Latest News

CM felicitates 14 youths who cleared UPSC through SPIPA

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-SPIPAની તાલીમ મેળવી UPSCની પરીક્ષામાં સફળતા મેળવનારા ૧૪ યુવા ઉમેદવારો સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં સૌજ્ન્ય-શુભેચ્છા મુલાકાત કરી હતી.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ ફાયનલ પરીક્ષાના આ સફળ ઉમેદવારોને પ્રોત્સાહન સહાયના પ્રત્યેક યુવકને રૂ. પ૧ હજાર તથા પ્રત્યેક યુવતિઓને રૂ. ૬૧ હજારના ચેક તથા પ્રમાણપત્ર આ વેળાએ અર્પણ કર્યા હતા.

        અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાત સરકારે યુ.પી.એસ.સી. / સિવીલ સવિર્સીઝ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારી કરનારા રાજ્યના યુવક-યુવતિઓને પ્રોત્સાહન સહાય આપવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.

        આ અન્વયે પ્રિલિમ પરીક્ષાથી લઇને મુખ્ય પરીક્ષા અને ફાયનલ સિલેકશન સુધી સફળતા મેળવનારા યુવકને કુલ રૂ. ૧ લાખ ૧ હજાર તથા યુવતિને રૂ. ૧ લાખ ર૧ હજાર પ્રોત્સાહન સહાય રાજ્ય સરકાર આપે છે.

        ૧૯૯રથી ર૦૧૭ સુધીમાં આ સંસ્થાના ૧૬૪ ઉમેદવારો યુ.પી.એસ.સી. પરીક્ષામાં સફળતાને વર્યા છે.

        યુ.પી.એસ.સી.ની ર૦૧૬-૧૭ની પરીક્ષા માટે સ્પીપામાં ૧૭૬ ઉમેદવારોએ તાલીમ મેળવી હતી અને ૩ર ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે કવોલિફાય થયા હતા. અને અંતિમ પરીક્ષામાં ગુજરાતના ૧૪ ઉમેદવારો પસંદગી પામ્યા છે.

        મુખ્યમંત્રીશ્રીએ ઉત્સાહ-ઉમંગથી છલકતા આ યુવાનોને પ્રેરણા આપતાં કહ્યું કે, લોકશાહી શાસન વ્યવસ્થામાં વહીવટીતંત્રની જિમ્મેદારી વધી જાય છે. લોક અપેક્ષા આકાંક્ષા અને ગરીબ-છેવાડાના માનવીનું હિત કેન્દ્રસ્થાને રાખીને અમલીકરણ અધિકારી તરીકે તમારે હવે પદ નહિ જવાબદારીનું દાયિત્વ નિભાવવાનું છે.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નવયુવાનોને જવાબદારી વહન કરવાની ક્ષમતા સાથે સૌને સાથે લઇને ચાલવાની શીખ આપી હતી. તેમણે ઉમેર્યુ કે, સાચી દિશામાં અને સત્યતા સાથેની ફરજ-કર્તવ્યનિષ્ઠાની શાખ જનમાનસમાં કાયમ સચવાતી હોય છે.

        મુખ્યમંત્રીશ્રીએ શ્રધ્ધા વ્યકત કરી કે યુ.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની જે સિધ્ધિ કરોડો દેશવાસીઓમાંથી તમે મેળવી છે. તેનો સતત અહેસાસ કરીને દેશ-રાષ્ટ્રની વૈશ્વિક પ્રતિષ્ઠા, સ્પીપાની તાલીમ અને ગુજરાતની નવતર કાર્યસંસ્કૃતિ સેવાકાળ દરમ્યાન ઊંચે લઇ જવાની નૈતિક ફરજ અદા કરશો.

        આ પ્રસંગે સફળ ઉમેદવારો એ સ્પીપા તાલીમ અને વ્યવસ્થા અંગે સંતોષકારક પ્રતિભાવો વ્યકત કર્યા હતા.

        મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી સુશ્રી એસ. અર્પણા, સ્પીપાના ડાયરેકટર જનરલ શ્રી ધનંજય દ્વિવેદી, જોઇન્ટ ડાયરેકટર શ્રી કેયુર સંપત, શબાના કુરેશી અને સફળતા પ્રાપ્ત ઉમેદવારોના પરિવારજનો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat