સહયોગની સરાહના કરતા તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થાઓમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું માર્ગદર્શન પણ મળી રહે છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા આ સિવાય અન્ય નાના-મોટા કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. આ તકે કચ્છની ધરતી પર સરહદોના રક્ષણ કાજે ભુજ એરબેઝ બનાવનાર કચ્છની વિરાંગનાઓને પણ નમન કર્યા હતા.

  ત્રિરંગા થીમ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં એરફોર્સ, BSF, આર્મી, તટરક્ષકદળ, NCC અને ગુજરાત પોલીસના જવાનો, એસ.આર.પી., અને તેમના પરિવારો, નુપુર એકેડમીના કચ્છી લોક નૃત્ય, આર્મી બેન્ડ તેમજ બી.એસ.એફ.બેન્ડ, લોક કલાકારશ્રી ભાવિન શાસ્ત્રી અને શ્રી ઓસમાણ મીરના લોકસંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉમંગભેર જોડાયા હતા.

  માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે આ ઉજવણીમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષાશ્રી ર્ડા.નીમાબેન આચાર્ય, માર્ગ અને મકાન, વાહન વ્યવહાર નાગરીક ઉડ્ડયન, મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી, વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી અરવિંદ રૈયાણી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડમિનિસ્ટ્રેશન) શ્રી ટી. એસ, બિસ્ટ, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ શ્રી પી.આર.જોષી, ધારાસભ્ય સર્વશ્રી વાસણભાઇ આહીર-અંજાર, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા-માંડવી, શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા –અબડાસા,માલતીબેન મહેશ્વરી- ગાંધીધામ, અગ્રણીસર્વશ્રી પ્રદિપસિંહ વાધેલા, રત્નાકરજી, આઈ.જી.પી., બોર્ડર રેંજ ભુજ શ્રી જે.આર.મોથાલીયા, બી.એસ.એફ આઇ.જી.શ્રી જી. એસ. મલિક, ભારતીય આમી કર્નલશ્રી નિતિન ગુલાટી, એરફોર્સ ગ્રુપ કેપ્ટન શ્રી સત્યદેવસિંહ, કોસ્ટ ગાર્ડ કમાન્ડન્ટશ્રી સંદિપ સફાયા, કલેકટરશ્રી પ્રવીણા ડી.કે., પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુમંતસિંહ જાડેજા, મદદનીશ કલેક્ટરશ્રી અતિરાગ ચપલોત, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી પી.એ.જાડેજા, શ્રી વી. એન. વાઘેલા, કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન,મામલતાદારસર્વશ્રી વિવેક બારહટ, ચિરાગ નિમાવત, તેમજ જિલ્લાઅને તાલુકા વહિવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ દેશ પ્રેમીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat