Latest News

CM’s video conference with district collectors of Gir Somnath-Amreli-Bhavnagar

તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત ગીર સોમનાથઅમરેલીભાવનગરના જિલ્લા કલેકટરો સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વિડીયો કોન્ફરન્સ

કેશડોલ્સ ઘરવખરી સહાય મકાન નુકશાન સહાય ચુકવણીની સંપૂર્ણ વિગતો મેળવતા શ્રી વિજયભાઇ રૂપાણી

ખોટો લઇ જાયસાચો રહિ જાય તે તકેદારી સાથે સહાયની રકમ ચુકવવા મુખ્યમંત્રીશ્રીની તાકીદ

  • ત્રણ જિલ્લામાં કુલ .૮ર લાખ વ્યક્તિઓને રૂ. રપ.૬૦ કરોડ કેશડોલ્સ જિલ્લા તંત્રએ ચૂકવી
  • ગીર સોમનાથ ભાવનગર અમરેલી જિલ્લામાં ૬૦૩૭૩ પરિવારોને રૂ. પ૧.૭૭ કરોડ ઘરવખરી સહાય DBT થી અપાઇ
  • સંપૂર્ણ નાશ પામેલા ૧૮૩૪ મકાનો માટે ૧૦૦ ટકા મકાન નુકશાન સહાય ચુકવવામાં આવી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચુકવણીની હાથ ધરાઇ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો કલેકટરો પાસેથી મેળવી હતી.

આ ત્રણેય જિલ્લાઓમાં કુલ મળીને ૪,૮ર,૧૯ર લોકોને સમગ્રતયા રૂ. રપ.૬૧ કરોડની કેશડોલ્સ ચુકવવામાં આવી છે.

રાજ્ય સરકારના નિયમો-ધોરણો અનુસાર આ કેશડોલ્સમાં પુખ્ત વયની વ્યક્તિ માટે રોજના રૂ. ૧૦૦ અને સગીર-બાળક માટે રોજના રૂ. ૬૦ પ્રમાણે ૭ દિવસની કેશડોલ્સ ચુકવવામાં આવે છે.

તદઅનુસાર ગીર-સોમનાથમાં ૧ લાખ ૧ હજાર ર૮૪ વ્યક્તિઓને પ.૮ કરોડ રૂપિયા, ભાવનગર જિલ્લામાં ૭૬,ર૮૯ લોકોને ૪ કરોડ પ૭ લાખ રૂપિયા તેમજ અમરેલી જિલ્લામાં ૩ લાખ ૪ હજાર ૬૧૯ લોકોને ૧પ.ર૪ કરોડ રૂપિયા કેશડોલ્સ સંબંધિત જિલ્લા તંત્રવાહકોએ ચુકવીને કેશડોલ્સ ચુકવણીની ૧૦૦ ટકા કામગીરી પૂરી કરી દીધી છે.

મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્તોને સહાયની ચુકવણીમાં કોઇ ખોટી વ્યક્તિ સહાય લઇ ન જાય અને સાચી વ્યક્તિ વંચિત ન રહી જાય તેવી તકેદારી અને વેરીફિકેશન સાથે કોઇ પણ દબાણને વશ થયા વિના આ કામગીરી કરવા જિલ્લા કલેકટરોને સ્પષ્ટ તાકીદ કરી હતી.

તેમણે ઘરવખરી સહાયની રકમ અસરગ્રસ્તોના બેંક ખાતામાં સીધી જ ડી.બી.ટી.થી જમા થાય તે સુનિશ્ચિત કરવા પણ સંબંધિત જિલ્લા તંત્રવાહકોને સૂચના આપી હતી.

આ ત્રણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિવાર દીઠ રૂ. ૭ હજાર પ્રમાણે ઘરવખરી સહાયના રાજ્ય સરકારના ધોરણો અનુસાર ઘરવખરી સહાય ચુકવવામાં આવી છે. જેમાં ગીર સોમનાથમાં ૩ર,૧૩૮ પરિવારોને રૂ. ૨ર.પ કરોડ, અમરેલી જિલ્લામાં ૧૬,પ૩૮ પરિવારોને રૂ. ૪.૩ર કરોડ અને ભાવનગર જિલ્લામાં ૧૧,૬૯૭ પરિવારોને રૂ. ર.૪૯ કરોડ એમ સમગ્રતયા રૂ. ર૯.૩૧ કરોડની ઘરવખરી સહાયનો લાભ ૬૦,૩૭૩ પરિવારોને આપવામાં આવ્યો છે.

આ ઘરવખરી સહાયની ચુકવણી ડી.બી.ટી. દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહિ, ૧૦૦ ટકા કામગીરી સંપન્ન થઇ ગઇ છે.

મુખ્યમંત્રીશ્રીએ તાઉતે વાવાઝોડાનો તિવ્ર પવનની ગતિને કારણે આ ત્રણેય જિલ્લાઓમાં કાચા-પાકા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હોય, આંશિક નુકશાન થયું હોય-દિવાલ કે છત ધરાશાયી થઇ ગયા હોય, ઝૂંપડા નાશ પામ્યા હોય કે પશુ રાખવાના વાડા-ગમાણને નુકશાન થયું હોય તે અંગે પણ ચુકવવામાં આવેલી સહાયની વિગતોની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ વાવાઝોડાને પરિણામે સંપૂર્ણ નાશ પામેલા કાચા-પાકા મકાનોને મકાન દીઠ રૂ. ૯પ,૧૦૦ સહાય આપવાનો જે ઉદાર નિર્ણય કર્યો છે તે અનુસાર આ ત્રણેય જિલ્લામાં કુલ ૧૮૩૪ મકાનો સંપૂર્ણ નાશ પામ્યા છે તેને ૧૦૦ ટકા સહાય આપી દેવાઇ છે.

તાઉતે વાવાઝોડાને પરિણામે એવા કાચા-પાકા મકાનો જેને આંશિક નુકશાન થયું હોય, દિવાલ કે છત ધરાશાયી થઇ હોય તેવા ૧પ ટકાથી વધુ નુકશાન ધરાવતા મકાનોને રૂ. રપ હજારની સહાય આપવાનો અભિગમ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવેલો છે.

તદઅનુસાર, ગીર સોમનાથ જિલ્લામાં ૩૮,૪ર૭ મકાનો માટે રૂ. ૯પ.૬૦ કરોડ, ભાવનગરમાં ૭૯પ૦ મકાનો માટે રૂ. ૧ર કરોડ અને અમરેલીમાં ૧૬,૯૧૪ મકાનો માટે ૩૪.૩૯ કરોડ રૂપિયાની સહાય જિલ્લા વહિવટીતંત્રોએ ચુકવણી આપી છે.

એટલું જ નહિ, પશુઓ રાખવાની જગ્યા વાડા-ગમાણને થયેલા નુકશાનમાં પણ દરેક જિલ્લામાં રૂ. પાંચ હજારની સહાય ચુકવવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સહાય ચુકવણીની સમીક્ષા ઉપરાંત આ જિલ્લાઓમાં વીજપુરવઠો રિસ્ટોર થવા અંગેની અને માર્ગો-પાણી પુરવઠાની સ્થિતી પણ પૂર્વવત થવા અંગેની વિસ્તૃત જાણકારી સંબંધિત કલેકટરો પાસેથી મેળવી હતી.

તેમણે આ વિસ્તારોમાં ખાસ કરીને ગીર-સોમનાથ જિલ્લામાં મોટાભાગે એટલે કે ૯૦ ટકા ગામો-નગરોમાં વીજપુરવઠો પૂર્વવત થઇ ગયો છે તેની વિગતોના સંદર્ભમાં સ્પષ્ટ સુચનાઓ આપી કે બાકી રહેતા ૧૦ ટકા વિસ્તારોમાં બનતી ત્વરાએ વીજપુરવઠો રિસ્ટોર થાય તે અંગેનું સંકલન જિલ્લા કલેકટરો વીજ કંપનીઓ સાથે કરે.

આ વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન પણ જોડાયા હતા.

Source: Information Department, Gujarat