Latest News

CM permits vehicles for transporting borewells amidst lockdown

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના વ્યાપને કારણે જાહેર થયેલા લોકડાઉન દરમ્યાન રાજ્યના ખેડૂતોને પિયત સિંચાઇ માટે સગવડતા આપતો કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે.

    મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં જે ખેડૂતો પોતાના ખેતરમાં પિયત માટે બોરવેલ કરાવવા માંગતા હોય તેવા ધરતીપુત્રોને બોરવેલ શારકામ માટેના વાહનોને એક જિલ્લાથી બીજા જિલ્લા કે તાલુકાથી તાલુકા સુધી સમગ્ર રાજ્યમાં અવર-જવર માટેની છૂટછાટ આપી છે.

    મુખ્યમંત્રીશ્રીના સચિવે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આવા બોરવેલ શારકામ માટેના ઉપયોગમાં લેવાતા વાહનોને સમગ્ર રાજ્યમાં અવર-જવર માટે કોઇ લોકડાઉન મુકિત પાસ સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર પાસેથી લેવાના રહેશે નહિ.

    મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોએ પોતાના પાકની પિયત સિંચાઇ માટે ખેતરમાં બોરવેલ કરાવી શકાય તે માટે બોરવેલ-શારકામ વાહનોને ખેતર સુધી આવવામાં લોકડાઉન દરમ્યાન તકલીફ ન પડે-અવરોધ ન થાય તેવી રજૂઆત ધરતીપુત્રોએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરી હતી.

    શ્રી વિજયભાઇ રૂપાણીએ આવી રજૂઆતો પ્રત્યે સંવેદના દર્શાવતાં આ ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

    રાજ્યમાં લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં ગરીબ અને અગ્રતા ધરાવતા ૬૬ લાખ પરિવારો જે NFSA અંતર્ગત અનાજ મેળવે છે તેમને આર્થિક સહાય રૂપે રૂ. ૧ હજાર બેન્ક ખાતામાં જમા કરાવવાના મુખ્યમંત્રીશ્રીના નિર્ણયની ફલશ્રુતિ રૂપે અત્યાર સુધીમાં પ૦ લાખ લોકોના ખાતામાં આવી સહાયની કુલ રૂ. પ૦૦ કરોડની રકમ રાજ્ય સરકારે જમા કરાવી છે તેમ પણ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં આવા ૬૬ લાખ અંત્યોદય-અગ્રતા ધરાવતા પરિવારોને NFSA યોજના અન્વયે મળતા અનાજ ઉપરાંત વધારાના અનાજ તરીકે વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખાનું વિનામૂલ્યે વિતરણ તા. રપ મી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે.

    મુખ્યમંત્રીશ્રીના સચિવે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, અત્યાર સુધીમાં ૩પ લાખ પરિવારોએ આ અનાજ વિતરણનો લાભ મેળવ્યો છે.

    તેમણે જણાવ્યું કે, ખેડૂતોના ખેત ઉત્પાદનો ખેતીવાડી બજાર સમિતી-માર્કેટીંગ યાર્ડમાં વેચાણ માટે આવવાની પણ રાજ્ય સરકારે છૂટ તા. ર૦ એપ્રિલથી આપેલી છે.

    આ અન્વયે મંગળવારે રાજ્યના ૧૪ર માર્કેટયાર્ડમાં ૮ લાખ ૮૭ હજાર ર૪૩ કવીન્ટલ અનાજની આવક થઇ છે. આમાં મુખ્યત્વે ઘઉં ૪ લાખ ૧ર હજાર કવીન્ટલ, એરંડા ર લાખ ૪૧ હજાર કવીન્ટલ અને રાયડો ૪૮,૧ર૧ કવીન્ટલ છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

    લોકડાઉનના ૩પમાં દિવસે રાજ્યમાં ૪૭.૩ર લાખ લીટર દૂધનું વિતરણ તેમજ ૧ લાખ ૪૪ હજાર ૮૧૮ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેની વિગતો પણ શ્રી અશ્વિનીકુમારે આપી હતી.

    Source: Information Department, Gujarat