Latest News

Chief Minister guiding officials to control corona transition in Morbi

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મોરબીમાં કોરોનાની બીજી લહેરના સંક્રમણને કાબૂમાં લેવા જિલ્લાના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા ગુજરાતે અસરકારક પગલાં લીધા છે. મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંદર્ભે ટેસ્ટીંગ, ટ્રેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ (ત્રણ ટી) પર ભાર મુકી સ્પષ્ટ કહ્યું કે, ગુજરાત સરકાર લોકોની સમજદારી-સાવધાનીના સહયોગ સાથે કોરોનાની વર્તમાન સ્થિતિના પડકારને પાર પાડશે.

  મોરબીમાં મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોરબીમાં સ્થિતિ કાબુમાં છે, બીજી લહેરમાં કોરોનાના કેસો બીજા શહેરોની જેમ મોરબીમાં પણ વધ્યા છે પણ અસરકારક પગલા લેવાઇ રહ્યા છે જેના લીધે લોકોના વધારે પ્રમાણમાં ટેસ્ટ કરીને સંક્રમણને કાબુમાં લેવા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

  આ સાથે જ મુખ્યમત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યાં સમગ્ર ગામનું કોરોના ટેસ્ટીંગ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં મેડીકલ ઓક્સીજનની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે જોકે તાકીદની જરૂરીયાતને ધ્યાને લઇ સામાજિક સંસ્થાને મેડિકલ ઓક્સીજન માટે મીની પ્લાન્ટ સ્થાપવા માટેની કાર્યવાહી કરવા પણ વહિવટી તંત્રને સુચના આપવામાં આવી છે.

  મુખ્યમંત્રીશ્રીએ મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી લેવાયેલા અસરકાકર પગલાંના સંદર્ભમાં કહ્યું કે, આવતી કાલથી મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટીંગ માટે નવી લેબોરેટરી કાર્યરત થઇ જશે. મોરબીમાં સરકારી ૨૮૦ સહિત અંદાજે ૯૦૦ બેડની વ્યવસ્થા છે. હજુ ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટો, સમાજોના સહકરાથી કોરોનાની માઇલ્ડ-સામાન્ય અસરવાળા દર્દીઓને ગ્રામ્ય કરક્ષાએ સારવારની સુવિધા મળી રહે તે માટે લોકસહયોગ અને સરકારના સંકલનથી નવી ૫૦૦ બેડની સુવિધા ઉભી કરાશે.

  જિલ્લાના ૩૫ આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ અને માળખાકીય વ્યવસ્થા વધારવા છૂટ આપવામાં આવી છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ જરૂર મુજબ સુવિધાઓ-દવાઓનો જથ્થો પુરો પડાવામાં આવી રહ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં છે. નવા ૭૦૦ ઇન્જેક્શન આવતી કાલે ફાળવાશે.

  મુખ્યમંત્રીશ્રીએ લોકોને આ સંદર્ભે અપીલ પણ કરી હતી કે, રેમડેસિવિર ઇન્જેક્શનના બીનજરૂરી ઉપયોગથી લિવર તેમજ કીડની જેવા શરીરના મહત્વના અંગોને નુકસાન થાય છે તેવો નિષ્ણાંતોનો મત છે. સરકાર પાસે પૂરતો જથ્થો છે પણ નિષ્ણાંત-તજજ્ઞ તબિબની સલાહ પ્રમાણે જરૂર જણાય તો જ લેવો જોઇએ.

  મુખ્યમંત્રીશ્રીએ મોરબીના સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયાના સંકલનમાં રસીકરણ, જાગૃતિ, કોરોના કેર સેન્ટરની લોક સંસ્થાઓના સહયોગથી ઉભી કરાઇ રહેલી વ્યવસ્થાઓને આવકારી સૌના સાથ અને સહયોગથી આપણે કોરોનાનના સંક્રમણને ખાળવા સફળ થશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીએ મોરબીના જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવાયેલા પગલાં અંગે સંતોષ વ્યક્ત કરી મોરબી સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે મેનેજમેન્ટ બાબતે અધિકારીઓની વિશેષ નિયુક્તિ કરવા માર્ગદર્શન આપી મોરબીના પ્રભારી સચિવશ્રી મનીષા ચંદ્રા હાલના દિવસોમાં સીધી દેખરેખ રાખશે તેમ પણ જણાવ્યું હતું.

  આ સાથે જ મોરબી જિલ્લામાં કોવીડ-૧૯ના દર્દીઓને અપાઇ રહેલ સુવિધાઓ અંગે પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વાકેફ થયા હતા અને માસ્ક અંગે લોકોમાં જાગૃતિ છે તેમ છતાં જે લોકો માસ્ક ન પહેરતા હોય તેમની સામે કાર્યવાહી કરવા પણ પોલીસને સુચના આપી હતી. આ ઉપરાંત માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી કોઇ કોવીડ દર્દી બહાર ન નીકળે અને સંક્રમણ ન ફેલાવે તે અંગે પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યશ્રી પરષોત્તમ સાબરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્ભલજીભાઇ દેથરિયા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, પ્રભારી સચિવશ્રી મનિષા ચન્દ્રા, જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ, રેન્જ આઇ.જી. સંદિપ સિંઘ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષી, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. અને સિવિલ સર્જન સહિતના અધિકારીઓની ઉપસ્થિતમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

  Source: Information Department, Gujarat