Latest News

CM e-inaugurates new plant of Gurit Wind Pvt Ltd set up near Bawala in Ahmedabad

  ગુજરાતમાં ૧૪૧૮૪ મેગાવોટ રિન્યુએબલ એનર્જીની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં વિન્ડ એનર્જીનું પ્રદાન ૬ર ટકા છે

  -: શ્રી વિજયભાઇ રૂપાણી :-

  • ગુજરાત રિન્યુએબલ એનર્જી સેકટરમાં પણ લિડ લઇ રહ્યું છે
  • પવન ઊર્જાવિન્ડ પાવર કાર્બન ઇમિશન ઘટાડતો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કલીન એનર્જી સ્ત્રોત છે
  • વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેકટ ૩૦ ગીગાવોટ પાવર જનરેશન ક્ષમતા સાથે કચ્છમાં ૬૦ હજાર હેકટરમાં સાકાર થઇ રહ્યો છે
  • કોરોના કાળમાં પણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણો અટકયા નથીગુરિત વિન્ડ પ્રાયવેટ લિમિટેડથી રોજગારીની નવી તકો ખૂલશે

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના બાવળા નજીક રજોડા ખાતે આકાર પામેલા ગુરિત વિન્ડ પ્રાયવેટ લિમિટેડના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટરમાં પણ લીડ લઇ રહ્યું છે.

  આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેકટરમાં અગ્રેસર રહેવાની નેમ સાથે એફિસીયન્ટ, રિલાયેબલ એન્ડ કલીન એનર્જી ક્ષેત્રમાં પોતાની હિસ્સેદારી વધારવાના અનેક આયામો સફળતાપૂર્વક અપનાવ્યા છે.

  ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીની ૧૪૧૮૪ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં પવન ઊર્જા-વિન્ડ એનર્જી ૮૭૮ર મેગાવોટ સાથે ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના ૬ર ટકા જેટલું પ્રદાન આપે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

  મુખ્યમંત્રીશ્રીએ ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે વિન્ડ પાવર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કલીન એનર્જી સ્ત્રોત છે તેમ જણાવતાં કહ્યું કે, વિન્ડ એનર્જી કાર્બન ઇમિશન ઘટાડવામાં પણ ઉપયોગી છે. વિન્ડ એનર્જીના પ્રોજેકટને પરિણામે ર૯ મિલીયન ટન કાર્બન ઇમિશન-ઉર્ત્સજન ઘટાડી શકાયું છે.

  એટલું જ નહિ, ગુજરાતના વિન્ડ પાવર પ્રોજેકટસ દ્વારા ર૯૧પ૩ મિલીયન યુનિટસનું ઉત્પાદન થવાના પરિણામે ૧૧૬ લાખ ટન કોલસાની પણ બચત થઇ છે, એમ શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ૬૦ હજાર હેકટર વિસ્તારમાં સાકાર થઇ રહ્યો છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, આ પ્રોજેકટ ૩૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરશે.

  મુખ્યમંત્રીશ્રીએ કોરોનાકાળમાં પણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણોની ગતિ અટકી નથી અને ર૦ર૦-ર૧ના વર્ષમાં રર બિલીયન યુ.એસ.ડોલર એફ.ડી.આઇ ગુજરાતે મેળવ્યું છે અને દેશમાં સૌથી અગ્રીમ રાજ્ય બન્યું છે.

  તેમણે ગુરિત વિન્ડના આ નવા પ્લાન્ટથી રાજ્યમાં રોજગારીની નવિન તકોનું નિર્માણ થશે સાથોસાથ વિન્ડ એનર્જી સેકટરમાં ‘મેઇક ઇન ગુજરાત’ ચરિતાર્થ કરવામાં ગુરિતનું પણ યોગદાન મળશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

  મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે ગુરિત વિન્ડને આવકારતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે નવી પોલિસીઝ અને ઇન્સેન્ટીવ્ઝ સાથે રાજ્યમાં નવા રોકાણકારો માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું કર્યુ છે.

  આના પરિણામ સ્વરૂપે અનેક મોટા ઊદ્યોગો-રોકાણો ગુજરાતમાં ઉત્પાદન-કારોબાર માટે આવ્યા છે તેનો પણ તેમણે આનંદ વ્યકત કર્યો હતો.

  આ વર્ચ્યુઅલ ઉદઘાટનમાં ગુરિત વિન્ડ સિસ્ટમ ડેન્માર્કના સી.ઇ.ઓ. ગુરિત ગૃપ સ્વીત્ઝરલેન્ડના સી.એફ.ઓ તેમજ સી.ઓ.ઓ એ પણ ગુજરાતમાં આ પ્લાન્ટ શરૂ થવા અંગે પ્રસન્નતા વ્યકત કરી રાજ્ય સરકારના સહયોગનો આભાર વ્યકત કર્યો હતો.

  Source: Information Department, Gujarat