સંતો, શુરવીરો અને સખાવતની ભૂમિ સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે રાજ્યકક્ષાના ”સુશાસન સપ્તાહ”નો સમાપન સમારોહ
‘કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભુલાવુ શામળા‘ની ઉક્તિ યાદ કરી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજકોટવાસીઓએ કરેલા ભવ્ય સ્વાગતને ભાવથી પોંખ્યુ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ખાતે આશરે અઢી કિલોમીટર લાંબા રોડ-શો દરમિયાન કોવિડ પ્રોટોકોલનાં ચુસ્ત પાલન સાથે રાજકોટના સંખ્યાબંધ પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું
ભવ્યાતિભવ્ય સમાપન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ માટે રૂ.૨૧૬ કરોડના વિકાસકામોની જાહેરાત કરી
……….
સૌરાષ્ટ્ર એટલે સંતો, શુરવીરો અને સખાવતની ભૂમિ. સૌરાષ્ટ્ર એટલે મેઘાણી, મોહન અને મેકરણની ભૂમિ. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ‘કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભુલાવુ શામળા’ની ઉક્તિ યાદ કરીને રાજકોટવાસીઓએ કરેલા તેમના ભવ્ય સ્વાગતને યાદ કરી સૌરાષ્ટ્રના પ્રજા-વત્સલ રાજવીઓના સુશાસનની પૃષ્ઠભૂમિ રાજકોટ ખાતે છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા ”સુશાસન સપ્તાહ’નું સમાપન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે રાજકોટના પ્રજાવત્સલ રાજવી લાખાજીરાજની સુરાજ્ય અને સ્વરાજ્યની વિભાવનાને યાદ કરતા કહ્યું હતું કે, સુશાસનનું લક્ષ્ય જ્યારે અંત્યોદય બને, ત્યારે ‘ગુડ ગવર્નન્સ- અન્ટુ ધી લાસ્ટ’ સાકાર થાય છે.
શ્રી પટેલે તેમના વક્તવ્યના પ્રારંભે જણાવ્યું હતું કે, ભારતના લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મતિથિ તા.૨૫મી ડિસેમ્બરના રોજ સમગ્ર રાષ્ટ્ર ‘’સુશાસન દિવસ’’ તરીકે ૨૦૧૪થી શ્રી નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં યોજાય છે. આજે ‘’સુશાસન સપ્તાહ’’નો સમાપન સમારોહ યોજાઇ રહયો છે, જો કે સુશાસનની આપણી યાત્રા અવિરત-સતત ચાલુ રાખવાની છે. સુશાસનના પ્રણેતા અટલજીએ ભારતના પ્રધાનમંત્રી તરીકે ગરીબ ઉત્થાન અને ગ્રામ વિકાસના જે કામો કર્યા હતા તેની અસર આજે પણ વર્તાય છે. કિસાન ક્રેડીટ કાર્ડ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી ફ્લેગશિપ યોજનાઓ અટલજીની ભેટ છે.
તેમણે જણાવ્યું હતું કે, અટલજીના ચિંધેલા એ જ રાહ પર ચાલી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ગ્રામીણ વિકાસ પર વિશેષ ભાર આપ્યો છે. સ્વચ્છતા અભિયાન, શૌચાલય નિર્માણ, ગ્રામીણ આવાસ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના જેવી યોજનાથી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામ વિકાસને નવી દિશા ચિંધી છે. ગુજરાત સરકારે ગ્રામ વિકાસનો જે મહાયજ્ઞ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શરૂ કર્યો હતો તે આજે પણ યથાવત છે.
શ્રી પટેલે સૌરાષ્ટ્રના ખંતિલા અને ખુમારીભર્યા પ્રજાજનોની વચ્ચે અત્યંત હર્ષભેર ઉમેર્યું હતું કે, આ અવસરે રાજ્યની ગ્રામીણ જનતા અને પંચાયતો માટે અમે નવા પ્રકલ્પો- લાભો લઇને આવ્યા છીએ. આજે એક જ દિવસમાં રાજકોટને આંગણેથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના રૂપિયા ૨૧૬ કરોડના ૧૪,૧૪૩ આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વળી, આશરે ૧૪,૬૮૦ લાભાર્થીઓને રૂપિયા ૬૧ કરોડની આવાસ બાંધકામ સહાય તેમજ મનરેગાના ૧૨૮ કરોડના ૧૭,૮૩૫ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ મળી છે તે માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. આ સાથે, ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ૨૫ હજાર બહેનોને ૨૪૪૦ સ્વ સહાય જુથો મારફતે રૂપિયા ૧૦ કરોડની કુલ સહાય આપી સ્વાવલંબનથી આત્મનિર્ભરતાનો સુશાસનનો માર્ગ કંડાર્યો છે.
તેમને ઉમેર્યું હતું કે, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રૂ. ૨૨૭ કરોડના ખર્ચે કુલ ૧૦,૦૪૨ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આપી છે. સુશાસન માત્ર ગુજરાતના શહેરો જ નહી પણ ગામડાના લોકો – છેવાડાના માનવી સુધી પહોચ્યું છે, તેની પ્રતીતિ કરાવતો આજનો આ કાર્યક્રમ છે.
શ્રી ભુપેન્દ્રભાઈએ રાજકોટના સૌ નાગરિકોએ કરેલા ભવ્ય અભિવાદન-સ્નેહ બદલ સૌનો ઋણ સ્વીકાર કરી રાજકોટ મહાનગરને નૂતનવર્ષ ર૦રરની કેટલીક ભેટરૂપે કરોડોના વિકાસ કામોની જાહેરાત કરી હતી. તેમણે રાજકોટ મહાનગરમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, ડ્રેનેજ, ફાયર સેફટી સિસ્ટમ, પબ્લીક હેલ્થ લેબોરેટરી તથા અર્બન મોબિલીટીના ૧૭૦ કામો માટે ૧૮૭ કરોડ રૂપિયા મંજૂર કરવાની સાથે મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના રૂ.૩૦ કરોડના કામો માટે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી.
શ્રી પટેલે જણાવ્યું હતું કે, આપણા ગામો હવે વિશ્વગ્રામ બન્યા છે અને શ્રી નરેન્દ્રભાઇએ આપેલો નવતર વિચાર – ”રૂર્બન : આત્મા ગામનો સુવિધા શહેર”ની એ ગુજરાતે સાકાર કર્યુ છે. તાજેતરમાં ભારત સરકારે જે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્ષ જાહેર કર્યો તેમા ગુજરાત પ્રથમ ક્રમે છે. અર્થતંત્ર, માનવ સંસાધન, માળખાકીય સવલતો, સુરક્ષા, સામાજીક કલ્યાણ અને ન્યાય જેવા માપદંડોને આધારે ગુજરાતે દેશના અન્ય રાજ્યો કરતા આગવું ગુડ ગવર્નન્સ પ્રસ્થાપિત કરી બતાવ્યું છે. ગુજરાતનું ગુડ ગવર્નન્સનું આ મોડલ શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ વ્યાપક બન્યું છે.
તેમણે કહ્યું હતું કે, આધુનિક અને સુવિધાસભર ગામડાઓ ગુજરાતની ઓળખ બન્યા છે. ગુજરાતના ૧૦ હજારથી વધુ ગામડાઓમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી થતા તમામ કામોનું આયોજન, ચુકવણી અને સમિક્ષા ‘ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ’ મારફતે ઓનલાઇન કરવામાં આવે છે. ગ્રામ વિકાસની નવતર પહેલ આપણે વતન પ્રેમ યોજનાના માધ્યમથી કરી છે. વળી, ગ્રામ પંચાયતો વિકાસના હાઇવે પર ગતિમાન બનાવવા માટે આઇવે- ભારત નેટનું વિશાળ માળખુ ગુજરાતમાં ઉપલબ્ધ બન્યું છે. આવકના પ્રમાણપત્ર, અન્ય દાખલા, બીલ ભરવા, સરકારી સહાયના ફોર્મ ભરવા જેવી સુવિધાઓ લોકોને કોમ્પ્યુટર –મોબાઇલથી આંગળીના ટેરવે ઉપલબ્ધ બને તેવી સરકારની નેમ છે. શહેરની જેમ ગામડાના લોકોને પણ બધી જ યોજના-સુવિધાઓનો લાભ ઓનલાઇન મળી રહે તે માટે ગુજરાતમાં ૧૪ હજાર થી વધુ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ સેન્ટર્સ કાર્યરત કર્યા છે. ઇ-ગ્રામ સેન્ટર્સ પર ૬૦ જેટલી સેવાઓ ઓનલાઇન મળે છે જેને આપણે ૨૦૦ સુધી લઇ જવી છે.
ગ્રામીણ ગરીબો માટે મનરેગાના કામોનું સચોટ આયોજન ડિજીટલ ગવર્નન્સના આગવા ઉદાહરણ સમા આ મનરેગા કન્વર્ઝન્સ પોર્ટલથી થઇ શકશે તેમ જણાવી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે, હવેથી નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યોની ઓનલાઇન તાલીમનું ઇ-ઉદઘાટન ગ્રામ વિકાસમાં નવીન તકનીકોના વિનિયોગની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.
તેમણે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમરસ ગ્રામ પંચાયતને લોકશાહીની ઉત્તમ પ્રણાલી કહી છે. સામાજીક સમરસતાની સાથે ગામડાઓનું આર્થિક ઉત્થાન પણ થાય તે સરકારની નેમ છે. ગ્રામ પંચાયતોની તાજેતરની ચૂટણીમાં રાજ્યની ૧૧૮૩ ગ્રામ પંચાયત સમરસ થઇ છે, આમા ૧૧૬ મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે. આવી બધી સમરસ ગ્રામ પંચાયતોને રૂપિયા ૬૩ કરોડનું અનુદાન આજે આપીને આપણે આ ગામોને વિકાસ માટેનો નવો રાહ ચિંધ્યો છે.
આ તબક્કે તેમણે મહાત્મા ગાંધીજીના ”ગ્રામ” અને પ્રવર્તમાન આત્મનિર્ભરતાના વિચારોને સાંકળીને જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા કે સાચુ ભારત ગામડામાં વસે છે. જો ગ્રામીણ અર્થતંત્રને આત્મનિર્ભર બનાવીએ તો ભારતનું અર્થતંત્ર પણ ચોક્ક્સ આત્મનિર્ભર બને. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ગુજરાતની આત્મનિર્ભરતા તરફની ગતિને, ગ્રામીણ જનશક્તિના બળે વધુ વેગવાન બનાવવાનો આપણો પ્રયાસ છે. ગુજરાતની સખી મંડળની ગ્રામીણ બહેનો આત્મનિર્ભર ગુજરાત અભિયાનની ટોર્ચ બેરર છે.
‘ ‘સ્વચ્છતા છે ત્યાં પ્રભુનો વાસ છે” તે ઉક્તિની યાદ અપાવતા મુખ્યમંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, ગાંધીજીનો સ્વચ્છતાગ્રહ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં હવે જનઆંદોલન બની ગયો છે. ગ્રામ વિસ્તારની સાફ સફાઇ વ્યવસ્થિત થાય તે માટેનું રૂ. ૧૪૭ કરોડનું અનુદાન ગ્રામ પંચાયતોને આ વર્ષમાં રાજય સરકારે આપ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને પી.એમ શહેરી અને ગ્રામીણ આવાસ યોજનાની ભેટ આપી છે. ગુજરાતમાં આ યોજના હેઠળ રેકોર્ડ બ્રેક આવાસ બન્યા છે. ગુજરાતમાં ૨ લાખ ૯૨ હજાર ગ્રામીણ આવાસો આ યોજના હેઠળ બનાવ્યા છે. ૧ લાખ ૩૩ હજાર ગ્રામીણ આવાસોનું બાંધકામ પ્રગતિમાં છે. આજે આવા આવાસોને ૧૪૬૮૦ લાભાર્થીઓને આવાસ બાંધકામ સહાય આપી છે.
શ્રી પટેલે જણાવ્યું હતું કે, આવાસ યોજનામાં એફોર્ડેબલ હાઉસિંગનો નવતર અભિગમ ઉમેરી પ્રધાનમંત્રીશ્રીએ રાજકોટને લાઇટ હાઉસ પ્રોજેક્ટની ભેટ આપી છે. કોરોનાના સંક્રમણની સ્થિતિમાં કે કોઇ આપાતકાળમાં તાત્કાલિક સારવાર માટેની એક નવતર પહેલ આજે થઇ છે. આજે રાજકોટને આરોગ્ય રક્ષા માટેની એક આગવી ભેટ મળી છે. ગુજરાતમાં પ્રથમ એવી પોર્ટેબલ, પ્લગ એન્ડ પ્લે હોસ્પિટલનું આજે લોકાર્પણ થયું છે. હવે ગણતરીની મિનિટોમાં જિલ્લાના દુર દરાજના ગામડામાં તાત્કાલિક ૧૦૦ બેડની હોસ્પિટલ ઉભી કરી શકાશે.
આ પ્રસંગે રાજકોટ ગ્રામીણ વિસ્તારમાં સવા ચાર કરોડના ખર્ચે નિર્મિત ત્રણ નવા માઇનોર બ્રિજ અને ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સહીત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી સુવિધા વધારતા રૂપિયા ૮૨ લાખના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ પણ મળી છે. આ સાથે નવલખી બંદરની માલ પરીવહન ક્ષમતામાં ૭ મિલિયન મેટ્રીક ટનનો વધારો કરતી નવી જેટી સહીત ગ્રામ વિકાસના અવનવા પ્રકલ્પોનું લોકાર્પણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે સુશાસન સપ્તાહના પ્રારંભિક દિવસોમાં કેન્દ્ર-રાજ્ય સરકારના અધિનિયમ પ્રમાણે એફિડેવિટ રજૂ કરવું ફરજિયાત નથી તેવી તમામ સેવાઓમાં એફિડેવિટની જગ્યાએ સેલ્ફ ડિક્લેરેશન માન્ય રાખવાનો ઠરાવ સરકારે કર્યો છે. આ ઉપરાંત ૮ જેટલા મહેસુલી નિયમોમાં જનહિતલક્ષી ફેરફાર સાથે સરકારે ઇ-સરકાર પોર્ટલ અને માય રાશન એપ, સ્વરોજગાર વાંછુકોને ડિજિટલ સેવા આપતું ઇ-કુટીર પોર્ટલ જેવા ગુડ ગવર્નન્સ ઇનિશિયેટીવ રજુ કરવાની સાથે-સાથે નદી ઉત્સવ, વડોદરા, સુરત, અમદાવાદ જેવા મહાનગરોને પણ વિવિધ વિકાસ કામોની ભેટ, રાજ્યના ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગારીના અવસર આપ્યા છે.
કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલશ્રી અને રાજ્યના પૂર્વ નાણામંત્રી શ્રી વજુભાઈ વાળાએ તેમના ચિરપરિચિત અંદાજમાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે અટલજીના જન્મદિવસ નિમિતે યોજતા સુશાસન દિવસના આ પ્રસંગે આ અજાતશત્રુ અને “મરદ” વિભૂતિને ’ભારતમાતાની જય’ના બુલંદ નારાથી સહુએ વધાવી લેવી જોઈએ. આ તબક્કે ઉપસ્થિત સમૂહનો નારો ધીમો જણાતા તેમના આ વલણને શ્રી વાળાએ હવાઈ ગયેલા ફટાકડાના અવાજ સાથે સરખાવ્યો હતો.
શ્રી વાળાએ પૂર્વ સરકારો અને વિપક્ષ ઉપર આકરા શબ્દ પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અગાઉ વિકાસ માટે ધરણા કરવા પડતા હતા. આ કાર્યો માટે સરકારો લોન પેટે પૈસા આપતી અને તેનું વ્યાજ સાથે ચુકવણું કરવું પડતું હતું, જ્યારે ભાજપ સરકાર આવ્યા બાદ ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિકાસકાર્યો માટે ગ્રાન્ટ પેટે પૈસા અપાય છે. પ્રજાના પૈસાનો ઉપયોગ પ્રજાના કાર્ય માટે કરવાનું ભાજપ શાસિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ તબક્કે તેમણે ગ્રામ માટે જકાત નાબૂદીના સરકારના કાર્યને યાદ કર્યું હતું.
આજે રાજકોટની જનતાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું કોઈ વ્યક્તિગત સ્વાગત નહિ કિન્તુ ભાજપના એક અદના સેવક અને કાર્યકર તરીકે ભવ્ય સ્વાગત કર્યું છે તેનો મને આનંદ છે. આ કોઈ ચૂંટણીલક્ષી નહિ પરંતુ રાજ્યની સરકાર પ્રજાને જોઈતી સુવિધા પૂર્ણ કરવા કૃતનિશ્ચયી છે તે સાબિત કરવા આ કાર્યક્રમ આયોજિત થયો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતુ.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુશાસન સપ્તાહની ઉજવણીનો સમાપન સમારોહ રાજકોટ ખાતે આયોજિત કરવા બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, દરેક પ્રજાલક્ષી સેવાઓ – યોજનાઓનો લાભ તુરંત રાજ્યના નાગરિકોને પ્રાપ્ત થાય અને પ્રજાની તમામ અપેક્ષાઓ, આકાંક્ષા અને સ્વપ્નાઓ રાજ્ય સરકાર સાકાર કરે એટલે ગુડ ગવર્નન્સ. જ્યારથી શ્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી સમગ્ર દેશમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસે સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. આપણા દેશને સ્વરાજ મળ્યું પરંતુ સુરાજ્ય નહોતું મળ્યું. દેશમાં સુરાજ્ય પ્રસ્થાપિત કરવાની યાત્રા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી વાજપેયીજીએ શરૂ કરી સુરાજ્યનો પાયો નાંખ્યો જેને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશભરમાં પુરજોશથી આગળ ધપાવી રહ્યા છે.
શ્રી રૂપાણીએ કહ્યું કે, અટલજીએ સમગ્ર દેશના જન હૃદયમાં રાજનેતા તરીકે સ્થાન મેળવ્યું છે. અગાઉ સરકારો ચાલી, પરંતુ દેશ ન ચાલ્યો. ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ ઠેર ની ઠેર રહી હતી. ગરીબ દેશ તરીકેની છાપ કલંકરૂપ હતી. જે છાપને સુશાસન થકી હટાવવામાં સફળતા મળી છે. એમાં પણ ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ તબક્કે તેમણે સત્તાને સેવાના સાધન તરીકે ઉપયોગ કરી અંત્યોદય વિકાસ માટે સરકારને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રભારી અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ પ્રાસંગિક વકતવ્યમાં કહ્યું હતું કે, રાજકોટની જનતાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું ભવ્ય સ્વાગત કરી રાજય સરકારના જનતાજનાર્દનની ગુડ ગવર્નન્સ થકી જનતાની અવિરત સેવા પ્રત્યેનો વિશ્વાસ વ્યકત કર્યો છે. મંત્રીશ્રીએ રાજયમાં સુશાસન સપ્તાહ સેવાયજ્ઞમાં જનતાને મળેલા કલ્યાણ લાભોની રૂપરેખા આપી હતી. મંત્રીશ્રીએ નવી સરકારે ત્રણ મહિનામાં ટુંકાગાળામાં શરૂ કરેલા જનતાની સેવા માટેના અભિયાનોની ઝાંખી આપી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન, માસ્ટર કાર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયેલ ૧૦૦ બેડની પોર્ટેબલ હોસ્પિટલનો મુખ્યમંત્રીશ્રી તથા આમંત્રિતોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના રૂ. ૩૩.૭૯ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ. ૪૮.૭૦ કરોડના ખાતમૂહૂર્ત મળી કુલ રૂ. ૮૨.૪૯ કરોડના પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ થયેલી ગ્રામ પંચાયતના સરપંચોને પ્રોત્સાહક ગ્રાન્ટના ચેક તેમજ પી.એમ.એ.વાય.ના લાભાર્થીઓને સહાય વિતરણ ઉપરાંત ૧૦૦ ટકા વેકસિનેશન થયેલા ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્રના સંકલનમાં યોજાયેલા સુશાસન સપ્તાહના રાજયકક્ષાના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
સચિવશ્રી વિપૂલ મિત્રાએ પંચાયત વિભાગની કામગીરીનો ટૂંકો ચિતાર પ્રાસંગિક પ્રવચનમાં આપ્યો હતો. બી.વી.જી. એગ્રોટેકના અધિકારીશ્રી સુભાષભાઇએ વિકાસ કમિશ્નરશ્રી સંદિપકુમાર સાથે સજીવ ખેતી સાથેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (એમ.ઓ.યુ.) સાઇન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, વહિવટી તંત્ર તથા શહેર શ્રેષ્ઠીઓએ પુષ્પહાર તથા સ્મૃતિચિન્હથી મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોનું બહુમાન કર્યું હતું.
આ કાર્યક્રમના પ્રારંભે એરપોર્ટ ખાતે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીને પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પંચાયત વિભાગની બેસ્ટ પ્રેકટીસ અને ઇ-ગ્રામ ભારત ફાઇબર નેટવર્ક તેમજ જી.એમ.બી.ની વિકાસલક્ષી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેશભક્તિ ગીતની સૂરાવલીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી. ધર્મેન્દ્ર કોલેજ ખાતે આઈ.એન.એસ. વાલસુરાની નેવી બેન્ડની સુરાવલીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનુ સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, પંચાયત વિભાગના મંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજા, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, વાહન વ્યવહાર મંત્રી શ્રી અરવિંદ રૈયાણી, સંસદસભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા તથા શ્રી રામભાઇ મોકરીયા, મ્યુનિશિપલ ફાઇનાન્સ બોર્ડ્ના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, કામધેનું આયોગના અધ્યક્ષ ડો. વલ્લભ કથિરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, ધારાસભ્યશ્રી કુંવરજી બાવળિયા, જયેશભાઇ રાદડિયા, લાખાભાઈ સાગઠીયા તથા શ્રી ગોવિંદભાઇ પટેલ, મેયર શ્રી પ્રદીપ ડવ તથા ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ અધ્યક્ષશ્રી કમલેશભાઇ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરીયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી સોનલ મિશ્રા, રાજકોટ રેન્જ ડી.આઇ.જી. શ્રી સંદિપસિંહા, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.શ્રી વરૂણકુમાર બરનવાલ, નગરપાલિકા પ્રાદેશિક કમિશ્નરશ્રી ધીમંત વ્યાસ, શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરા, પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના, નિવાસી અધિક કલેકટરશ્રી કે.બી ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. કે. પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીએ આભારદર્શન કર્યું હતું.
Source: Information Department, Gujarat