Latest News

CM distributes aids of various pro-people schemes to beneficiaries in the Garib Kalyan Mela held at Morbi

  ગરીબોને ગરીબીના અભિશાપથી બહાર લાવી સ્વમાનભેર આત્મનિર્ભરતાથી જીવતા કરવા ગરીબ કલ્યાણ મેળાઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના દિશા-દર્શનનું સફળ પરિણામ છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

  ૧૭૨૧ લાભાર્થીઓને રૂ. ૩.૪૦ કરોડના સાધન-સહાય એનાયત કરાયા: પંચાયત વિભાગની કોફી બુકનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન

  ********

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ ક્લ્યાણ મેળાના ૧૨મા તબક્કાના બીજા દિવસે મોરબીમાં આયોજિત ગરીબ ક્લ્યાણ મેળામાં જણાવ્યું કે, ગરીબોને ગરીબીના અભિશાપમાંથી બહાર લાવી સ્વમાનભેર જીવન નિર્વાહનું સફળ માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યા છે.

  મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ, વંચિત, જરૂરતમંદ લોકોને તેમના હક્કના લાભ – સહાય પહોંચાડવા ૨૦૦૯-૧૦ થી આ ગરીબ ક્લ્યાણ મેળાનો નવતર અભિગમ આપણને આપ્યો છે. અત્યાર સુધીમાં ૧૧ તબક્કાના ૧૫૩૦ જેટલા ગરીબ ક્લ્યાણ મેળાઓથી ૧ કરોડ ૪૭ લાખ લોકોને ૨૬ હજાર કરોડ ઉપરાંતના સહાય-લાભો સરકારે આપ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

  મોરબીમાં યોજાયેલા આ ગરીબ ક્લ્યાણ મેળા અંતર્ગત ૧૭૨૧ લાભાર્થીઓને રૂ. ૩.૪૦ કરોડના લાભસહાય અર્પણ કરવામાં આવ્યા હતા.

  શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, ગરીબ ક્લ્યાણ મેળામાં અપાતી સાધન-સામગ્રી ગુણવત્તા યુકત હોય તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સગૌરવ ઉમેર્યું હતું કે,  દેશના નાગરિકોને કોરોના વિરોધી રસીના ૧૭૫ કરોડ ડોઝનું રસીકરણ એ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતમાં પણ ૧૦ કરોડ ડોઝનું રસીકરણ થયું છે જેનાથી આપણે ત્રીજી લહેરનો સામનો સફળતાપૂર્વક કરી શક્યા છીએ.

  મુખ્યમંત્રીશ્રીએ  રાજ્ય સરકારના આગોતરા આયોજનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની દિદ્યદ્રષ્ટીની કલાઇમેટ ચેન્જનો અલગ વિભાગ ઊભો કરીને સરકારે દૂરંદેશિતા પ્રસ્થાપિત કરી છે. રાજ્ય સરકારે ઘણા ક્ષેત્રમાં નવી પહેલ કરીને ગુજરાતને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા તરફ અગ્રેસર કર્યુ છે, ત્યારે રાજ્યના નાગરિકોની સહભાગિતા રાજ્યના વિકાસમાં અગત્યનું પરિબળ પૂરવાર થશે અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર થશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચારી હતી.

  “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં થઈ રહેલી ઉજવણીમાં નાગરિકોને ઐતિહાસિક વારસાથી અવગત કરાવી આઝાદીના ૧૦૦માં વર્ષે ભારત દેશને સર્વોચ્ચ સ્થાને પહોંચાડવાની મુખ્યમંત્રીશ્રીએ અભિલાષા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે લેવાઈ રહેલા પગલાંઓની માહિતી પણ મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રવચનમાં વણી લીધી હતી અને ઉમેર્યું હતું કે રાજ્યના ખેડૂતો માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી  રાજ્ય સરકાર કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો આવિષ્કાર કરી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે ઓર્ગેનિક કૃષિ પેદાશોનો  વધુ ભાવ આપીને ખરીદી કરવા અંગે પણ વિચારી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું

  પંચાયત રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે સંઘ ભાવનાથી કામ કરી રહેલી રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણ માટે મેળાઓ યોજી રહી છે. જેના દૂરગામી પરિણામો હવે પછીની પેઢીને  સાપડશે અને ગુજરાત વિકાસના પથ પર અગ્રેસર બનશે તેવો આશાવાદ મંત્રીશ્રી મેરજાએ વ્યક્ત કર્યો હતો.

  જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દેવાભાઈ માલમે  પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સત્તા નહીં, પરંતુ સેવાને વરેલી રાજ્ય સરકારના પ્રયાસોથી છેવાડાના માનવીઓ સુધી રાજ્ય સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોંચડી શકાયા છે તે માટે ગરીબ કલ્યાણ મેળા અગત્યનું માધ્યમ પુરવાર થયા છે.

  કલેકટર શ્રી જે.બી.પટેલે સ્વાગત પ્રવચનમાં આજના ગરીબ કલ્યાણ મેળાની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય  આમંત્રિતોનું કઠોળની ટોપલી તથા  પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. દીપ પ્રાગટ્યથી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમનો શુભારંભ કર્યા બાદ પ્રાર્થનાગીત રજૂ કરાયું હતું.

  આજના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીશ્રીના હાથે સહાય મેળવનાર વિવિધ યોજનાના લાભાર્થીઓએ મુખ્ય સ્ટેજ પરથી તેમની સાફલ્ય ગાથાઓ વર્ણવી હતી. કાર્યક્રમના પ્રારંભે વિવિધ સંસ્થાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પંચાયત વિભાગ અને મોરબીની વિકાસ ગાથા રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.

  આ કાર્યક્રમમાં  સંસદ સભ્યશ્રી પૂનમબેન માડમ તથા શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરા નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમાબેન ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઇ દેથરીયા,  શહેર ભાજપ પ્રમુખ શ્રી લાખાભાઈ ઝારીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ વાસદડિયા, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ શ્રી ભવાનભાઇ ભાગીયા, પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઇ અમૃતિયા અને શ્રી બાવનજીભાઇ મેતલીયા, પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા, રેન્જ આઇ.જી. શ્રી સંદીપકુમાર,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી મીતાબેન જોશી પ્રાંત અધિકારીશ્રીને ડી.એ. ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ તથા શ્રી ઈશિતાબેન મેર, અગ્રણીઓ શ્રી જયુભા જાડેજા બાબુભાઇ હુંબલ, રણછોડભાઈ દલવાડી, અન્ય સરકારી વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat