મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ગાંધી વિચારને લોકો જાણે અને સમજે તે માટે GTU દ્વારા તૈયાર કરેલ પુસ્તકમાં વિદ્યાર્થીઓની શ્રેણી દ્વારા “૨૧મી સદીમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા” અને અધ્યાપક શ્રેણીમાં “એજન્ડા ૨૦૩૦(SDG) સિદ્ધ કરવામાં ગાંધીવિચારની ભૂમિકા” વિષય ઉપર નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ૩૦૦૦ શબ્દોની નિબંધ સ્પર્ધામાં કુલ ૧૦ વિજેતાઓને રૂ. ૨૧,૦૦૦થી રૂ. ૧૦૦૦ સુધીના પારિતોષિક આપીને સન્માનિત કરાયા હતા. આ બંને શ્રેણીમાં પ્રથમ ૧૦ વિજેતાના વિદ્યાર્થી અને અધ્યાપકોના નિબંધ ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. આ નિબંધ સ્પર્ધામાં અધ્યાપક શ્રેણીમાં ૫૫ અધ્યાપકોએ જ્યારે વિદ્યાર્થી શ્રેણીમાં કુલ ૩૨૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી શ્રેષ્ઠ ૧૦ વિદ્યાર્થી અને અધ્યાપકોની પસંદગી કરવામાં આવી છે.
આ વિમોચન પ્રસંગે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ, કુલસચિવ ડૉ. કે. એન. ખેર, આસિસ્ટન્ટ રજિસ્ટાર ડૉ. અશોક ચાવડા અને ડૉ. ગોહિલ સહિત પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat