Latest News

CM launches Grievance Redressal App developed by Rajkot District Panchayat

પ્રજાના પ્રશ્નો – રજૂઆતો માટે ટેકનોલોજીના ઉપયોગથી ‘પ્રજાના પ્રશ્નો’ એપ્લીકેશન વિકસાવવાની આગવી પહેલ કરતી રાજકોટ જિલ્લા પંચાયત

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા એપનું લોન્ચિંગ કર્યુ

ગુજરાતે ગ્રામીણ નાગરિકોને સિટીઝન સેન્ટ્રીક સેવાઓ ઘર આંગણે આપવા ડિઝીટલ સેવાસેતુનો નવતર અભિગમ અપનાવ્યો છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી :-

  • રાજ્યના ૧૦ હજાર ગામોમાં ડિઝીટલ સેવાસેતુ અન્વયે સરકારના વિભાગોની પપ જેટલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ છેઆગામી દિવસોમાં તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોને સાંકળી લેવાની નેમ
  • ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ
  • પ્રજાના પ્રશ્નોસમસ્યાઓરજુઆતોનું સુખદ નિવારણ લાવવું તે પંચાયતી રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓની નૈતિક જવાબદારી બને છે
  • રાજકોટ જિલ્લા પંચાયતે જન સમસ્યાઓની રજુઆતો માટે પ્રજાના પ્રશ્નો નામની ઓનલાઈન એપ વિકસાવી છે તે રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકશાહિ શાસન વ્યવસ્થામાં લોકો-પ્રજાના પ્રશ્નો-રજૂઆતોનું ત્વરિત નિવારણ લાવી જન અપેક્ષા સંતોષવાનું ચૂંટાયેલા પ્રતિનિધિઓનું દાયિત્વ અને જવાબદારી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, રાજકોટ જિલ્લા પંચાયતે જન સમસ્યાઓની રજુઆતો માટે  “પ્રજાના પ્રશ્નો” નામની ઓનલાઈન એપ વિકસાવી છે તે રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ છે.

આજના ટેકનોલોજીના યુગમાં તમામ સેવાઓ ઓનલાઈન મળી રહે તે સમયની માંગ છે. સાથોસાથ ભ્રષ્ટાચારમુકત અને ઝડપી વહિવટ વ્યવસ્થાઓ વિકસાવવી પણ આવશ્યક છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લા પંચાયતની ફોન એપ્લિકેશનનું ગાંધીનગરથી ઇ- લોન્ચિંગ કરતા કહ્યું કે, “પ્રજાના પ્રશ્નો”  એપ્લિકેશનના માધ્યમથી લોકો પોતાના પ્રશ્નો જ નહિ પરંતુ કોઇ પણ વ્યક્તિએ પોતાના વિસ્તાર માટે કોઇ સૂચન આપવું હોય તો એ પણ જિલ્લા પંચાયત પ્રમુખને આ એપ દ્વારા સીધું પહોચાડી શકશે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં આ પ્રકારની નવીનતમ એપ બનાવી રાજકોટ જિલ્લા પંચાયતે લોકાભિમુખ વહીવટનો પરિચય આપ્યો છે. વ્યવસ્થા ભ્રષ્ટાચારમુક્ત બને અને પ્રશ્નોનો ત્વરિત-ઝડપી નિકાલ થાય એ પ્રજાની માંગ હોય છે ત્યારે આ માંગને સંતોષવાની સાથે વડાપ્રધાનશ્રીના ડિજીટલ ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવામાં પણ આ એપ્લિકેશન યોગદાન આપશે.

રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓની સંપૂર્ણ માહિતી પણ રાજકોટ જિલ્લાના પ૯પ ગામોમાં ગ્રામજનોને આ એપ્લિકેશનના માધ્યમથી ઘર આંગણે મળતી થશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જન સામાન્યના નાના-નાના પ્રશ્નોના નિરાકરણ માટે ડિજીટલ સેવા સેતુની રાજ્ય સરકારે શરૂઆત કરી છે. સરકારના ૧૦થી વધુ વિભાગોની ૫૫ (પંચાવન) જેટલી સેવાઓ ડિજિટલ સેવા સેતુ થકી નાગરિકોને ઉપલબ્ધ છે. ડિજિટલ સેવા સેતુની સેવા ૧૦ હજાર ગ્રામ પંચાયત સુધી વિસ્તરી છે. આવનારા દિવસોમાં બધી જ ૧૪ હજાર ગ્રામ પંચાયતોને જોડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે ગુજરાતમાં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ગ્રામીણ નાગરિકોને જરૂરી સેવાઓ, પ્રમાણપત્રો, દાખલાઓ પોતાના ગામના પંચાયત ઘરેથી જ સરળતાએ મળી જાય તેવી ટેકનોલોજી યુક્ત ડિજિટલ સેવા સેતુની બહુ આયામી સેવાઓની વિશદ ભૂમિકા આપી હતી. ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રણાલી થકી ગ્રામ પંચાયતો મિનિ સચિવાલય બને તેવી સરકારની નેમ તેમણે વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પ્રજા કલ્યાણના આ ટેકનોલોજીયુકત અભિગમ માટે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને સમગ્ર ટિમને અભિનંદન આપ્યા હતા અને અન્ય જિલ્લા પંચાયતો માટે આ પહેલ પથદર્શક બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

શ્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રામ પંચાયતો- તાલુકા પંચાયતોને ફાઈબર નેટવર્કથી જોડી સરકારી સેવાઓનો લાભ લોકોને ટેકનોલોજીના વિનિયોગથી ઝડપથી આપવાની વ્યવસ્થામાં આવતા પ્રશ્નોનું નિયમિત મોનીટરીંગ થાય, ફોલો અપ થાય તેવી તાકીદ પણ પંચાયત પદાધિકારીઓને કરી હતી.

જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ શ્રી ભૂપતભાઇ બોદરે આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. આ એપના માધ્યમથી જિલ્લાના ૧૧ તાલુકાના પ૯પ ગામોના લોકોને તલાટી, સરપંચ સાથે પણ કનેકટ થઇ શકશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય શ્રી લાખાભાઇ, પંચાયતના સદસ્યો પદાધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વેદ ચૌધરી, પોલિસ અધિક્ષક શ્રી બલરામ મીના વિગેરે રાજકોટથી વીડિયો લિંક મારફતે જોડાયા હતા.

Source: Information Department, Gujarat