• મેરેથોન દોડનું આયોજન લોકોમાં જાગૃતિના સંચાર કરે છે લોકોને જોડે છે અને ભાઇચારાની ભાવનાને બળવત્તર બનાવે છે: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
• આવતા વર્ષે વડોદરા મેરેથોનમાં એક લાખ લોકો જોડાયા, મુખ્યમંત્રીશ્રીએ પાઠવી શુભેચ્છા
• મુખ્યમંત્રીશ્રીની ગુજરાતના હિતમાં નિર્ણયો લેવાની મેરેથોન સાહસિકતાને બિરદાવાઇ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરના નવલખી મેદાન ખાતેથી ઓએનજીસી પેટ્રોએડીસન્સ લિ.(ઓપલ) વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન-૨૦૧૭ના ધાવકોને પ્રસ્થાન કરાવ્યુ હતું. ભારતના ખેલ મંત્રીશ્રી વિજયકુમાર ગોયલ, ગુજરાતના ખેલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટૃ, મેયર શ્રી ભરત ડાંગર તેમજ ધારાસભ્યશ્રીઓ અને ધર્મગુરૂઓ પ્રસ્થાનમાં તેમની સાથે જોડાયા હતા. તેમણે આવતા વર્ષે વડોદરા મેરેથોનમાં એક લાખ લોકો જોડાય તેવી શુભેચ્છા પાઠવવાની સાથે શ્રીમતી તેજલ અમીન તેમજ આયોજક ટીમને સ્વસ્થતા દાયક મેરેથોન પરંપરાની સાથે સ્વચ્છ ભારત ડિજીટલ ઇન્ડિયા અને કેશલેસ ઇન્ડિયાના પ્રધાનમંત્રીશ્રીના દેશ ઘડતરના સંકલ્પોને જોડવા માટે અભિનંદન આપ્યા હતા.
મેરેથોનના આયોજકોએ મુખ્યમંત્રીશ્રીની ગુજરાતના હિતમાં પ્રગતિશીલ નિર્ણયો લેવાની સાહસિકતાને બિરદાવી હતી. વડોદરા મેરેથોન ટીમ દ્વારા પ્રથમવાર ફુલ મેરેથોન યોજવામાં આવી હતી જેમાં ચાર હજાર અને અન્ય શ્રેણીઓમાં મળીને કુલ ૭૨૦૦૦થી વધુ ધાવકોએ મેરેથોનમાં જોડાઇને અપરંપાર ઉત્સાહના દર્શન કરાવ્યા હતા.
સાંસ્કૃતિક નગરી વડોદરા હંમેશા નવા પ્રવાહો, પરંપરા શરૂ કરે છે એવી લાગણી વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, મેરેથોન દોડનું આયોજન લોકોમાં જાગૃતિનો સંચાર કરવાની સાથે લોકોને જોડે છે અને એકતાની તેમજ ભાઇચારાની ભાવનાને મજબૂત કરે છે. રાજય સરકાર વિવિધ સંસ્થાઓ મેરેથોન જેવા સમાજને જોડતા અને રમત પ્રોત્સાહક આયોજનો કરે એવો આગ્રહ રાખવાની સાથે આવા આયોજનોને પીઠબળ આપે છે. તેમણે મેરેથોન્સની સાથે સ્વચ્છતા સહિતના સમાજોપયોગી વિચારો (થીમ્સ) જોડવાના અભિગમની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, વડોદરાની મેરેથોન વાઇબ્રન્ટ ગુજરાતની યાદ અપાવે છે અને ગુજરાત દોડતા દોડતા પ્રગતિ કરે એવો સંદેશ આપે છે. તેમણે મેરેથોનમાં દિવ્યાંગો માટે વિશેષ શ્રેણી રાખીને દિવ્યાંગતાની શકિતને પ્રોત્સાહિત કરવાની ભાવનાને બિરદાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળમાં નવલખી મેદાન ખાતેથી પ્રધાનમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવેલી રન ફોર યુનિટીની યાદોને વાગોળી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાઇ ગયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી વિશ્વમાં ગુજરાતની પ્રતિષ્ઠા વધી છે અને વિશ્વની આશાભરી નજર ગુજરાત પર મંડાઇ છે. તેમણે સ્વચ્છ ભારતના વિચારને મેરેથોન સાથે જોડવાના અભિગમને આવકારતા જણાવ્યુ હતું કે, તેનાથી સ્વચ્છ વડોદરા વધુ સ્વચ્છ બનશે.
ભારત સરકારના ખેલ મંત્રી શ્રી વિજયકુમાર ગોયલે પ્રથમવાર વડોદરામાં ફુલ મેરેથોન યોજાય અને તેના સાક્ષી બનવાનો અવસર મળ્યો એ માટે આનંદની લાગણી વ્યકત કરી હતી. ક્રિકેટર બંધુઓ ઇરફાન-ઇમરાન સહિત વડોદરાના વિવિધ રમતોના નામાંકિત ખેલાડીઓને આ પ્રસંગે સન્માનવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ છઠૃી વાર વડોદરા મેરેથોન યોજાઇ હતી. સન ૨૦૦૯થી વડોદરા મેરેથોનને રાજયના મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવે એ સ્થાપિત પરંપરાને શ્રી વિજયભાઇ રૂપાણીએ આગળ ધપાવી હતી.
Source: Information Department, Gujarat