Latest News

CM launches website on Maa Narmada Mahotsav, to be celebrated in 24 districts of Guj

ગુજરાતની જીવાદોરી બહુહેતુક નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારે આપેલા ઐતિહાસિક નિર્ણયને પગલે ગુજરાતના ભાવિ વિકાસના દ્વાર ખૂલ્યા છે.

         આ ઐતિહાસિક નિર્ણયને જનભાગીદારીથી ઉમંગ-ઉત્સવ તરીકે રાજ્યમાં મા નર્મદા મહોત્સવથી ઉજવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ મા નર્મદા મહોત્સવની રાજ્ય ઉજવણીની વિગતો સાથેની વેબ સાઇટ www.narmadamahotsav.gujarat.gov.inનું આજે ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું.

આ મા નર્મદા મહોત્સવ અંતર્ગત રાજ્યના મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ ચાર ઝોનમાં ર૪ જિલ્લાના ૧૦ હજારથી વધુ ગામોમાં નર્મદા રથના વધામણા કરવાનો જનઉત્સવ ઉજવાશે.

        ગુજરાતની ચાર કરોડથી વધુ જનસંખ્યા પર નર્મદા યોજનાના મહત્વ અને અસર વિશે જાગૃતિ લાવવા સાથે ડેમની વધેલી જળ સંગ્રહ ક્ષમતા, પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ જળ સંરક્ષણના પ્રયાસોમાં જનસમુદાયની સહભાગીતા ઉજાગર કરવાની બાબતો આ મહોત્સવમાં આવરી લેવાઇ છે.

        અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, આ મા નર્મદા મહોત્સવ તહેત યાત્રામાં જોડાવા ઇચ્છુક સ્વયંસેવક, સંસ્થાઓ તેમજ રકતદાન કેમ્પમાં જોડાવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.    તદ્ઉપરાંત કાવ્ય, નિબંધ, સ્લોગન સ્પર્ધા સાથે જ નર્મદાના જળથી થયેલ લાભની સફળતાગાથાની એક મિનીટની મોબાઇલ ફિલ્મની સ્પર્ધાઓ યોજવામાં આવશે.

        આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.રપ જુલાઇ-ર૦૧૭ સુધીમાં કરાવવાનું રહેશે.

        ધોરણ-૧૦ સુધીના શાળા વિદ્યાર્થીઓ, ધોરણ-૧૧ થી કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકો એમ ત્રણ કેટેગરીમાં યોજાનારી આ સ્પર્ધાઓમાં દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓને રૂ. રપ થી ૧૦ હજારના પુરસ્કારો એનાયત કરવામાં આવશે.

        મા નર્મદા મહોત્સવ રાજ્યના કૃષિ સહિત સર્વાંગી વિકાસનો ઉત્સવ બની રહે તેવા આશયથી હાઇટેક ખેતી વિષયક સાહિત્ય, કૃષિ ઊદ્યોગ સાહસિકતા તથા કુશળતા વિકાસ તાલીમ કાર્યક્રમ, સૂક્ષમ સિંચાઇ માટે સબસિડી માટે નોંધણી, રોપા ઉછેર અને સોઇલ ટેસ્ટીંગ જેવા વિષયો માટે પણ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

        આ વેબ સાઇટમાં મા નર્મદા મહોત્સવના આયોજનની તલસ્પર્શી વિગતો ઉપરાંત નર્મદા નદીના ઉદગમ સ્થાનથી લઇને સ્ત્રાવ ક્ષેત્ર, સરદાર સરોવર યોજનાની વિગતો તેમજ સૌની યોજના, સુજલામ-સુફલામ યોજના, નમર્દા યોજનાની પ્રગતિમાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇના નિર્ણાયક યોગદાન અને નહેર માળખુ, બંધની ઊંચાઇ વધારવાના કામો અને નિર્ણાયક તબક્કે પહોચાડવા સહિતની વિગતો પણ ઓન લાઇન ઉપલબધ્ધ કરાવવામાં આવી છે.

        અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, રાજ્ય સરકારના કૃષિ-સહકાર, શિક્ષણ, આરોગ્ય પરિવાર કલ્યાણ, મહિલા-બાળ વિકાસ, રમત-ગમત યુવકસેવા, ગ્રામવિકાસ, નર્મદા-જળસંપત્તિ, પાણી પૂરવઠા તથા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ આ મા નર્મદા મહોત્સવના આયોજનમાં સક્રિય ભૂમિકા નિભાવશે.

        આ સમગ્ર મહોત્સવ ‘સૌના સાથ સૌના વિકાસ’ના મંત્રને મા નર્મદાની જળક્રાંતિથી સાકાર કરનારો બહુઆયામી મહોત્સવ બનવાનો છે.

Source: Information Department, Gujarat