Latest News

CM felicitates winners of India Skills-2021 (West Zone) competition held under the auspices of National Skill Devt Corp

    • ઇન્ડીયા સ્કિલ્સ-ર૦ર૧ માત્ર સ્પર્ધા નહિં પરંતુ આપણી યુવાશક્તિને ગ્લોબલ યુથ બનવાની તક આપતું પ્લેટફોર્મ છે
    • હરેક વ્યક્તિમાં નાનપણથી જ કોઇને કોઇ સ્કિલ પડેલી હોય જ છે તેને યોગ્ય નિખાર આપવાની શરૂઆત હવે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં સ્કિલ ઇન્ડીયાથી થઇ છે
    • આપણે જ્યાં હોઇએ ત્યાં દેશ હિતનું એકાદ કામ પણ કરીએ પાણી-વીજળી-બચાવીએ પર્યાવરણ જાળવીએ તે રાષ્ટ્ર હિત-દેશ સેવા જ છે

    …….

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દરેક વ્યક્તિમાં પડેલા કૌશલ્ય અને તેના કામનું સન્માન કરીને ‘હરેકને કામ હર કામનું સન્માન’ દ્વારા કૌશલ્ય વિકાસ સ્કિલ, ડેવલપમેન્ટથી ‘‘આત્મનિર્ભર ભારત’’નો પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ પાર પાડવા આહવાન કર્યુ છે.

    આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સમાજના નાનામાં નાના વ્યક્તિને પણ પોતાના કામનું સ્વાભિમાન જાગે અને દેશ-રાષ્ટ્રના વિકાસ માટે તેને પણ કાંઇક કરવું છે તેવો ભાવ જાગે તેવા ઉદાત હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્કિલ ઇન્ડીયા મિશન શરૂ કર્યુ છે.

    મુખ્યમંત્રી શ્રી ઇન્ડીયા સ્કિલ્સ – ર૦ર૧ની પ્રાદેશિક સ્પર્ધામાં વેર્સ્ટન રિજીયનના ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ પાંચ રાજ્યોની ર૩૦ થી વધુ યુવા પ્રતિભાઓના કૌશલ્ય પ્રદર્શનમાં વિજેતાઓને સન્માનિત કરવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા.

    ભારત સરકારના નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આયોજિત આ ત્રિદિવસીય સ્પર્ધામાં વિજેતા ૮ર યુવાઓ આગામી ડિસેમ્બર-ર૦ર૧માં યોજાનારી ઇન્ડીયા સ્કિલ્સ નેશનલ કોમ્પીટીશનમાં પોતાનું કૌવત દર્શાવશે.

    મુખ્યમંત્રીશ્રીએ ઉત્સાહ અને ઉમંગથી છલકતા આ સ્પર્ધાના યુવા સ્પર્ધકોને પ્રેરણા આપતાં કહ્યું કે, હરેક વ્યક્તિમાં નાનપણથી જ કોઇને કોઇ સ્કિલ રહેલી જ હોય છે. તેને યોગ્ય નિખાર આપવાની શરૂઆત હવે પ્રધાનમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સ્કિલ ઇન્ડીયાથી થઇ છે.

    તેમણે ઉમેર્યુ કે, ‘ડિગ્નીટી ઓફ વર્ક’થી હર હાથને કામ હર કામનું સન્માન એ આધાર ઉપર જ પ્રધાનમંત્રીશ્રી નયા ભારત-આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે.

    શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આવી સ્પર્ધાઓ માત્ર કોમ્પીટીશન જ નથી પરંતુ વિશ્વ સમક્ષ આપણી યુવાશક્તિ ગ્લોબલ યુથ બનીને ઉભરી આવે અને વિશ્વ જે ભાષામાં સમજે તે ભાષામાં વાત-સંવાદ કરી શકે તેવું પ્લેટફોર્મ પૂરૂં પાડે છે.

    મુખ્યમંત્રીશ્રીએ યુવાશક્તિને દેશ અને રાષ્ટ્ર હિત ઉપયોગી કાર્યો કરીને આત્મનિર્ભર-સ્વાભિમાની ભારત બનાવવામાં યોગદાન આપવા પણ પ્રેરણા આપી હતી.

    તેમણે આ અંગે કહ્યું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં દેશહિતનું એકાદ પણ કામ કરીએ. પાણી બચાવીએ. વીજળી બચાવીએ, પર્યાવરણ જાળવીએ તે એક પ્રકારે દેશ સેવા-રાષ્ટ્રહિત જ છે.

    શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓમાં રહેલી સ્કિલ અને સ્ટાર્ટઅપ ઇનોવેશનને યોગ્ય મંચ તથા તક આપવા રાજ્ય સરકાર સ્કિલ યુનિવર્સિટી, સ્ટાર્ટઅપ ઇનોવેશનનો વ્યાપ વધુ વિસ્તારવો જેવા આયોજનો કરી રહી છે તેની પણ ભૂમિકા આપી હતી.

    તેમણે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ સિદ્ધ કરવા પણ આ તકે આહવાન કર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીએ વિજેતા થયેલા અને સ્પર્ધામાં સહભાગી થયેલા સૌ યુવાઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવી હતી.

    શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, આ ટેક્નોલોજીકલ ક્રાંતિનો સમય છે. વિકસતી ટેક્નોલોજીના યુગમાં ભવિષ્યના નેતૃત્વ માટે યુવાનોને તૈયાર કરવા માટે આપણે તેમની વિચારસરણી અને વ્યવહારિક ક્ષમતાઓને ઘડવી જ જોઇએ. આવા કાર્યક્રમ માત્ર રોજગારની ઈચ્છા જ નહીં પરંતુ યુવાનોની માનસિકતાને વિસ્તૃત કરવાનો પણ પ્રયાસ કરે છે. વાસ્તવિક પ્રગતિ માટે રાષ્ટ્રને સારા સાહસિકો અને વૈજ્ઞાનિકોની પણ જરૂર હોય છે જે સ્કિલ ઇન્ડિયા મિશન થકી પૂરી થશે.

    માર્ગ – મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, કૌશલ્ય એક એવો વિષય છે કે જે બાળકના જન્મની સાથે જ કુદરતી રીતે તેનામાં હોય છે પણ જરૂર માત્ર તેને વિકસાવવાની હોય છે અને આ કામ આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કર્યું છે. જેના પરિણામ સ્વરૂપ આજે વધુને વધુ યુવાઓ પોતાના કૌશલ્યને પ્રદર્શિત કરવા આવા કાર્યક્રમોમાં સહભાગી થઇ રહ્યા છે. આપણું કૌશલ્ય આપણને અન્યો કરતા અલગ તારવે છે. જે આપણને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરે છે. જેમ જેમ કૌશલ્ય કેળવાશે તેમ તેમ રોજગારી વધશે અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ઝડપથી સાકાર થશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

    શ્રમ – રોજગાર રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મૅરાજાએ કહ્યું કે, આજનો યુવા પોતાના કૌશલ્યને ઓળખે, વિકસાવે અને રોજગારનું સર્જન કરે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવિન સર્જનાત્મક વિચારો કરવા અને સાહસિક નિર્ણયો લેવા પ્રેરિત થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કૈશલ્ય યુનિવર્સિટીનું પણ નિર્માણ કરવામાં આવવાનું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયત્નોને પરિણામે આજે કૌશલ્ય પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. આવનારા દિવસોમાં  ભારત વિશ્વની કૌશલ્ય રાજધાની બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    વર્લ્ડ સ્કિલ ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી પ્રકાશ શર્માએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દર બે વર્ષે ઇન્ડિયા સ્કિલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પશ્ચિમ ક્ષેત્રની આ પ્રાદેશિક કૌશલ્ય સ્પર્ધામાં ઓટોબોડી રિપેર, બેકરી, ફ્લોરિસ્ટ્રી ( ફૂલોની કળા ), ઇંટોની ગોઠવણી, બ્યુટી થેરાપી, ફેશન ટેક્નોલોજી, મોબાઈલ રોબોટિક્સ, વેલ્ડિંગ, ચિત્રકળા અને સુશોભન, જ્વેલરી ડિઝાઇનિંગ જેવા ક્ષેત્રે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.

    આ ત્રિદિવસીય સ્પર્ધામાં વિજેતા થયેલા ૮૨ સ્પર્ધકો ડિસેમ્બર ૨૦૨૧માં યોજાનારી ઇન્ડિયા સ્કિલ  નેશનલ સ્પર્ધામાં ભાગ લેશે. કુલ વિજેતાઓમાંથી ૪૨ સ્પર્ધકોને રૂપિયા ૨૧ હજારના રોકડ પુરસ્કાર સાથે ગોલ્ડ મેડલ જ્યારે ૪૦ સ્પર્ધકોને રૂપિયા ૧૧૦૦૦ ના રોકડ પુરસ્કાર સાથે સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયા સ્કિલ  નેશનલના વિજેતાઓને ઓક્ટોબર ૨૦૨૨માં ચીનના શાંઘાઈમાં યોજાનારી વર્લ્ડ સ્કિલ  ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા તક મળશે.

    આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્રસચિવશ્રી અંજુ શર્મા, મહારાષ્ટ્રના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનીષા વર્મા, જીએનએલયુ ના વી.સી. શ્રી શાંતા કુમાર, ધારાસભ્ય શ્રી જગદીશભાઇ, યુવા અગ્રણી અમિતભાઇ ઠાકર, રોજગાર તાલિમ નિયામક શ્રી આલોક પાંડે, કારોબારી કમિટીના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલ, એન એસ ડી સી ના મુખ્ય અધિકારી શ્રી જયકાંત સિંઘ, એન એસ ડી સી ના ઉચ્ચ અધિકારીઓ અને સ્પર્ધામાં સહભાગી થયેલ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat