Latest News

CM releases archival collection on Sardar Vallabhbhai Patel

  લોહપુરૂષ સરદાર સાહેબના જીવન કર્તૃત્વને નવી પેઢી સમક્ષ ઊજાગર કરવાની પ્રતિબધ્ધતા

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એકતા અખંડિતતાના શિલ્પી લોહપુરૂષ સરદાર પટેલના જીવન કર્તૃત્વને નવી પેઢી સમક્ષ ઊજાગર કરવાના પ્રયાસોમાં રાજ્ય સરકારના સહયોગની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે.

  સરદાર સાહેબના જાહેરજીવન શતાબ્દિ અવસર ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આર્કાઇવલ સંગ્રહ પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.

  શ્રી વિજય રૂપાણીએ સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા આ સમારોહમાં જણાવ્યું કે, સરદાર સાહેબ પર સંશોધન કરનારાઓને આ સંગ્રહ મદદરૂપ થવાનો છે.

  તેમણે સરદાર સાહેબની વિરાટતમ પ્રતિભા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આકાર પામી રહી છે તે વિશ્વભરના પ્રવાસીઓનું આગવું આકર્ષણ બને તેવી ભવ્ય બનાવવાના પ્રગતિ કાર્યની ભુમિકા આપી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સરદાર સાહેબ ગુજરાતનું ગૌરવ છે, પરંતુ કમનસીબે સરદાર સાહેબને ભુતકાળમાં ભુલવાડી તેમના વ્યકિતત્વ-પ્રવૃત્તિઓને બાય પાસ કરવામાં આવી હતી.

  ગુજરાતના આ વીર સપૂતના ભારતની અખંડિતતા માટેના સર્વોચ્ચ પ્રદાનને હવે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઊજાગર કરીને સરદાર સાહેબનું જીવન-કર્તવ્ય-સ્ટેચ્યુ ઓફ યુનિટી એ બધું જ રાજકીય કે સરકારી નહિ પરંતુ પ્રજાકીય મૂવમેન્ટ બને તે માટે શ્રી નરેન્દ્રભાઇની  પ્રેરણા સતત મળે છે.

  આ વિમોચન વેળાએ મુખ્યસચિવશ્રી ડો. જે. એન. સિંહ, સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના સભ્યસચિવશ્રી અને અગ્રસચિવશ્રી કે. શ્રીનિવાસ, સરદાર સાહેબ સ્મૃતિગ્રંથ સાથે સંકળાયેલા ઇતિહાસવિદો, વરિષ્ઠ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat