Latest News

Guj Governor accompanied by CM greets people at the ‘At Home’ program in Junagadh on the eve of 75th I-Day

  એટહોમ કાર્યક્રમ અંગ્રેજ પરંપરાથી મુક્ત એવો શહિદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને રાષ્ટ્રચિંતનનો અવસર

  ૭૫મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે યોજાયું સ્નેહ સંમેલન

  ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સ્વતંત્રતા દિવસને શહિદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ ગણાવી, સ્વાતંત્ર્યવીરોના સપનાંના રાષ્ટ્રનું નિર્માણ કરવા નાગરિકોને સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું.

  રાજભવન ગાંધીનગર ખાતે ૭૫મા સ્વાતંત્ર્ય પર્વે યોજાયેલા સ્નેહમિલન – એટહોમ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે એટહોમ કાર્યક્રમ અંગ્રેજ પરંપરાથી મુક્ત એવો શહિદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને રાષ્ટ્રના ભાવિ વિકાસનો ચિંતનપર્વ બની રહેવો જોઈએ. રાજ્યપાલશ્રીએ રામ પ્રસાદ બિસ્મિલ, શહિદ ભગતસિંહ અને લોકમાન્ય ટિળક જેવા ક્રાંતિવીરોને યાદ કરી જણાવ્યું હતું કે શહિદવીરો સમાન રાષ્ટ્ર પ્રેમમાં દિવાના લોકો જ રાષ્ટ્રનું ઘડતર કરી શકે છે, આવા ભારત માતાના મહાન સપૂતોને પ્રેરણા સ્ત્રોત બનાવી તેમના સપનાનાં ભારત વર્ષનું નિર્માણ કરવા તેમણે નાગરિકોને આહ્વાન કર્યું હતું.

  રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે એમ પણ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ જેવા ગુજરાતના સપૂતોએ અખંડ ભારતનું નિર્માણ કર્યું. હવે દેશની એકતા અને અખંડિતતાનું જતન કરવાની જવાબદારી સૌ નાગરિકોની છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું ત્યારે જ સાકાર થશે, જ્યારે ખેડૂતો સુભાષ પાલેકરજી માર્ગદર્શિત પ્રાકૃતિક કૃષિ અપનાવશે. ગુજરાતમાં લગભગ બે લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી આ જન આંદોલન દ્વારા સમગ્ર રાષ્ટ્રને રાહ ચીંધ્યો છે. તેમ જણાવી રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને દેશભરમાં જન આંદોલન બનાવવાના પ્રેરણા પર્વ તરીકે આ સ્વાતંત્ર્ય પર્વને ઉજવવા સૌને અનુરોધ પણ કર્યો હતો.

  ૭૫માં સ્વાતંત્ર્ય દિન પર્વે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયેલાં આ સ્નેહ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી ઉપસ્થિત રહ્યાં હતાં.

  સ્નેહ સંમેલનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, ભારતીય સેનાના ત્રણે પાંખના વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, પદ્મશ્રી મહાનુભાવો, પ્રતિભા સંપન્ન રમતવીરો, પદાધિકારીશ્રીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી જગત વર્માજીએ દેશભક્તિના ગીતો ગાઈને વાતાવરણમાં નવું જ જોમ ભરી દીધું હતું.

  Source: Information Department, Gujarat