Latest News

CM inaugurates oxygen plant constructed by Hemchandracharya North Gujarat University, Patan

હવામાંથી ઓક્સિજન બનાવવાના PSA પ્લાન્ટ દ્વારા ૩૦૦ ટન ઓક્સિજન મેળવી ગુજરાત ઓક્સિજનમાં પગભર થશે  : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

…….

  • રૂપિયા ૬૦ લાખના ખર્ચે માત્ર ૧પ દિવસમાં તૈયાર થયેલા ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટથી પાટણ શહેરજિલ્લા અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમ્યાન ઓક્સિજન જરૂરિયાત પૂર્ણ થઇ શકશે
  • લિક્વિડ ઓક્સિજન પર આધાર રાખવો પડે તે માટે હવામાંથી પીએસએ દ્વારા ઓક્સિજન વ્યાપક પ્રમાણમાં ઉત્પન થાય તે પ્રકારનું રાજ્ય સરકારનું આયોજન
  • હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરનારી રાજ્યની પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સિટી બની

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં 1800  મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થાઓ ઊભી કરવાની નેમ રાખી છે.

આવા ઓકસીજન પ્લાન્ટમાં હવામાંથી ઓક્સિજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક પ્લાન્ટનું આપણે લોકાર્પણ સંપન્ન કર્યું છે તેમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રૂ. ૬૦ લાખના ખર્ચે માત્ર ૧પ દિવસમાં તૈયાર થયેલા આ ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટથી પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમ્યાન ઓક્સિજન જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઇ શકશે. એટલું જ નહીં, ૧૩ કિલો લીટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતાના આ પ્લાન્ટથી એક સાથે ૪૦ સિલીન્ડર ભરી શકાય છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં ખુબ જ ઝડપથી કેસો વધ્યા, ઓક્સિજન બેડ તેમજ ઓક્સિજનની જરૂરિયાત પણ ખુબ મોટી માત્રામાં ઊભી થઈ હતી. ત્યારે કેન્દ્ર સરકારે એરફોર્સના વિમાનો તેમજ રેલવે દ્વારા ઓક્સિજનને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડ્યો હતો.

આમ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના માર્ગદર્શન હેઠળ ઝડપથી આ સમસ્યમાંથી બહાર નીકળી શક્યા છીએ.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ઓક્સિજન સામાન્ય રીતે જે ખપત 250 ટન રહેતી હતી એ બીજી લહેરમાં ઓક્સિજનની 1200 ટન ખપત થવા લાગી હતી. ત્યારે કેન્દ્ર સરકારે ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શન જેવી તમામ પ્રકારની મદદ ગુજરાતને કરી હતી. આ બીજી લહેરમાં પણ ઓક્સિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં સુનિશ્વિત કર્યો હતો.

કોરોનાની બીજી લહેરમાં અનેક રાજ્યમાં ઓક્સિજનની અછતને કારણે દર્દીઓના મૃત્યુ થયા હતા પણ ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજનના અછતને કારણે થયું નથી એમ મુખ્યમંત્રીશ્રી એ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, કોરોનાની બીજી લહેરમાં રાજ્યની તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા આપણે સુપરે રીતે પાર પાડી છે. આજે ઓક્સિજનની ખપત 1200 ટનમાં ઘટીને 300 ટન થઇ ગઇ છે. એટલે કે એક મોટી સમસ્યામાંથી પણ આપણે હવે બહાર આવી ગયા છીએ.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે તાઉતે વાવાઝોડા દરમ્યાન પણ  અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલમાં ઓક્સિજનની અછત કે દર્દીઓને કોઇપણ પ્રકારની સમસ્યા ન થાય તેના માટે પણ આગોતરું પ્લાનિંગ કર્યું હતું.

એવા વિસ્તારો કે જ્યાં આ વાવાઝોડાની વધુ અસર થવાની હતી, તેવા વિસ્તારોમાં ઓક્સિજનનો સપ્લાય અટકે નહીં તેમજ ઓક્સિજનની ઘટ ન પડે તે માટે રાજ્ય સરકારે એડવાન્સમાં ઓક્સિજનનો સ્ટોક રાખ્યો હતો. આમ, તાઉતે વાવાઝોડા દરમ્યાન સૌરાષ્ટ્રની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટ પડવા દીધી નહોતી એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. આપણે લિક્વિડ ઓક્સિજન પર આધાર રાખવો ન પડે તે માટે હવામાંથી પીએસએ દ્વારા ઓક્સિજન વ્યાપક પ્રમાણમાં ઉત્પન થાય તે પ્રકારનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. આમ, પીએસએ પ્લાન્ટ દ્વારા ઓક્સિજન ઉત્પન કરીને ગુજરાતમાં ઓક્સિજનની ખપતને પહોંચી વળવાની સરકારની તૈયારીઓ છે.

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ સ્ટેટ હોવાના કારણે ઇન્ડ્સ્ટ્રિયલ ઓક્સિજનની જરૂરિયાત રહે છે. આ સાથે હોસ્પિટલ તેમજ રિચર્સ માટે પણ ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આવનારા સમયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટ આ વિસ્તારમાં ઓક્સિજન પૂરો પાડવામાં ઉપયોગી બનશે એમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે પાટણ ખાતે સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, વાઈસ ચાન્સેલર શ્રી જે.જે.વોરા, નગરપાલિકા પ્રમુખ શ્રી સ્મિતાબહેન પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસિંહ ગુલાટી, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી ધર્મેન્દ્ર પટેલ,મેડીકલ કોલેજ- ધારપુરના ડીન ડૉ.ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથભાઇ, યુનિવર્સિટીના સભ્યોશ્રી, દાતાશ્રીઓ સહિત પદાધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat