Latest News

CM felicitates children of CMO officials, who performed well in Board & college exams

  મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી કાર્યાલયના અદના કર્મયોગીઓ-અધિકારીઓના ધો-૧૦/૧રની જાહેર પરિક્ષાઓ તથા ડીગ્રી અને ઉચ્ચ અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી દક્ષતા દર્શાવનારા ૩૭ બાળકોને આજે સ્વહસ્તે સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

          શ્રી વિજયભાઇ રૂપાણીએ આ બાળકો સાથે સહજ સંવાદ કરતાં તેમનો પરિચય મેળવ્યો હતો અને પ્રેરણા આપી હતી.

          તેમણે કહ્યું કે, આ સદી જ્ઞાનની સદી છે ત્યારે ઉચ્ચ અભ્યાસ અને શિક્ષણ સજ્જતા કેળવીને જ સ્પર્ધાત્મક યુગમાં ટકી શકાશે.

          મુખ્યમંત્રીશ્રીએ આ બાળકોને રાજ્ય સરકારની સેવાઓમાં ભરતી માટેની ઉચ્ચ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સફળતા મેળવી સેવા અવસરો મેળવવાની પણ પ્રેરણા આપી હતી.

          શ્રી વિજયભાઇ રૂપાણીએ ધો-૧૦માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા ૧૩ બાળકો, ધો-૧રના ૧૩ તથા ડીગ્રી અભ્યાસક્રમો, બી.સી.એ., ઇજનેરી જેવા તજ્જ્ઞ અભ્યાસક્રમોમાં સિધ્ધિ મેળવનારા ૯ બાળકોને તેમજ રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત બે બાળકોને પ્રમાણપત્ર તથા પ્રેરણાદાયી પુસ્તકોનો સેટ અર્પણ કર્યો હતો.

          અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના તેમના કાર્યકાળ દરમ્યાન ર૦૦૬થી પોતાના કાર્યાલય પરિવારના સંતાનોને તેમની સફળતા માટે સન્માનવાની આ પરંપરાની આજે ૧૧મી કડી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાઇ હતી.

          મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથ, અગ્રસચિવશ્રી એસ. અપર્ણા, સચિવશ્રી અશ્વિની કુમાર તથા મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓ, તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat