Latest News

CM visits Gift City, holds meeting with officials to review undergoing works

    મહેસૂલ મંત્રીશ્રી–મુખ્ય સચિવ શ્રી સહિત વરિષ્ઠ સચિવોને સાથે રાખી ગિફટ સિટીમાં બેઠક યોજી:-

    ગિફટ સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના અન્ય અદ્યતન સુવિધા વૃદ્ધિ કાર્યો માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે ફોલોઅપમાં રહી ત્વરાએ ઉકેલ લાવવા મુખ્યમંત્રીશ્રીનું સૂચન

    ……..

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફટ સિટીની મુલાકાત લઇને વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ ગતિવિધિઓની તલસ્પર્શી જાણકારી મેળવીને હાથ ધરાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી

    મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્ર પટેલની ગિફટ સિટીની આ પ્રથમ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયા હતા

    મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ગિફટ સિટીના ચેરમેન શ્રી સુધિર માંકડ, એમ.ડી. શ્રી તપન રે સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

    મુખ્યમંત્રીશ્રીને ગિફટ સિટીમાં જે નવા ઇનીશ્યેટીવ્ઝ હાથ ધરાઇ રહ્યા છે તેમાં મુખ્યત્વે બુલિયન એક્સચેન્જ, એરક્રાફટ લિઝીંગ અને શિપ લીઝીંગ બિઝનેસ એક્ટીવીટીઝ, ફિનટેક હબ, ગ્લોબલ ઇનહાઉસ સેન્ટર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્માણાધિન ઇન્ટરનેશનલ મેરિટાઇમ કલસ્ટર, ડેવલપીંગ ઓફ શોર ફંડ બિઝનેસ અને સુચિત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંગેની વિસ્તૃત માહિતી ગિફટ સિટીના ચેરમેન શ્રી સુધિર માંકડે આપી હતી.

    શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીમાં આ પ્રોજેક્ટ્સ ઉપરાંતના અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના કામો માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે ફોલોઅપ-સંકલન કરીને ત્વરાએ ઉકેલ લાવી કાર્યવાહી ઝડપી બનાવવા પણ આ સમીક્ષા બેઠકમાં સુચન કર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીએ ગિફટ સિટીના હિરાનંદાની ટાવરમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓ પણ સ્ટોક એક્સચેન્જની પ્રત્યક્ષ મુલાકાત લઇને નિહાળી હતી. તેમણે સમગ્ર ગિફટ સિટી સંકુલની અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યુ હતું.

    ગિફટ સિટીના ચેરમેન શ્રી સુધિર માંકડે મુખ્યમંત્રીશ્રીને ગિફટ સિટીના શરૂઆતના તબક્કાથી લઇ વર્તમાન કાર્યોનું વિવરણ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યુ હતું તથા ભાવિ આયોજનોનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો.

    Source: Information Department, Gujarat